બનાવટી દસ્તાવેજથી મેડિકલ લાયસન્સ મેળવ્યાનો આરોપ
ભાવનગર રેન્જ IG રાજેન્દ્ર વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિમેષ પાંડેયની સૂચનાથી SOGએ શંકાસ્પદ મેડિકલ પરવાના ધારકોની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બોરતળાવ પોલીસ સ્ટેશનના NDPS કેસમાં ઝડપાયેલા ભાવેશ દુધેલાના મેડિકલ લાયસન્સની વિગતો સામે આવી હતી. તેણે “મારૂતી મેડિકલ એજન્સી”ના લાયસન્સ માટે રજૂ કરેલું અનુભવ પ્રમાણપત્ર શંકાસ્પદ જણાયું હતું.
ગુરુકૃપા એજન્સીના નામે બનાવટી પ્રમાણપત્ર
Food and Drugs વિભાગ પાસેથી માહિતી મેળવતા ભાવેશે રજૂ કરેલું “ગુરુકૃપા એજન્સી, સિહોર”ના સહી-સિક્કાવાળું અનુભવ પ્રમાણપત્ર બનાવટી હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં દસ્તાવેજની ખરાઈ થતાં સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં ભાવેશ દુધેલા અને નરેન્દ્ર જોષીની ધરપકડ કરવામાં આવી છે.
BNSની વિવિધ કલમો હેઠળ ફરિયાદ
આ મામલે SOGના ASI હરેશભાઈ મેહુરભાઈ ઉલવાએ નિર્મળનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(2), 336(2), 336(3), 340(2) અને 54 હેઠળ ગુનો નોંધાયો છે. બંને આરોપીઓની ધરપકડ બાદ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ભાવેશ સામે અગાઉ પણ NDPSનો કેસ
પકડાયેલા ભાવેશ દુધેલા સામે અગાઉ પણ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. 2026માં કોડેઇન ઘટક ધરાવતી કફ સિરપની 1920 બોટલ સાથે ઝડપાયેલા કેસમાં તેનું નામ સામે આવ્યું હતું. પોલીસ હવે તેના અગાઉના ગુનાહિત જોડાણ અંગે પણ તપાસ કરી રહી છે.
5 મહિનામાં કફ સિરપના 10 કેસ
ભાવનગર પોલીસના જણાવ્યા મુજબ છેલ્લા 5 મહિનામાં કફ સિરપના ગેરકાયદે વેપાર સંબંધિત 10 કેસ નોંધાયા છે. આ કેસોમાં કુલ 31 આરોપીઓ ઝડપાયા છે. અગાઉના કેસોમાં મેડિકલ સંચાલકો અને ફાર્માસિસ્ટની ભૂમિકા પણ સામે આવી હતી. બનાવટી લાયસન્સની આડમાં નશાકારક દવાઓના વેપાર સામે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચો--- Vapi Wife Murder: વલસાડમાં બ્યુટી પાર્લર જતી પત્નીને રસ્તામાં રોકી, જાહેરમાં કરી હત્યા, પતિની ધરપકડ