Bhavnagar News: મહુવાની નવી સરકારી હોસ્પિટલમાં સતત બીજા દિવસે પંખો પડ્યો, ભારે અફરાતફરી
- Bhavnagar ની સરકારી હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી
- મહુવાની નવી સરકારી હોસ્પિટલમાં ફરી પંખો પડ્યો
- હોસ્પિટલમાં સતત બીજા દિવસે પડ્યો પંખો
- ગઈકાલે પંખો પડતા મહિલાને થઈ હતી ગંભીર ઈજા
- આજે ફરીથી અન્ય વ્યક્તિ પર પડ્યો પંખો
- એક વર્ષ પહેલા જ થયું હતું હોસ્પિટલનું લોકાર્પણ
Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી તંત્રની ઘોર બેદરકારી અને નબળા બાંધકામનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહુવાની નવી બનેલી સરકારી હોસ્પિટલમાં જાણે પંખા પડવાનો સિલસિલો યથાવત હોય તેમ લાગી રહ્યું છે. હજુ ગઈકાલે જ હોસ્પિટલમાં પંખો પડવાની એક ગંભીર ઘટના બની હતી, ત્યાં 24 કલાક પણ વીત્યા નથી અને આજે ફરીથી અન્ય એક વ્યક્તિ પર પંખો પડવાની ઘટના સામે આવતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Bhavnagar માં કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલમાં દર્દીઓ અસુરક્ષિત
મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડી રાત્રે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શબાનાબેન શેખ નામના મહિલા દર્દી પર અચાનક ચાલુ પંખો તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં તેમને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને હજુ 24 કલાક પણ પૂર્ણ નથી થયા ત્યાં આજે ફરીથી અન્ય એક વોર્ડમાં અન્ય એક વ્યક્તિ પર પંખો પડ્યો હતો. માત્ર 1 વર્ષ પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે લોકાર્પણ થયેલી આ આધુનિક હોસ્પિટલમાં સતત બીજા દિવસે પંખો પડવો એ વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને નબળી ગુણવત્તાવાળી સામગ્રીના વપરાશનો જીવતો જાગતો પુરાવો છે.
નબળા કામકાજને લઈને જનતામાં ઉગ્ર આક્રોશ
હોસ્પિટલમાં દાખલ દર્દી સુજાનાબેન અને અન્ય પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક તરફ સરકાર કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન બિલ્ડિંગ તૈયાર કરે છે અને બીજી તરફ તંત્રના પાપે દર્દીઓના માથે મોત ભમી રહ્યું છે. સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવવા આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ હવે પોતાની જાતને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. આ ઘટનાને પગલે હોસ્પિટલના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.


