Bhavnagar RTO School Vehicle Checking: રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ભાવનગર પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) એક્શન મોડમાં આવી ગઈ છે. ભાવનગર RTO દ્વારા આજથી શહેરની વિવિધ શાળાઓની બહાર વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવા માટે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન સગીર વયના વાહન ચાલકોને સમજણ આપવામાં આવી હતી, જ્યારે ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડતા અને ગેરકાયદેસર રીતે દોડતા સ્કૂલ વાહનો સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
Bhavnagar RTO દ્વારા સ્કૂલ વાહનોનું સઘન ચેકિંગ
35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ ખુલી છે, ત્યારે જ ભાવનગર RTOની ટીમો વહેલી સવારથી જ સક્રિય થઈ ગઈ હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ખાનગી અને સરકારી શાળાઓના કેમ્પસ પાસે RTO અધિકારીઓ દ્વારા આકસ્મિક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
લાઈસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓને આપી સૂચના
આ ડ્રાઈવ દરમિયાન 18 વર્ષથી ઓછી ઉંમરના (સગીર) અસંખ્ય વિદ્યાર્થીઓ બાઈક, સ્કૂટર અને એક્ટિવા જેવા ગિયર અને નોન-ગિયર વાહનો ચલાવીને શાળાએ આવતા નજરે પડ્યા હતા. RTO અધિકારીઓએ લાઈસન્સ વગર વાહન ચલાવતા આ તમામ વિદ્યાર્થીઓને રોકીને કાયદાકીય જોગવાઈઓ અને માર્ગ સુરક્ષા અંગે કડક સૂચનાઓ તેમજ સમજણ આપી હતી. વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને પ્રથમ દિવસ હોવાથી અધિકારીઓએ વાલીઓને જાણ કરવાની શરતે માત્ર સલાહ આપીને છોડ્યા હતા.
વધારાના વિદ્યાર્થીઓ બેસાડતી રિક્ષાઓને ફટકાર્યો દંડ
બીજી તરફ, શાળાના બાળકોને લાવવા-લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી ઓટો રિક્ષા અને ઈકો વાન (સ્કૂલ વાન) નું પણ ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું. જેમાં કેપેસિટી કરતાં વધારે માસૂમ બાળકોને ઘેટાં-બકરાંની જેમ ભરતા રિક્ષા અને વાન ચાલકો સામે RTO લાલઆંખ કરી હતી અને સ્થળ પર જ ભારે દંડ ફટકાર્યો હતો.
શૈક્ષણિક સત્ર શરૂ થતા જ હાથ ધરાઈ કામગીરી
આ ઉપરાંત, આરટીઓ ચેકિંગમાં એ પણ સામે આવ્યું કે ઘણા વાહનચાલકો પ્રાઈવેટ પાસિંગ (સફેદ નંબર પ્લેટ) ધરાવતા વાહનોનો કોમર્શિયલ એટલે કે સ્કૂલ વાન તરીકે ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા હતા. નિયમ મુજબ સ્કૂલ વાહન માટે કમર્શિયલ પાસિંગ અને ચોક્કસ ફિટનેસ સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે. આ નિયમનો ભંગ કરનારા તમામ ગેરકાયદેસર વાહનોને પણ કાયદાનો પાઠ ભણાવી દંડ વસૂલવામાં આવ્યો હતો. RTO ની આ અચાનક કાર્યવાહીથી નિયમોનો ભંગ કરતા વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: Gandhinagar : 54 હજારથી વધુ શાળામાં ઉનાળું વેકેશન પૂર્ણ, સૂમસાન બનેલા શાળા કેમ્પસ ફરીથી ધમધમી ઉઠયા