Bhavnagar News: ગુજરાતમાં મેઘરાજાના મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે, ત્યારે ભાવનગર જિલ્લાના થોરડી ગામ પાસે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. ભારે વરસાદના પગલે ગામની એક તલાવડીમાં બાઈક પરથી પસાર થઈ રહેલા એક વૃદ્ધ તણાઈ ગયા હોવાની ઘટના બની છે.
Bhavnagar ના થોરડી ગામે વૃદ્ધ તલાવડીમાં ડૂબ્યા
મળતી માહિતી મુજબ, થોરડી ગામના રહેવાસી દિલીપભાઈ છગનભાઈ રાઠોડ, નરેશભાઈ ભરતભાઈ જાદવ અને આશિષભાઇ પ્રવીણભાઈ જાદવ પોતાની ટુ-વ્હીલર બાઈક લઈને થોરડી ગામ પાસે આવેલ તલાવડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. ભારે વરસાદના કારણે માર્ગ પર પાણી ભરાયેલા હોવાથી આ ત્રણેય વ્યક્તિઓ તલાવડી પાસે પહોંચતા જ પાણીના પ્રવાહમાં સપડાયા હતા. આ દુર્ઘટનામાં અન્ય 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો, પરંતુ દિલીપભાઈ છગનભાઈ રાઠોડ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
તંત્ર દ્વારા શોધખોળ તેજ
ઘટનાની જાણ થતા જ ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પીએ બુધેસભાઈ જાંબુચા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતા સમજીને તંત્રને જાણ કરવામાં આવતા, NDRF ની ટીમ, ફાયર વિભાગની ટીમ, ભાવનગર મામલતદાર, થોરડી ગામના સરપંચ અને સ્થાનિક આગેવાનો બનાવ સ્થળે પહોંચ્યા હતા. હાલમાં, લાપતા થયેલા દિલીપભાઈ રાઠોડની શોધખોળ માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Gujarat Weather Update: રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય, 17 થી વધુ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ