ટાઈફોઈડથી ગાંધીનગરની જનતા ત્રસ્ત, મનપાના અધિકારીઓ ક્રિકેટમાં મસ્ત?
- ગાંધીનગરની જનતા ટાઈફોઈડમાં ત્રસ્ત
- અધિકારી- પદાધિકારીઓ ક્રિકેટની માજમાં મસ્ત
- મનપાના અધિકારીઓ- કોર્પોરેટરો ભાવનગર ક્રિકેટ રમવા પહોંચ્યા
Gandhinagar Typhoid Outbreak : જ્યારે આખું શહેર બીમારીના ભરડામાં હોય, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી હોય અને પીવાના શુદ્ધ પાણી માટે લોકો વલખાં મારતા હોય, ત્યારે શહેરના રખેવાળોની નૈતિક જવાબદારી શું હોવી જોઈએ? આ સવાલ આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરની જનતા પૂછી રહી છે. એક તરફ શહેરના અનેક સેક્ટરોમાં દૂષિત પાણીને કારણે ટાઈફોઈડનો રોગચાળો ફાટી નીકળ્યો છે, તો બીજી તરફ ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જનતાને રામભરોસે મૂકીને ભાવનગરના મેદાન પર ક્રિકેટની મોજ માણી રહ્યા છે.
દૂષિત પાણી અને ટાઈફોઈડનો હાહાકાર
છેલ્લા ઘણા દિવસોથી ભારતનું સૌથી સ્વચ્છ શહેર ગણાતું ઇન્દોર દૂષિત પાણીને લીધે ચર્ચામાં હતું, પરંતુ હવે ગાંધીનગરની સ્થિતિ પણ કંઈક એવી જ ગંભીર બની છે. શહેરના વિવિધ સેક્ટરો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું કે દૂષિત પાણી ભળવાને કારણે ટાઈફોઈડના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. અનેક નાગરિકો તાવની ફરિયાદ સાથે હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પાણીની લાઈનોમાં સુધારો કરવામાં આવ્યો નથી.
Gandhinagar ની જનતા Typhoid ના કહેરમાં ત્રસ્ત, અધિકારી-પદાધિકારીઓ ક્રિકેટની મોજમાં મસ્ત | Gujarat First
મનપાના અધિકારીઓ-કોર્પોરેટરો ક્રિકેટ રમવા પહોંચ્યા
ભાવનગરમાં ગાંધીનગર મનપાની ટીમનું ક્રિકેટ આયોજન
જનતાને રોગચાળા વચ્ચે મૂકી અધિકારી-પદાધિકારીઓની મોજ
અધિકારીઓ-પદાધિકારીઓના… pic.twitter.com/kBFRlBIKha— Gujarat First (@GujaratFirst) January 6, 2026
જનતાની પીડા વચ્ચે ‘ક્રિકેટ મહોત્સવ’
જ્યારે ગાંધીનગરમાં આરોગ્ય કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આશ્ચર્યજનક રીતે ગાંધીનગર મનપાના અધિકારીઓ અને કોર્પોરેટરોની 2 અલગ-અલગ ટીમો ભાવનગર પહોંચી છે. રાજ્યના પાટનગરમાં ઉભી થયેલી સમસ્યાનું નિરાકરણ લાવવાના બદલે, આ જવાબદારો ભાવનગરમાં ક્રિકેટ રમી રહ્યા છે. જનતાનો ટેક્સ જેમના પગાર અને સુવિધાઓ પાછળ ખર્ચાય છે, તે જ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની આ સંવેદનહીનતા સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ટીકાનો વિષય બની છે.
“એ અમારો પ્રશ્ન નથી” – સત્તાધીશોનો બેજવાબદાર જવાબ
સૌથી વધુ આઘાતજનક બાબત તો એ સામે આવી છે કે, જ્યારે આ ગંભીર બીમારી અને પાણીની સમસ્યા અંગે ગાંધીનગરના કોર્પોરેટરો અને અધિકારીઓને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખૂબ જ ઉદ્ધત અને બેજવાબદાર વલણ અપનાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે એવું કહીને પલ્લું ઝાડી દીધું હતું કે, "તે અમારો પ્રશ્ન નથી." સત્તાના નશામાં ચૂર આવા જવાબોએ પીડાતા નાગરિકોના જખમ પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ એક્શન મોડમાં પણ મનપા સત્તાધીશો..!
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં વ્યાપેલા ટાઈફોઈડના રોગચાળાને પગલે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પોતે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જનતાના સ્વાસ્થ્ય માટે ગુજરાત સરકાર પાસે યુદ્ધના ધોરણે કામગીરી કરાવી રહ્યા છે, ત્યારે ગાંધીનગર મનપાના સત્તાધીશોની સંવેદનહીનતા ચરમસીમાએ પહોંચી છે. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર નાગરિકોને દૂષિત પાણીની સમસ્યામાંથી ઉગારવા રાત-દિવસ એક કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓ જનતાને બીમારીના ખપ્પરમાં છોડીને ભાવનગર ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મજા માણી રહ્યા છે. ઉચ્ચ કક્ષાએથી લેવાઈ રહેલા કડક નિર્ણયો અને રાહત કાર્યો વચ્ચે ગાંધીનગર મનપાના જવાબદારોની આ ગંભીર બેદરકારી સામે પાટનગરના નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Gandhinagar: શું ખરેખર બે બાળકોના મોત ટાઈફોઈડથી થયા? જાણો કમિશનરે શું કહ્યું?


