75 ટકા અગ્નિવીરોને મળશે 2 વર્ષનું એક્સટેન્શન
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ એન.એસ. રાજા સુબ્રમણીએ આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું કે, અગ્નિવીરોને 2 વર્ષનો વધારાનો એંગેજમેન્ટ પીરિયડ આપવામાં આવશે. અત્યાર સુધી 4 વર્ષની સેવા બાદ 25 ટકા અગ્નિવીરોને તેમની યોગ્યતા અને મેરિટના આધારે નિયમિત સૈનિક તરીકે સામેલ કરવામાં આવતા હતા. હવે બાકીના 75 ટકા અગ્નિવીરોને પણ વધુ 2 વર્ષ સુધી સેવા ચાલુ રાખવાની તક મળશે. આ નિર્ણયથી તેમને વધુ અનુભવ મેળવવાની સાથે આર્થિક સ્થિરતા પણ મળશે. આ વધારાના સમયગાળા દરમિયાન તેમને વધુ મહેનતાણું અને વધુ સેવા નિધિ મળવાની પણ માહિતી આપવામાં આવી છે. જોકે, તેની ચોક્કસ વિગતો હજુ જાહેર થઈ નથી.
2 વર્ષ બાદ ફરી મળશે કાયમી સૈનિક બનવાની તક
આ નિર્ણયની સૌથી મહત્ત્વની બાબત એ છે કે 2 વર્ષનો વધારાનો સેવા સમયગાળો પૂર્ણ થયા બાદ અગ્નિવીરોને ફરી એકવાર નિયમિત સશસ્ત્ર દળોમાં સામેલ થવાની તક મળશે. તેમના માટે ઓબ્જેક્ટિવ સિલેક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયામાં ઉમેદવારોની યોગ્યતા, કામગીરી અને નિર્ધારિત પસંદગીના માપદંડોને ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે, વધારાના 2 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ નિયમિત સેવામાં ભરતી આપોઆપ નહીં થાય, પરંતુ પસંદગીના નિયમો મુજબ જ નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત, વધારાની સેવા ચાલુ રાખવી કે નહીં તે અગ્નિવીરની ઇચ્છા પર પણ નિર્ભર રહેશે.
અગ્નિપથ યોજનામાં કેમ કરવામાં આવ્યો આ ફેરફાર?
વર્ષ 2022માં શરૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સેનામાં યુવાનોની ભાગીદારી વધારવાનો અને સશસ્ત્ર દળોને વધુ યુવા બનાવવાનો હતો. જોકે, 4 વર્ષ બાદ મોટાભાગના અગ્નિવીરોની સેવા પૂર્ણ થવાથી તેમના ભવિષ્ય અને સેનામાં મેળવેલા અનુભવના ઉપયોગ અંગે અનેક સવાલો ઊભા થતા હતા. હવે નવા નિર્ણયથી સેનાને તાલીમબદ્ધ અને અનુભવી જવાનોને વધુ સમય સુધી પોતાની સાથે રાખવાનો વિકલ્પ મળશે.
પ્રથમ બેચના અગ્નિવીરો માટે મહત્ત્વનો નિર્ણય
અગ્નિપથ યોજનાના પ્રથમ બેચના આશરે 24,400 અગ્નિવીરોમાંથી લગભગ 18,300 જવાનો 4 વર્ષની સેવા પૂર્ણ થયા બાદ વર્ષ 2026ના અંત સુધીમાં બહાર થવાના હતા. આવી સ્થિતિમાં સરકારનો આ નિર્ણય તેમના માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે 2 વર્ષના વધારાના સેવા સમયગાળા અને ત્યારબાદની પસંદગી પ્રક્રિયા દ્વારા અગ્નિવીરોને સશસ્ત્ર દળોમાં પોતાની કારકિર્દી આગળ વધારવાની વધુ એક તક મળશે.
આ પણ વાંચો : Agniveer ભરતી રેલી માટે મોટા સમાચાર, ગુજરાતના 13 જિલ્લા અને દીવના ઉમેદવારો માટે તારીખ જાહેર