જી.એસ. મલિકે અમદાવાદ પોલીસના કર્યા વખાણ
રાજ્યના પોલીસ વડા (DGP) તરીકે નિયુક્તિ પામેલા જી.એસ. મલિકે આ પ્રસંગે નવા સીપીને ચાર્જ સોંપ્યો હતો. તેમણે પોતાની 3 વર્ષની કામગીરી દરમિયાન અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા પર અંકુશ, 'મિશન ફિટ ખાખી' અને શહેરમાં મોટા પ્રમાણમાં CCTV લગાવવાની કામગીરીને યાદ કરી હતી.
ખાસ કરીને ખાડિયા ફાયરિંગ અને લૂંટ કેસ જેવા ગંભીર કેસો ઉકેલવા બદલ તેમણે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.
પોલીસ સ્ટેશનથી પણ તમામ કામ થવા જોઈએ : અનુપમસિંહ ગેહલોત
પદભાર સંભાળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની પ્રાથમિકતા આગામી રથયાત્રાનું સુરક્ષિત આયોજન રહેશે. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર સતત વિકસી રહ્યું છે, તેથી તે મુજબ ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે, નાગરિકોના કામ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જ થઈ જાય અને તેમને ઓફિસે ધક્કા ન ખાવા પડે તેનું ખાસ ધ્યાન રાખવું. આમ, અનુભવી અને કડક વ્યક્તિત્વ ધરાવતા અનુપમસિંહ ગેહલોતના આગમનથી અમદાવાદના ગુનેગારોમાં ફફડાટ અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની નવી આશા જન્મી છે.
ગુનેગારો કાયદો હાથમાં લેશો નહી : અનુપમસિંહ ગેહલોત
નવા કમિશનરે ગુનેગારોને સીધી અને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતું કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહો." તેમણે ઉમેર્યું હતું કે પોલીસ માત્ર ગુનેગારો માટે નથી, પરંતુ સામાન્ય નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે છે. પોલીસની વાણી અને વર્તનમાં સુધારો આવે તે માટે તેઓ ખાસ પ્રયાસો કરશે.
આ પણ વાંચો : Junagadh જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 22 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, પોરબંદર-સોમનાથ હાઈવે પરનો પુલ તૂટયો