અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ, વ્યવસ્થિત અને નાગરિકો માટે સરળ બનાવવા માટે પોલીસ વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ટ્રાફિક વિભાગને સ્પષ્ટ અને આદેશાત્મક સૂચનાઓ જારી કરી છે. આ નવી નીતિ અંતર્ગત હવે વાહનચાલકોને માત્ર દંડ ફટકારવા કે મેમો આપવાની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પ્રત્યક્ષ રીતે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને નિયમન કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરના આદેશ અનુસાર, આગામી બે મહિના સુધી ટ્રાફિક પોલીસ દ્વારા મેમો બનાવવાની કામગીરીને ગૌણ રાખવામાં આવશે અને તેના બદલે રસ્તા પર ટ્રાફિક નિયમન સુચારુ રીતે ચાલે તે માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે. આ નીતિના ભાગરૂપે હાલ શહેરમાં ઠેરઠેર ટ્રાફિક પોલીસના જવાનો સતત રોડ પર હાજર રહીને ટ્રાફિકનું સંચાલન કરતા નજરે પડી રહ્યા છે, જેથી વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું સ્વેચ્છાએ પાલન કરતા થાય.
ગુલાબસિંહનું ગુલાબ ખીલી ઉઠયું છે, એક નહી પણ બે પોલીસ સ્ટેશનમાં તેમની સુવાસ છે
અમદાવાદ શહેરમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશન અને N ડિવિઝન ટ્રાફિકમાં ગુલાબસિંહના વહિવટની સુવાસ દુર દુર કમિશમર કચેરીએ પહોંચી હોવાની વિગતો સુત્રથી પ્રાપ્ત થઈ રહી છે. એક પિચ પર બે બેટીંગના લાડવાના ચક્કરમાં ગુલાબસિંહને પોતાને હવે કાંટા વાગે તો નવાઈ રહેશે નહીં. લાંબા સમયથી બે પોલીસ મથકના વહિવટને લઈ ગુલાબસિંહ પર ભલે અધિકારીઓ ઓળઘોળ હોય પણ ટૂંક સમયમાં આ વહિવટદાર પર એક્શન આવવાનું ચિત્ર બની રહ્યું છે.
ગુજરાત પોલીસે વરસાદના સમયે લોકોની મદદ કરી ભરપૂર આશીર્વાદ મેળવ્યા
ગુજરાત પોલીસ આમ તો પોલીસનું નામ સાંભળીને આરોપીઓને પરસેવો તો છૂટી જાય છે, પણ આ જ પોલીસે ગુજરાતમાં વરસેલા ભારે વરસાદની વચ્ચે પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોની મદદ કરી છે, લોકોને પાણીથી લઈ ફૂડ પેકેટ સુધીની તમામ મદદ પોલીસે પૂરી પાડી છે, રાત-દિવસ જોયા વગર પોલીસે લોકોની વચ્ચે જઈ નવજીવન આપ્યું છે અને તેના કારણે જ લોકોના આશીર્વાદ ગુજરાત પોલીસને મળ્યા છે.
આવા આપત્તિના સમયે પોલીસે હરહંમેશ લોકોની મદદે ઉભી રહી છે અને ખાખીનું જોર અણનમ રાખ્યું છે. ત્યારે વરસાદના સમયે પણ પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢીને લોકોની મદદ કરનાર આ ગુજરાત પોલીસને જનતા કયારેય નહી ભૂલે અને તેમની આ સેવાને હંમેશા માટે યાદ રાખશે.
દારૂની બોટલમાં કોન્સ્ટેબલે તોડ કરી દીધો!
અમદાવાદ શહેરનું એક જાણીતું પોલીસ સ્ટેશન અને એસજી હાઈવે નજીક આવેલું આ પોલીસ સ્ટેશન છે, એક જાણીતી અને મોટી હોટલની નજીક આ પોલીસ સ્ટેશન આવેલું છે જેમાં ડીસીપી, ટ્રાફિક અને એસીપીની ઓફિસ પણ છે, તો વાત એમ છે કે, આ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલને બાતમી મળે છે કે એક વ્યકિત દારૂના જથ્થા સાથે તેમના વિસ્તારમાંથી નીકળી રહ્યો છે અને તેને ઝડપી પણ પાડવામાં આવે છે ત્યારે આ પોલીસ કોન્સ્ટેબલનો ઉદય કેસ કરવામાં નહી પણ રૂપિયા લેવા માટે થાય છે, તો સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી છે કે આ કોન્સ્ટેબલે કોઈ મોટા રૂપિયા નથી લીધા પરંતુ તેના પૂરતા રૂપિયા તેણે લઈ લીધા છે અને સામે વાળા વ્યકિતને છોડી દીધો હતો.
PI એ લીધો મોટો નિર્ણય, ડિટેકશન કરો અને ડી-સ્ટાફમાં આવો
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું એક મોટું પોલીસ સ્ટેશન અને અમદાવાદ ગ્રામ્યની હદની નજીક આવેલું આ ક્રીમ પોલીસ સ્ટેશન છે, ડી-સ્ટાફ વિસ્તારમાં ફરીને અને બાતમીના આધારે આરોપીને ઝડપી પાડે છે પણ જે રીતે કામગીરી થવી જોઈએ તે રીતે થતી ના હોવાના કારણે પીઆઈએ મોટો નિર્ણય લીધો છે અને આ નિર્ણય એવો છે કે, પીઆઈએ દરેક ડી-સ્ટાફના માણસોને વન ટુ વન બોલાવીને સૂચના આપી છે કે હાલમાં ડી-સ્ટાફ વિડ્રોલ કરૂ છુ અને તમે કામગીરી કરો અને કામગીરીના આધારે જાતે જ ડી-સ્ટાફમાં આવો.
તો પીઆઈના આ નિર્ણયને દરેક કર્મચારીએ વધાવી લીધો છે અને બધા કામે લાગી ગયા છે, જો અમદાવાદ શહેરના અન્ય પીઆઈઓ પણ આ રીતે કામગીરી કરે તો ડી-સ્ટાફમાં જવા માટે લોકો એમનેમ કામે લાગી જશે અને ડિટેકશન ઝડપથી થઈ શકશે, પૂર્વ વિસ્તારના આ પીઆઈની કામગીરીને સલામ છે જેમણે સ્ટાફ જોડે બળજબરીથી નહી પણ બુદ્ધિપૂર્વક કામગીરી લીધી છે.
આ પણ વાંચો : પોલીસની પંચાત : ટ્રાફિકમાં કઈ જગ્યાએ શરૂ થયા ઉઘરાણાના ભાણા? નિકોલમાં કયા લોકોએ લાખોનો ખેલ પાડી દીધો ?