ઘી ઢોળાયું તો ખીચડીમાં કહેવત પૂર્વ વિસ્તારમાં આવેલા એક પોલીસ મથકમાં સાચી પડી. સ્થાનિક પી.આઈએ વહિવટદાર તરીકે પોતાના જ એક સંબંધીને સેટ કરી દીધા.
આ અધિકારીની જવાબદારી એમ તો પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દુર થાય તે માટે છે પણ દેવાંશને સોંપાયેલા વહિવટમાં સ્થાનિક પોલીસ કર્મીઓ કહી રહ્યા છે કે કદાચ અધિકારીને તેમાંમ દેવનો અંશ લાગ્યો હશે. હવે અધિકારીના આ રીતે ચાર હાથ હોય એટલે કે આશીર્વાદ તો પછી બીજા નાના કર્મીઓતો ફફડવાના જ ! અને હા, આ કોઈ ખાનગી કર્મી નથી પણ પોલીસમાંજ ફરજ બજાવતો એક કર્મી છે.
ગુજરાત પોલીસે શરૂ કર્યું 'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ'
રાજ્યમાં મહિલાઓ અને બાળકો ન માત્ર રસ્તાઓ પર સુરક્ષા અનુભવે પણ ઓનલાઇન અને સાયબરસ્પેશ પર પણ સુરક્ષાનો અનુભવ કરે તે માટે ગુજરાત પોલીસે રાજ્યભરમાં 28 દિવસીય અભિયાન 'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ' શરૂ કર્યું છે.
જેનો ઉદ્દેશ્ય સમગ્ર રાજ્યમાં સુરક્ષિત ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવવાનો છે. 1 જુલાઈથી 28 જુલાઈ, 2026 સુધી ચાલનારા આ અભિયાનનો હેતુ સામુદાયિક જોડાણ, ટેક્નોલોજી આધારિત દેખરેખ, પીડિતો સુધી પહોંચ, સાયબર જાગૃતિ અને ઝડપી કાનૂની કાર્યવાહી દ્વારા મહિલાઓ અને બાળકોને સાયબર ક્રાઇમથી બચાવવાનો છે. 'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ' એ સાયબર ગુનાઓને રોકવા, ડિજિટલ પ્લેટફોર્મ પર લોકોનું રક્ષણ કરવા અને જનતાનો વિશ્વાસ વધારવા માટે રચાયેલ એક કેન્દ્રિત અને ઇન્ટેલિજન્સ-આધારિત પહેલ છે.
"આ ઓપરેશનનો ઉદ્દેશ્ય ડિજિટલ ઇકોસિસ્ટમમાં જાહેર સુરક્ષાને મજબૂત કરવાનો છે, ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે, જેઓ ઓનલાઇન શોષણ, સાયબરસ્ટોકિંગ, નાણાકીય છેતરપિંડી, આઇડેન્ટિટી થેફ્ટ અને અન્ય સાયબર-સંબંધિત ગુનાઓનો વધુને વધુ ભોગ બની રહ્યા છે. સીઆઈડી (ક્રાઈમ અને રેલવે)ના ડીજીપી શ્રી ડૉ. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલા આ અભિયાનનો હેતુ સંભવિત પીડિતોની અગાઉથી ઓળખ કરવાનો, નાણાકીય નુકસાન અટકાવવાનો, સાયબર જાગૃતિ સુધારવાનો અને દરેક સ્તરે સંકલિત કાર્યવાહી દ્વારા પોલીસનો તાત્કાલિક હસ્તક્ષેપ સુનિશ્ચિત કરવાનો છે.
નવા CP આવતા PIઓએ સારા પોલીસ સ્ટેશન માટે રાજકીય ભલામણો શરૂ કરી
અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે સુરતથી સાહેબ તો આવી ગયા છે, પરંતુ સાહેબ આવતાની સાથે જ ઘણા પોલીસ ઈન્સપેકટરોએ સારા પોલીસ સ્ટેશન મેળવવા માટે રાજકીય ભલામણો શરૂ કરી દીધી છે.
જે પીઆઈ સુરત નોકરી કરીને આવ્યા છે તે લોકોને તો એવું જ છે કે, અમને તો મળી જ જશે સારૂ પોલીસ સ્ટેશન, પણ આ બધાની વચ્ચે યાદ રાખજો એ વાત કે તમારી સોનાની જાળ પાણીમાં ના નાખતા કેમ કે તમે રાજકીય ભલામણો કરી છે અથવા કરવાના છો તે કામ લાગે એમ નથી. અને મહત્વની વાત તો એ છે કે, હજી અમદાવાદ શહેર પોલીસમાં પીઆઈની બદલી આવતા વાર લાગશે, તમે તમારી કામગીરી જે સારી કરો છો એ કરતા જ રહો તમને તમારી મહેનત પ્રમાણેનું ફળ ભગવાન આપી ને જ રહેશે, માટે ભલામણો કરવાનું બંધ કરો અને કામગીરી પણ વધુ ધ્યાન આપો તો સારૂ છે.
ગુજરાત પોલીસ માટે ગુનેગારોને જેલમાં ધકેલવા માટે આધુનિક હથિયાર
37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી મોબાઈલ ફોરેન્સિક વેન, વર્ષ 2024માં 47 પૈકી 28 મોબાલઈલ ફોરેન્સિક વેનને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર અપગ્રેડ કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં MFVs 37,269 ક્રાઈમ સીન/સ્પોટ પર પહોંચી ચૂકી છે. MFVs દ્વારા મર્ડર, પૉક્સો, લૂંટ, ચોરી, આગ, અને નાર્કોટિક્સ સહિત અન્ય મહત્વપૂર્ણ ગુનાઓ અંતર્ગત ઘટનાસ્થળ પર સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે.
વિવિધ સ્પોટ મુલાકાતમાં ગુનાવાર આંકડા આ પ્રમાણે છે: મર્ડર (1529), બળાત્કાર/પૉસ્કો/બાળ અત્યાચાર (3746), હત્યાનો પ્રયાસ (1583), લૂંટ (728), ઘરફોડ/ચોરી (2758), ફાયરિંગ (154), વિસ્ફોટ (43), આગ (2893), નાર્કોટિક્સ (1968) અને ફેટલ-જીવલેણ કિસ્સાઓ (9022). તે સિવાય 10,457 અન્ય સ્પોટ મુલાકાતોમાં આકસ્મિક મૃત્યુ, કસ્ટોડીયલ ડેથ, અપ્રાકૃતિક મૃત્યુ, શંકાસ્પદ ઘટનાઓ અને અન્ય કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફોરેન્સિક તપાસ સામેલ છે. આ મોબાઇલ ફોરેન્સિક વેન્સમાં 12 વિશેષ વૈજ્ઞાનિક કિટ્સ ઉપલબ્ધ છે. જેમાં ડીએનએ અને સેક્સ્યુઅલ અસોલ્ટ એવિડન્સ કિટ, નાર્કોટિક્સ સ્ક્રીનિંગ કિટ, એક્સપ્લોઝિવ સ્ક્રીનિંગ કિટ, ગન શૉટ રેસિડ્યુ કિટ, આગની તપાસ માટેની કિટ, ફૂટપ્રિન્ટ અને ટાયર પ્રિન્ટ કાસ્ટિંગ કિટ સહિતની અદ્યતન સુવિધાઓનો સમાવેશ થાય છે.
ટોઈંગ કરેલા વાહનો છોડાવવા કયા જઉં તેને લઈ જનતા મુશ્કેલીમાં
અમદાવાદ શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ટોઈંગની ગાડીઓ ફરતી હોય છે અને તેમાં ASI કક્ષાના અધિકારી મોનિટરીંગ માટે બેઠા હોય છે, જે પણ લોકોએ નો પાર્કિગમાં વાહનો પાર્ક કર્યા હોય છે તેમના વાહનો ઉપાડીને ટોઈંગની ગાડીમાં મૂકવામાં આવતા હોય છે અને જે તે પોલીસ સ્ટેશન હોય ત્યાં તેને મૂકવામાં આવતા હોય છે, તો ટોઈંગ કરતા માણસો ખાનગી માણસો છે અને તે લોકોના વાહનોને નુકસાન પણ પહોંચાડે છે તેવી પણ અનેક ફરિયાદો ઉઠી છે.
તો મહત્વની વાત તો એ છે કે, આ વાહનો જયાં ટોઈંગ કરીને લઈ જવામાં આવે છે તે જગ્યા કયા હશે અને કયા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવતા હશે તેને લઈ ઘણા લોકો ધંધે લાગી જાય છે. ત્યારે નો પાર્કિગમાં વાહન પાર્ક કરવું એ તો ગુનો જ છે પણ બધા લોકો નથી જાણતા કે વાહનને કયાં લઈ જવામાં આવે છે. માટે ટ્રાફિક પોલીસના જે પણ કર્મી ટોઈંગ વાહનમાં બેઠા હોય ને તે લોકો સ્થાનિકોને કહેવાનું રાખો કે આ પોલીસ સ્ટેશનમાં તમારૂ વાહન લઈ જઈએ છીએ તો દંડ ભરવા માટે આ જગ્યાએ આવજો.
આ પણ વાંચો : પોલીસની પંચાત : દરિયાપુરના ભગી બાપુ ક્યાં કાચા પડ્યા? એક PI નો તો ભોગ લીધો બીજાનો પણ લેવાશે કે શું? વાંચો Special Story