Ahmedabad News: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી એક 40 વર્ષીય પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. આ મામલે મૃતક પરિણીતાના પરિવારજનો દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને સસરા સહિત કુલ 6 જણા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Ahmedabad ના શાહીબાગમાં પરિણીતાનો આપઘાત
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક સોનલબેનના લગ્નજીવનના થોડા વર્ષો બાદ તેમના પતિના ધંધામાં મોટું આર્થિક નુકસાન ગયું હતું, જેના કારણે તેઓ પર ભારે દેવું થઈ ગયું હતું. આ દેવું ચૂકવવા માટે અથવા ધંધો બેઠો કરવા માટે સોનલબેન પર તેમના પિયરમાંથી સતત નાણાં લાવી આપવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ બાબતે સાસરીપક્ષના લોકો દ્વારા તેમને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
જેઠ દ્વારા બિભત્સ માંગણીઓ અને માનસિક ત્રાસ
આ કેસમાં સૌથી ગંભીર આક્ષેપ એવો પણ સામે આવ્યો છે કે મૃતક પરિણીતાના જેઠ દ્વારા તેમની સમક્ષ બિભત્સ માંગણીઓ કરવામાં આવતી હતી. સાસરીયા પક્ષના આ અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી પરિણીતા અંદરથી તૂટી ગઈ હતી અને ભારે માનસિક તણાવ અનુભવી રહી હતી.
પિતાને ફોન કરી કેનાલમાં કૂદી જવાની કરી હતી વાત
ઘટના અંગે વધુ વિગતવાર વાત કરીએ તો, ગત 6 સપ્ટેમ્બરના રોજ સવારના સુમારે મૃતક સોનલબેને પોતાના પિતાને ફોન કર્યો હતો. ફોન પર વાતચીત દરમિયાન તેમણે સાસરિયાઓના અતિશય ત્રાસથી કંટાળીને પોતે રાયપુર કેનાલમાં કૂદીને આપઘાત કરવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. પુત્રીના આ આઘાતજનક શબ્દો સાંભળીને પરિવારજનો તરત જ દોડતા થઈ ગયા હતા અને શોધખોળ હાથ ધરી હતી, પરંતુ દુર્ભાગ્યવશ તેમણે કેનાલમાં ઝંપલાવીને પોતાની જીવનલીલા ટૂંકાવી દીધી હતી. આ બનાવને પગલે શાહીબાગ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા નોંધી પતિ, સાસુ-સસરા અને જેઠ સહિત કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Rajkot Lodhika Sangh Election: લોધિકા સંઘ ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, મેન્ડેટ વિરુદ્ધ લડેલા ભાજપના બે બળવાખોરોની જીત