Amreli: વડીયામાં કાળમુખા શ્વાનોનો આતંક, 25 દિવસમાં 4 બળકો પર જીવલેણ હુમલા
Amreli Stray Dog Attack: અમરેલીના વડીયા (Vadiya) પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા શ્વાનોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. વડીયાના ખાન ખીજડિયા (Khan Khijadiya) વિસ્તારમાં હિંસક બની ગયેલા શ્વાનોના ટોળાએ અબોલા જીવ મટીને શિકારીનું રૂપ ધારણ કર્યું છે. છેલ્લા 20 થી 25 દિવસના ગાળામાં આ શ્વાનોએ નિર્દોષ બાળકોને નિશાન બનાવીને સતત હુમલા કર્યા છે, જેમાં અત્યાર સુધીમાં 2 બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેણે સમગ્ર પંથકમાં ભારે ગભરાટ ફેલાવી દીધો છે.
આ વિસ્તારમાં કાળમુખા શ્વાનોનો આતંક
આજે ફરી એકવાર આ વિસ્તારમાં કાળમુખા શ્વાનોનો આતંક જોવા મળ્યો હતો. પ્રફુલભાઈ માવજીભાઈ બોરડના ખેતરમાં ખેતમજૂરી કરતા મગનભાઈ બારૈયાનો 7 વર્ષીય પુત્ર રોમિત (Romit) ખેતરમાં રમી રહ્યો હતો, ત્યારે 4 થી 5 શ્વાનોના ટોળાએ અચાનક તેના પર હુમલો કર્યો હતો. શ્વાનોએ બાળકને એટલી ખરાબ રીતે ફાડી ખાધો કે ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. એક જ મહિનામાં બે બાળકોના મોતથી ખેતમજૂરોમાં ડરનો માહોલ છે.
Amreli: ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ
સતત બની રહેલી આવી ઘટનાઓને લઈને ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતરોમાં મજૂરી કરતા પરિવારો હવે પોતાના બાળકોને ખેતરે લઈ જવામાં પણ ડરી રહ્યા છે. સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં હજુ સુધી આ હિંસક શ્વાનોને પકડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું હોય તેમ લાગી રહ્યું છે. જો વહેલી તકે આ શ્વાનોનો આતંક ડામવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. વડીયાની આ ઘટનાએ હવે પશુપાલન વિભાગ અને સ્થાનિક પંચાયતની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર: ઉનાળામાં પણ છલકાયા ડેમ, જુલાઈ સુધી ટેન્શન ખતમ!


