આવનાર પેઢી માટે પર્યાવરણની જાળવણી અત્યંત જરૂરી
અલંગના દરિયાકાંઠે શિપ બ્રેકિંગની કામગીરી દરમિયાન પર્લાઈટ પાવડર મોટી માત્રામાં દરિયામાં ભળી ગયો હતો, જેના કારણે દરિયાની સપાટી પર સફેદ ચાદર છવાઈ ગઈ હતી. આ ગંભીર બેદરકારી અને દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ પર્યાવરણને થતા નુકસાનને નજરે જોઈને સામાજિક આગેવાન સુખદેવસિંહ ગોહિલ દ્વારા સત્તાવાર રીતે GPCB સમક્ષ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.
તેમની આ જાગૃત રજૂઆત અને સચોટ પુરાવાઓને ધ્યાનમાં લઈને જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરી હતી અને કસૂરવાર પ્લોટ માલિક વિરુદ્ધ કડક દંડાત્મક પગલાં લીધા હતા.
દરિયામાં પર્લાઈટ પાવડર ભળવાથી છવાઈ હતી સફેદ ચાદર
આ કાર્યવાહી બાદ સામાજિક આગેવાન સુખદેવસિંહ ગોહિલે કડક પ્રતિક્રિયા આપતા સ્થાનિકો અને શિપ બ્રેકરોને ખાસ અપીલ કરી છે કે તેઓ થોડાક આર્થિક સ્વાર્થ માટે સ્થાનિક સ્તરે પર્યાવરણ વિરુદ્ધની ગતિવિધિઓ ન કરે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દરિયાઈ પર્યાવરણ અને કુદરતી સંસાધનોની જાળવણી માત્ર આપણી નહીં પરંતુ આપણી આવનાર પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ અત્યંત આવશ્યક છે.
GPCB દ્વારા લેવાયેલા આ કડક પગલાંને કારણે અલંગ પંથકમાં એ સંદેશ સ્પષ્ટ થઈ ગયો છે કે પર્યાવરણના ભોગ રૂપે ચાલતી કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ હવે ચલાવી લેવામાં આવશે નહીં. તંત્રની આ સક્રિય કામગીરીથી પર્યાવરણપ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને ભવિષ્યમાં આવા બનાવો અટકશે તેવી પૂરી આશા બંધાઈ છે.
આ પણ વાંચો : Junagadh ના ગિરનારની નવી સીડી નજીક મોડી રાત્રે 3 નર સિંહ દેખાયા, વન વિભાગ સાસણની ટ્રેકર ટીમે શરૂ કર્યું મોનિટરિંગ