કિંગહાઈમાં 40 મિનિટમાં 8 આંચકાનો વિનાશ
સ્થાનિક એજન્સીઓના અહેવાલ મુજબ, કિંગહાઈ પ્રાંતમાં સાંજે 6:40 વાગ્યે ભૂકંપનો પહેલો આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ તંત્ર અને સ્થાનિક લોકો સંભળાય તે પહેલાં જ માત્ર 40 મિનિટના ટૂંકા ગાળામાં એક પછી એક સતત 8 આંચકાઓ આવ્યા હતા. આ શ્રેણીમાં સૌથી શક્તિશાળી આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર કિંગહાઈની રાજધાની શિનિંગથી લગભગ 567 કિલોમીટર દૂર અને જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.
પ્રશાસન દ્વારા તાત્કાલિક ઈમરજન્સી એલર્ટ જાહેર
આ દુર્ઘટનામાં અત્યાર સુધી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ 1 વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે અને 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્રએ તરત જ નજીકની કોલસાની ખાણોમાંથી કામદારોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ચીની પ્રશાસન દ્વારા તાત્કાલિક ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 2 સ્પેશિયલ રેસ્ક્યુ વાહનો સાથે 10 સભ્યોની ટીમ સ્થળ પર રવાના કરવામાં આવી છે.
કિંગહાઈ પ્રાંત ભૌગોલિક રીતે અત્યંત સંવેદનશીલ
કિંગહાઈ પ્રાંત ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. આ વિસ્તાર તિબેટના પઠારની નજીક આવેલો હોવાથી અહીં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોના સતત ઘર્ષણને કારણે ભૂકંપ આવવા સામાન્ય ગણાય છે. તેમ છતાં, આટલા ટૂંકા ગાળામાં વારંવાર આવતા ભૂકંપના આંચકાઓએ ચીનમાં ભારે હડકંપ મચાવી દીધો છે.
જાપાનમાં પણ ધરતી ધ્રૂજી
ચીન સાથે જાપાનના ઇબારાકી પ્રાંતમાં પણ કુદરતી આફતની અસર જોવા મળી હતી. જાપાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે 7:46 વાગ્યે 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી 50 કિમી ઊંડાઈએ હતું. જોકે, અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: Surat: કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ દીપ નાયક સહિત ત્રણ સામે ગુનો દાખલ, જાણો સમગ્ર મામલો