Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Latest News: પાટડી-ખારાઘોડા રોડ પર પિકઅપ અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકનું મો

gujarat latest news  પાટડી ખારાઘોડા રોડ પર પિકઅપ અને બાઈક વચ્ચે અકસ્માત  બાઈક ચાલકનું મો
Advertisement

ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Advertisement

પિકઅપ અને બાઈક વચ્ચે અકસ્માત

June 2, 2026 11:40 pm

Advertisement

સુરેન્દ્રનગરના પાટડી-ખારાઘોડા રોડ પર પિકઅપ વાહન અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું છે. અકસ્માત બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

ભરૂચ: શ્રવણ ચોકડીથી ગેલ કોલોની રોડની ખસ્તાહાલતથી લોકો ત્રસ્ત

June 2, 2026 11:30 pm

ભરૂચના શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીના માર્ગની હાલત અત્યંત દયનીય બની છે. પાણીની લાઈન અને રોડની કામગીરી ખૂબ જ મંદગતિએ ચાલી રહી હોવાથી સ્થાનિકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. વરસાદ પડતાની સાથે જ રોડ પરની માટી ધોવાઈ જવાથી વાહનચાલકો લપસીને પટકાઈ રહ્યા છે. રોડની આ ગંભીર સ્થિતિને લઈને તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ વણસતા તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરી તેમને આડેહાથ લીધા હતા.

સુરેન્દ્રનગર: પાટડી-ખારાઘોડા રોડ પર અકસ્માત, બાઈક ચાલકનું મોત

June 2, 2026 11:27 pm

સુરેન્દ્રનગરના પાટડી-ખારાઘોડા રોડ પર પિકઅપ વાહન અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

ભાવનગરના મહુવાના કંટાસર ગામે દીપડાનો આતંક, 5 વર્ષની બાળકીને ઉઠાવી જઈ ફાડી ખાધી

June 2, 2026 10:52 pm

ભાવનગરના મહુવા તાલુકાના કંટાસર ગામે દીપડાએ માસૂમ બાળકીને પોતાનો શિકાર બનાવી છે. વાડીમાં રમી રહેલી 5 વર્ષની દિવ્યા ગોહિલને દીપડો ઉઠાવી જઈને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારજનો દ્વારા હાથ ધરવામાં આવેલી શોધખોળ દરમિયાન બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કરુણ ઘટનાથી ગ્રામજનોમાં ભય અને શોકની લાગણી ફેલાઈ છે, ત્યારે વન વિભાગે માનવભક્ષી દીપડાને પકડવા માટે કંટાસર ગામે પાંજરા ગોઠવી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

ભરૂચ: ડ્રગ્સ તસ્કર સલીમ ડોલાના મની લોન્ડરિંગ કેસમાં EDના દરોડા

June 2, 2026 10:33 pm

ડ્રગ્સ તસ્કર સલીમ ડોલા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. PMLA હેઠળ નોંધાયેલા આ કેસમાં EDએ ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેમાં અંકલેશ્વરની વંદના કેમિકલ કંપની સહિત સુરત અને રાજકોટના અનેક ઠેકાણાઓ તપાસ હેઠળ છે. દરોડા દરમિયાન શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને સંપત્તિની તપાસ કરવામાં આવી રહી છે, સાથે જ મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા કબજે કરવામાં આવ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદ: રામોલ-હાથીજણમાં રોડ બેસી જવાની ઘટનામાં અદાણી ગેસને દંડ

June 2, 2026 10:10 pm

અમદાવાદના રામોલ-હાથીજણ વિસ્તારમાં રોડ બેસી જવાથી સર્જાયેલા મોટા ભુવા મામલે AMCએ અદાણી ગેસ પર મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં મંજૂરી વગર ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી અને તેમાં અદાણી ગેસની બેદરકારી સામે આવી છે. આ કામગીરી દરમિયાન પાણી અને ડ્રેનેજ લાઈનોને નુકસાન થતાં રોડમાં પોલાણ સર્જાયું હતું. આ ગંભીર બેદરકારી બદલ AMCએ અદાણી ગેસ પર ₹2.50 લાખનો દંડ અને મ્યુનિસિપલ મિલકતને નુકસાન બદલ ₹3 લાખ એમ કુલ ₹5.50 લાખનો વહીવટી ચાર્જ ફટકાર્યો છે. સાથે જ તંત્રએ કંપનીને ૩ દિવસમાં ખુલાસો કરવા અને તાત્કાલિક રીપેરિંગ કામગીરી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.

ધોલેરા એરપોર્ટ ખાતે મોટી દુર્ઘટના, વીજ કરંટ લાગતા ૨ કામદારોના મોત

June 2, 2026 9:48 pm

ધોલેરા એરપોર્ટ ખાતે કેબલ નાખવાની કામગીરી દરમિયાન લોખંડની ઘોડી હાઈ વોલ્ટેજ વીજ લાઇનને અડી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં હેબતપુર ગામના સુનિલ મકવાણા અને દિનેશ મેમરીયા નામના બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ કામદારોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

શહેર યુથ કોંગ્રેસ સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂક

June 2, 2026 9:31 pm

અમદાવાદ શહેર યુથ કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. સંગઠનમાં નવા ઉત્સાહ સાથે કામગીરી આગળ વધારવા માટે વિવિધ સ્તરે મહત્વની નિમણૂકો જાહેર કરવામાં આવી છે. જેમાં વિજય મહેરિયાની સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ અવધેશ દુબે, યુવરાજસિંગ ચંદેલ, બખ્તાર રાજપૂત અને નંદલાલ ઠાકોરને મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. શહેર યુથ કોંગ્રેસમાં મંત્રી પદ માટે પણ સક્રિય યુવા કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં સન્ની શર્મા, મનોજ ચૌહાણ, સાહિલ ગોહિલ, બ્રિજેશ મકવાણા અને સુરજ તોમરની મંત્રી તરીકે નિમણૂક કરાઈ છે. સંગઠનના આ નવા માળખા દ્વારા આગામી સમયમાં વિવિધ રાજકીય અને સામાજિક કાર્યક્રમોને વેગ આપવાની રણનીતિ ઘડવામાં આવશે. નિમણૂક પામેલા તમામ યુવા નેતાઓને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. સંગઠનાત્મક ફેરફારો બાદ અમદાવાદ શહેર યુથ કોંગ્રેસની કામગીરીમાં વધુ સક્રિયતા જોવા મળશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

પૂર્વ કચ્છ પોલીસનું માનવતાભર્યું રેસ્ક્યુ

June 2, 2026 8:48 pm

કચ્છના વછરાજ ધામ નજીક આવેલા નાના રણ વિસ્તારમાં મોડી રાત્રે વાવાઝોડા અને ભારે વરસાદને પગલે ૧૭ શ્રદ્ધાળુઓ તેમના ટ્રેક્ટર સાથે ફસાઈ ગયા હતા. વરસાદને કારણે ટ્રેક્ટર કાદવમાં ખૂંપી જતાં શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે તાત્કાલિક અસરથી બચાવ કામગીરીના આદેશ આપ્યા હતા. આદેશ મળતાની સાથે જ આડેસર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.બી. આચાર્ય અને તેમનો સ્ટાફ ભારે જોખમ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રાત્રિના અંધકાર અને તોફાની વાતાવરણમાં પોલીસે અત્યંત સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ ૧૭ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા બાદ પોલીસ દ્વારા તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આટલું જ નહીં, પોલીસે તમામને સહી-સલામત રીતે તેમના ઘરે પહોંચાડવાની પણ સગવડ કરી આપી હતી. સમયસૂચકતા અને માનવતાભર્યા અભિગમ સાથે કામ કરનાર પોલીસની કામગીરીને લઈને શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોએ ભારે પ્રશંસા કરી હતી. પોલીસે મુશ્કેલીના સમયે ખડેપગે રહીને સાચી લોકરક્ષકની ભૂમિકા અદા કરી હતી.

રાજકોટ: પ્રિ-મોન્સૂન કામગીરીનો અભાવ

June 2, 2026 8:18 pm

રાજકોટમાં એક તરફ ચોમાસાનું આગમન નજીક છે, ત્યારે બીજી તરફ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અત્યંત ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. શહેરના વ્યસ્ત ગણાતા મોટી ટાંકી ચોક નજીક મનપા દ્વારા કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડા છેલ્લા 15 દિવસથી ખુલ્લા પડ્યા છે. અત્યાર સુધી આ ખાડાઓને બુરવામાં ન આવતા વાહનચાલકો અને રાહદારીઓ માટે તે આફત સમાન બન્યા છે. જો વરસાદ શરૂ થશે તો આ ખાડાઓ પાણીથી ભરાઈ જશે અને કોઈ મોટો અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા છે, જેમાં લોકોના જીવ જોખમાઈ શકે છે. આ ઉપરાંત, શહેરમાં વીજતાર સાથે અડેલા વૃક્ષોના કટિંગની કામગીરી પણ હજુ સુધી હાથ ધરવામાં આવી નથી. ચોમાસા દરમિયાન વાવાઝોડા કે ભારે પવન ફૂંકાય તો આ વૃક્ષો વીજતાર પર પડવાથી વીજ પુરવઠો ખોરવાઈ શકે છે. સ્થાનિકોમાં તંત્રની આ બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસુ માથે હોવા છતાં મનપા તંત્ર દ્વારા આવી જોખમી કામગીરીમાં વિલંબ શા માટે કરવામાં આવી રહ્યો છે, તે મોટો સવાલ છે. અકસ્માત ટાળવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ખાડા પૂરવા અને જોખમી વૃક્ષોનું કટિંગ કરવું અનિવાર્ય બન્યું છે.

રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે જનસંપર્ક કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી

June 2, 2026 8:08 pm

રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે જનસંપર્ક કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલી રહેલી વિવિધ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ અવસરે તેમણે જણાવ્યું હતું કે, જનસંપર્ક કેન્દ્ર નાગરિકોની ફરિયાદો, અરજીઓ અને પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટેનું એક અત્યંત મહત્વનું માધ્યમ બની રહ્યું છે. પોલીસ વડાએ વધુમાં ભારપૂર્વક કહ્યું હતું કે, આ કેન્દ્ર 'સુરક્ષા, સેવા અને વિશ્વાસ'ની ભાવનાને ઉજાગર કરવામાં અત્યંત સક્ષમ માધ્યમ સાબિત થયું છે. મુલાકાત દરમિયાન તેમણે કેન્દ્રમાં આવતી અરજીઓના નિકાલની પ્રક્રિયા અંગે કર્મચારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નાગરિકોને પોલીસ તંત્ર સાથે સીધા જોડીને તેમની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. રાજ્યમાં પારદર્શક અને સંવેદનશીલ પોલીસિંગ માટે આ પ્રકારના કેન્દ્રોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. પોલીસ વડાની આ મુલાકાતથી જનસંપર્ક કેન્દ્રની કાર્યક્ષમતામાં વધુ સુધારો આવશે તેવી આશા સેવાઈ રહી છે. જનસંપર્ક કેન્દ્રના માધ્યમથી પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. નાગરિકોની સુવિધા માટે આ કેન્દ્ર અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

ડાંગ: વાવાઝોડા સાથે વરસાદનું તાંડવ, ખેર્યા પ્રાથમિક શાળાને લાખોનું નુકસાન

June 2, 2026 7:39 pm

ડાંગ જિલ્લામાં વહેલી સવારે વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદે ભારે તબાહી સર્જી છે. આ વાવાઝોડાની અસરને પગલે આહવા, વઘઈ, સુબીર અને સાપુતારા સહિતના સરહદીય વિસ્તારોમાં મોટાપાયે નુકસાન નોંધાયું છે. વાવાઝોડાના પ્રચંડ પવનને કારણે ખેર્યા ગામની પ્રાથમિક શાળાને ગંભીર અસર પહોંચી છે. શાળાના ઓરડાઓ પર લગાવવામાં આવેલા પતરાના શેડ પવનના સુસવાટામાં ઉડીને દૂર જઈને પડ્યા હતા. આ ઘટનામાં શાળાના શેડ ઉપરાંત આસપાસના અન્ય મકાનોને પણ વ્યાપક નુકસાન થયું છે. સ્થાનિક સરપંચના જણાવ્યા અનુસાર, કુદરતી આફતને લીધે અંદાજે 8 થી 9 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા નુકસાનીના આંકડા અને સ્થિતિનો તાગ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શિક્ષણ કાર્ય ખોરવાઈ જવાની ભીતિ વચ્ચે શાળાની મરામત તાત્કાલિક કરવા માંગ ઉઠી છે. સરહદીય વિસ્તારોમાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની સાથે વીજળીના થાંભલા પણ નમી પડ્યા છે.

ભુજ: ચોમાસું નજીક છતાં પ્રિ-મોન્સૂન કામગીરી ઠપ્પ, નાગરિકોમાં ભારે રોષ

June 2, 2026 7:26 pm

ભુજ શહેરમાં ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં, હજુ સુધી પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ ન થતા શહેરીજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ગટર સફાઈ અને ડ્રેનેજની મહત્વપૂર્ણ કામગીરી હજુ અધૂરી હોવાથી અનેક વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસ્થા નબળી હોવાનું સામે આવ્યું છે. શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ પર પડેલા ખાડાઓ હજુ પણ યથાવત રહેતા અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. વરસાદી ચેનલો અને નાળાઓની સફાઈમાં થયેલા વિલંબને કારણે સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની જૂની સમસ્યાનું પુનરાવર્તન ન થાય તે માટે લોકોએ અગાઉથી તૈયારીઓ કરવાની માંગ ઉઠાવી છે. તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ આયોજન થતું હોવાની ચર્ચા વચ્ચે, લોકોને ફરી મુશ્કેલી વેઠવી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. નગરપાલિકા દ્વારા જો તાત્કાલિક ધોરણે મરામત અને સફાઈના કામો હાથ ધરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. શહેરની સુરક્ષા અને સુવિધાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

કચ્છ: દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા સઘન, મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ડ્રાઈવ

June 2, 2026 7:25 pm

ગુજરાતના દરિયાઈ સુરક્ષા કવચને મજબૂત કરવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. એડીજીપી અમિત વિશ્વકર્મા અને ડીઆઈજીપી એ.એમ. મુનિયાના માર્ગદર્શન હેઠળ રાજ્યના તટીય વિસ્તારો એલર્ટ મોડ પર છે. કચ્છના જખૌ સેક્ટર ખાતે DySP આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ સરહદે સઘન ચેકિંગ શરૂ કરાયું છે. સિંધોડી બીચ, સૈયદ સુલેમાન, ભારત સોલ્ટ અને શિયાળબારી વિસ્તારમાં મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ વધારી દેવાયું છે. દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સ અને કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા મરીન પોલીસ દ્વારા સ્થાનિક માછીમારો સાથે ખાસ સંવાદ કરાયો છે. માછીમારોને કોઈ પણ શંકાસ્પદ બોટ કે વ્યક્તિની હિલચાલ જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે. યુદ્ધને કારણે દરિયામાં તૂટી પડેલા જહાજો કે મિસાઈલના અવશેષો તણાઈને કિનારે આવવાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ છે. તોફાની દરિયાને કારણે કિનારા પર બિનવારસુ ડ્રગ્સના પેકેટો મળી આવવાની આશંકા વચ્ચે લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્થાનિક રહીશોને સતર્ક રહી વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરાઈ છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સુરક્ષા એજન્સીઓ ખડેપગે રહી ચોકી કરી રહી છે.

CBSE પેપર ચેકિંગમાં ગરબડ પકડાતા હડકંપ: ચેરમેન અને સેક્રેટરીની બદલી

June 2, 2026 6:54 pm

CBSE Board Exam Reforms: CBSE ની ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) પ્રણાલીમાં ગેરરીતિઓ અને ટેન્ડર વિવાદ બાદ સરકારે મોટી કાર્યવાહી કરી છે. બોર્ડના ચેરમેન રાહુલ સિંહ અને સેક્રેટરી હિમાંશુ ગુપ્તાની બદલી કરવામાં આવી છે. સંસદીય સમિતિ સમક્ષ પ્રભાવિત વિદ્યાર્થી સાર્થક સિદ્ધાંતના પ્રેઝન્ટેશન બાદ આ પગલું લેવાયું છે. કેબિનેટ સચિવાલયે એસ. રાધા ચૌહાણના નેતૃત્વમાં એક તપાસ કમિટી બનાવી છે, જે એક મહિનામાં રિપોર્ટ સોંપશે. શિક્ષણ મંત્રાલયે વિવાદિત ‘COEMPT’ કંપનીના ટેન્ડરની તપાસના પણ આદેશ આપ્યા છે.

JEE એડવાન્સ 2026નું પરિણામ જાહેર: દેશભરમાંથી 56,880 વિદ્યાર્થીઓ લાયક, અમદાવાદના 5 તેજસ્વીઓનું ઝળહળતું પ્રદર્શન

June 2, 2026 6:46 pm

IIT રૂરકી દ્વારા JEE એડવાન્સ 2026નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી 56,880 વિદ્યાર્થીઓ IIT પ્રવેશ માટે લાયક ઠર્યા છે. IIT દિલ્હી ઝોનના શુભમ કુમારે AIR 1 સાથે દેશમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, જ્યારે આરોહી દેશપાંડે મહિલાઓમાં ટોપ રહી છે. અમદાવાદના 5 વિદ્યાર્થીઓએ પણ બાજી મારી છે, જેમાં સાનવી પાટીદાર (AIR 158), સોહમ શ્રીવાસ્તવ (AIR 277), ધ્વનિત પટેલ (AIR 472), રાહીલ સાબુગોલા (AIR 739) અને ધ્યેય પટેલે (AIR 869) સિદ્ધિ મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે.

પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા PSI સોનલ રાઠોડનો વીડિયો વાયરલ, ભૂલ સ્વીકારી સમાધાન માટે પહોંચ્યાં

June 2, 2026 6:40 pm

પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે અભદ્ર વર્તન કરી માર મારનાર મહિલા PSI સોનલ રાઠોડનો વીડિયો સામે આવતા ખળભળાટ મચ્યો છે. વિવાદ વધતા PSI સોનલ રાઠોડે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. ઘટના બાદ તેઓ સમાધાનના પ્રયાસરૂપે પીડિત વ્યક્તિ પાસે પહોંચ્યા હતા. આ ઘટનાએ પોલીસની વર્તણૂક સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

CBSE ચેરમેન અને સચિવ સામે કાર્યવાહી કરી

June 2, 2026 6:33 pm

CBSE OSM કેસમાં સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે CBSE ચેરમેન અને સચિવની બદલી કરી નાખી છે.

જામનગર: ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પનો બે દિવસીય વનતારા પ્રવાસ સંપન્ન, સ્વદેશ રવાના

June 2, 2026 6:23 pm

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બુલોસે જામનગર સ્થિત 'વનતારા'ની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી છે. સખત સુરક્ષા વ્યવસ્થા અને મોટા કાફલા સાથે ટિફની જામનગર એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ પરત સ્વદેશ રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી પુત્રી ઇવાન્કા ટ્રમ્પ પણ જામનગરની મુલાકાત લઈ ચૂક્યા છે.

ડાંગમાં ભારે વાવાઝોડાનો તાંડવ: પ્રાથમિક શાળાના શેડ ઉડ્યા, લાખોનું નુકસાન

June 2, 2026 6:22 pm

ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારે આવેલા ભારે વાવાઝોડાએ તારાજી સર્જી છે. આહવા, વઘઈ, સુબીર અને સાપુતારા સહિતના સરહદીય વિસ્તારોમાં વાવાઝોડાને કારણે વ્યાપક નુકસાન થયું છે. ખેર્યા ગામની પ્રાથમિક શાળા પર આફત ત્રાટકી હતી, જેમાં શાળાના ઓરડાઓ પરના પતરાના શેડ ઉડીને દૂર ફંગોળાયા હતા. આ શેડ ઉડીને નજીકના મકાનો પર પડતા તેમને પણ મોટું નુકસાન થયું છે. સરપંચના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં અંદાજે ૮ થી ૯ લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થવા પામ્યું છે.

બનાસકાંઠાના ઇન્દ્રમાણામાં વાવાઝોડાનો કહેર: 500 થી વધુ પોપટના મોત, પક્ષીપ્રેમીઓમાં શોક

June 2, 2026 5:29 pm

બનાસકાંઠાના ઇન્દ્રમાણામાં આવેલા વિનાશક વાવાઝોડા અને ભારે વરસાદને કારણે મોટી હોનારત સર્જાઈ છે. મળતી જાણકારી અનુસાર આ કુદરતી આફતમાં 500 થી વધુ પોપટના મોત થતા જીવદયા પ્રેમીઓમાં ગમગીની છવાઈ ગઈ છે. આશરે 80 પક્ષીઓ ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. જીવદયા ટીમે મૃત પક્ષીઓને સન્માનપૂર્વક સમાધિ આપી હતી. ગ્રામજનોએ જીવદયા ટીમની આ માનવીય કામગીરીને બિરદાવી તેમને મદદરૂપ થવા પ્રયાસો કર્યા છે.

બનાસકાંઠાના ઇન્દ્રમાણામાં વાવાઝોડાનો કહેર: 500 થી વધુ પોપટના મોત, પક્ષીપ્રેમીઓમાં શોક

June 2, 2026 5:29 pm

બનાસકાંઠાના ઇન્દ્રમાણામાં આવેલા વિનાશક વાવાઝોડા અને ભારે વરસાદને કારણે મોટી હોનારત સર્જાઈ છે. મળતી જાણકારી અનુસાર આ કુદરતી આફતમાં 500 થી વધુ પોપટના મોત થતા જીવદયા પ્રેમીઓમાં ગમગીની છવાઈ ગઈ છે. આશરે 80 પક્ષીઓ ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. જીવદયા ટીમે મૃત પક્ષીઓને સન્માનપૂર્વક સમાધિ આપી હતી. ગ્રામજનોએ જીવદયા ટીમની આ માનવીય કામગીરીને બિરદાવી તેમને મદદરૂપ થવા પ્રયાસો કર્યા છે.

ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર: ગોધરામાં આનંદનગર-સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડાયવર્ઝનનું સમારકામ શરૂ

June 2, 2026 5:28 pm

ગોધરામાં વરસાદને કારણે ધોવાઈ ગયેલું આનંદનગરથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને જોડતું ડાયવર્ઝન માર્ગ બંધ થતા રહીશોને 4 કિમી લાંબો ફેરો ફરવાની ફરજ પડી હતી. આ ગંભીર સમસ્યા અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલની તાત્કાલિક અસર જોવા મળી હતી અને તંત્ર સફાળું જાગીને યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ શરૂ કરી દીધું છે.

સુરતના બારડોલી પાસે બે બસો વચ્ચે ભીષણ અકસ્માત: ૫ના મોત, આગ લાગતા અફડાતફડી

June 2, 2026 5:13 pm

સુરતના બારડોલી નજીક મહારાષ્ટ્ર પાસિંગની બે બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ૫ મુસાફરોના કરૂણ મોત થયા છે. એક બસ પલટી ખાતા તેમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ અને બારડોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ સતત પ્રયાસો કરી લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

સુરતના બારડોલી પાસે અકસ્માતમાં પાંચના મોત

June 2, 2026 5:10 pm

સુરતના બારડોલી પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસોના અકસ્માતમાં પાંચ લોકોના મોત થઈ ગયા છે.

માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન પર દિગ્ગજ નેતાઓની શ્રદ્ધાંજલિ

June 2, 2026 4:50 pm

યોગેશભાઈ પટેલના નિધનથી રાજકીય જગત શોકમગ્ન છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમને અભ્યાસુ રાજનેતા ગણાવી વડોદરા માટે મોટી ખોટ ગણાવી હતી. વર્ષાબેને કહ્યું કે, તેમના ગયા બાદ શિવજીની પ્રતિમા જોતા જ કાકા યાદ આવશે. જયપ્રકાશે તેમને લોકોના પ્રશ્નો માટે લડતા ધારાસભ્ય ગણાવ્યા હતા. તમામ આગેવાનોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી એક સિનિયર અને મક્કમ નેતાની વિદાય પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું.

અમે લાંબા સમય સુધી સાથે કામ કર્યુ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન પર અમિતભાઈ ઠાકરે દુઃખ વ્યક્ત કર્યું

June 2, 2026 4:45 pm

વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે યોગેશભાઈ પટેલના નિધનને અત્યંત આઘાતજનક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, યોગેશકાકા સમાજના સમર્પિત સેવક અને હાર્ડકોર રાજનીતિજ્ઞ હતા, જેઓ હંમેશા લોકોના મુદ્દાઓ માટે મક્કમતાથી લડી લેતા. મોટા શિવભક્ત એવા યોગેશકાકા સાથે લાંબા સમય સુધી કામ કરવાનો અવસર મળ્યો હતો. તેમના નિધનથી રાજકીય ક્ષેત્રે મોટી શૂન્યતા સર્જાઈ છે, જે હંમેશા અનુભવાશે.

વડોદરાના દિગ્ગજ નેતા યોગેશભાઈ પટેલના નિધનથી રાજકીય જગતમાં શોક: ધારાસભ્ય કેતનભાઈ ઇનમદારે આપી શ્રદ્ધાંજલિ

June 2, 2026 4:31 pm

ધારાસભ્ય કેતનભાઈ ઇનમદારે યોગેશભાઈ પટેલને સાચા બોલા અને કર્તવ્યનિષ્ઠ નેતા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, વડોદરામાં શિવજીની સવારી શરૂ કરાવીને તેમણે નવી પરંપરા સ્થાપી હતી. ઉંમરના બંધન છતાં ભાજપે તેમને ટિકિટ આપી હતી, જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે. સાવલીના ગુરુના વચન મુજબ તેઓ અંત સુધી ધારાસભ્ય રહ્યા. તેમના નિધનથી ગુજરાતને મોટી ખોટ પડી છે.

માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું નિધન થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દુઃખ વ્યક્ત કર્યુ

June 2, 2026 4:06 pm

માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધનના સમાચાર જાણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, યોગેશભાઈ હંમેશા રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યોમાં કર્તવ્યરત રહ્યા હતા. તેમણે પોતાના સેવાભાવી સ્વભાવથી સામાન્ય જનના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

જૂનાગઢ: કેશોદના બડોદર ગામે રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી ગ્રામજનોનું આંદોલન, તંત્રની ખાતરી બાદ સ્થગિત

June 2, 2026 3:57 pm

જૂનાગઢના કેશોદના બડોદર ગામે સ્થાનિક સરપંચો અને ગ્રામજનો દ્વારા રેલવે સામે આંદોલન છેડવામાં આવ્યું હતું. સ્ટેશન પર પ્લેટફોર્મ ઉંચું કરવા, ટિકિટ વિન્ડો શરૂ કરવા અને લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવા જેવી ત્રણ મુખ્ય માંગણીઓ સાથે ટ્રેન રોકવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલા રેલવે પોલીસ અને અધિકારીઓએ આગામી 15 દિવસમાં યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપતા ગ્રામજનોએ હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખ્યું છે.

વડોદરા: ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન પર પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ વ્યક્ત કર્યો શોક

June 2, 2026 3:56 pm

વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધનના સમાચારને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું અવસાન અત્યંત દુઃખદ છે. તેમના દ્વારા જનસેવા અને સંગઠન માટે આપવામાં આવેલું યોગદાન હંમેશા યાદ રહેશે. ભાજપના આ સિનિયર નેતાના નિધનથી પક્ષ અને વડોદરાના રાજકીય ક્ષેત્રે મોટી ખોટ વર્તાઈ છે.

સુરત: સરથાણામાં હૃદયદ્રાવક ઘટના, 29 વર્ષીય માતાએ પુત્રને એસિડ પીવડાવી આપઘાત કર્યો

June 2, 2026 3:46 pm

સુરતના સરથાણા વિસ્તારમાંથી એક અત્યંત કરુણ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક માતાએ પોતાના ચાર વર્ષના પુત્ર રીશાન કોટડીયાને એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ એસિડ પીને જીવન ટૂંકાવ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ આત્યંતિક પગલું કયા કારણોસર ભર્યું તે હાલ રહસ્ય છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

ગાંધીનગર: રાજ્યના 6 IAS અધિકારીઓની બદલી સાથે વધારાનો ચાર્જ સોંપાયો

June 2, 2026 3:42 pm

ગાંધીનગર ખાતે વહીવટી તંત્રમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં 6 IAS અધિકારીઓને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. સંજય મોદીને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (આદિજાતિ વિકાસ કોર્પોરેશન), યોગેશ નિરગુડેને ગાંધીનગર DDO, રચિત રાજને MD (બિન અનામત અને આર્થિક પછાત નિગમ) અને પ્રશસ્તિ પરીકને એડિશનલ રૂરલ ડેવલોપમેન્ટ કમિશનરનો ચાર્જ અપાયો છે. આ ઉપરાંત, એસ. ડી. તબિયારને ડાંગ DDO અને એચ. પી. જોશીને દ્વારકા DDO તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

રાજકોટ: ચોમાસાની તૈયારીઓ વચ્ચે કલેક્ટર કચેરીમાં ફ્લડ કંટ્રોલરૂમ કાર્યરત, હેલ્પલાઇન નંબર જાહેર

June 2, 2026 3:41 pm

રાજકોટમાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને કુદરતી આફતોને પહોંચી વળવા માટે કલેક્ટર કચેરીમાં ફ્લડ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમ 30 નવેમ્બર સુધી 24 કલાક કાર્યરત રહેશે. નાગરિકો કોઈપણ ફરિયાદ માટે 0281-2471573 નંબર પર સંપર્ક કરી શકશે. ત્રણ શિફ્ટમાં તૈનાત કર્મચારીઓ દર બે કલાકે વરસાદના આંકડા સીધા ગાંધીનગર મોકલશે, તેમજ કોઈપણ વિકટ પરિસ્થિતિ માટે NDRFની ટીમોને પણ સજ્જ રાખવામાં આવી છે.

વડોદરા: માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું નિધન, રાજકીય જગતમાં શોકનું મોજું

June 2, 2026 3:29 pm

વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકના સિનિયર ધારાસભ્યભાઈ યોગેશ પટેલનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના અવસાનથી ભાજપમાં તેમજ વડોદરાના રાજકીય વર્તુળોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. એક અનુભવી નેતા તરીકે તેમની ખોટ સમગ્ર વિસ્તારને સાલશે.

બોટાદ: સાળંગપુર રોડ પર મોતની સવારીનો વીડિયો વાયરલ, તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો

June 2, 2026 3:23 pm

બોટાદના સાળંગપુર રોડ પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં તુફાન ગાડીની છત પર બાઈક અને તેના પર બેસેલા લોકો જોવા મળે છે. જીવના જોખમે કરાતી આ મુસાફરીએ ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવ્યા છે. જિલ્લો CCTVથી સજ્જ હોવા છતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અગાઉ થયેલા અકસ્માતો છતાં પોલીસ અને RTO તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે. જવાબદાર ચાલકો સામે કડક કાર્યવાહી ક્યારે થશે?

સુરત ટેક્સટાઈલ માર્કેટમાં ગંભીર મંદી: રોજ 5 દુકાનો બંધ, વેપારીઓમાં ચિંતાનું મોજું

June 2, 2026 3:20 pm

વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને ટેરિફ વોરની અસર સુરતના કાપડ ઉદ્યોગ પર ઘેરી પડી છે. માર્કેટમાં માંડ 40% વેપાર થતા દરરોજ 5 દુકાનો બંધ થઈ રહી છે. કાપડ ભરેલી ટ્રકોની અવરજવર 350 થી ઘટીને માત્ર 75 થઈ છે. પેમેન્ટની મુશ્કેલી અને છેતરપિંડી ટાળવા એસોસિયેશને માત્ર ગણ્યાગાંઠ્યા વેપારીઓ સાથે જ કામ કરવા અપીલ કરી છે. સ્થિતિ નહીં સુધરે તો આગામી સમય વધુ વિકટ બની શકે છે.

અમદાવાદના મહાલક્ષ્મીમાં જર્જરિત ફ્લેટની ગેલેરી તૂટી: રહેવાસીઓમાં ફફડાટ

June 2, 2026 3:19 pm

અમદાવાદના મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા 55 વર્ષ જૂના વર્ધમાન ફ્લેટમાં અચાનક ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. જર્જરિત હાલતને કારણે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. નોંધનીય છે કે, અગાઉ સીડી તૂટી પડવાની ઘટના બાદ AMC દ્વારા 2 ઓગસ્ટ 2024ના રોજ આ મકાનને ભયજનક જાહેર કરી નોટિસ અપાઈ હતી. હવે સ્થાનિકોએ તાત્કાલિક સલામતીના પગલાં ભરવાની માંગ કરી છે, જ્યારે AMC અધિકારીઓ સ્થિતિનું નિરીક્ષણ કરશે.

ડાકોરના ગોમતી તળાવમાં અંધશ્રદ્ધાનો ખેલ: ધર્મની આડમાં વિધિ-વિધાન કરતા લોકોનો વીડિયો વાયરલ

June 2, 2026 2:48 pm

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના પવિત્ર ગોમતી ઘાટ પર કેટલાક લોકો દ્વારા ધૂણીને અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા આ તળાવમાં ધર્મના નામે ચાલતા આ પ્રકારના ધંધા સામે રોષ જોવા મળી રહ્યો છે. ભક્તોમાં સ્નાનનું વિશેષ મહત્વ છે, ત્યારે આ પવિત્ર સ્થળે અંધશ્રદ્ધા ફેલાવનાર સામે કાર્યવાહીની માગ ઉઠી છે.

ગુજરાતમાં 5 દિવસ ઓરેન્જ એલર્ટ: ચોમાસાના આગમન સાથે તેજ પવન ફૂંકાશે

June 2, 2026 2:46 pm

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલની આગાહી કરી છે, જેના ભાગરૂપે આજે અને આવતીકાલે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. રાજ્યમાં 50 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 3 જૂનથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે. બીજી તરફ, કેરળમાં 4 જૂન આસપાસ ચોમાસું પહોંચી શકે છે. ગુરુવાર બાદ પવનની ગતિ ઘટતા તાપમાન સામાન્ય થશે.

 રાજકોટ મહાનગરપાલિકામાં મોટો નિર્ણય: 100 કરોડથી વધુના વિકાસ કામો પર લાગી બ્રેક

June 2, 2026 2:45 pm

 રાજકોટ મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ દ્વારા મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અગાઉની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલા 100 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામો હાલ પૂરતા સ્થગિત કરી દેવામાં આવ્યા છે. આ અંગે મેયર નેહલ શુક્લાએ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની કરકસરની અપીલને ધ્યાનમાં રાખીને આ કામગીરી અટકાવવામાં આવી છે.

Gujarat Weather News : અંબાલાલ પટેલે ચોમાસા અને આગામી વરસાદને લઇને શું કરી આગાહી?

June 2, 2026 2:02 pm

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. ખાસ કરીને 7 અને 8 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધુ સક્રિય બની શકે છે, જ્યારે 15થી 20 જૂન દરમિયાન પણ વાતાવરણ અનુકૂળ રહેતાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 72 કલાકમાં કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થઈ શકે છે અને ત્યારબાદ ચોમાસું ધીમે ધીમે પશ્ચિમ ભારત તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં પણ વરસાદી માહોલ મજબૂત બનશે.

Ahmedabad : રામોલ-હાથીજણમાં પહેલા જ વરસાદે રોડની ગુણવત્તા પર ઉઠાવ્યા સવાલ, રસ્તો તૂટી પડ્યો

June 2, 2026 1:42 pm

અમદાવાદના રામોલ-હાથીજણ (Ramol-Hathijan) વોર્ડમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ પડેલા વરસાદે રોડની કામગીરીની પોલ ખોલી દીધી છે. જાનીયાપીરના ટેકરા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ માર્ગ વરસાદના પ્રથમ ઝાપટાં પણ સહન કરી શક્યો નહીં અને અનેક જગ્યાએ તૂટી પડ્યો હતો. રસ્તાની હાલત ખરાબ બનતાં સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર (Corruption) થયો હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. સ્થાનિકોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ સાથે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. પહેલા જ વરસાદમાં માર્ગ બિસ્માર બનતાં વિકાસકાર્યોની ગુણવત્તા અને દેખરેખ અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે.

Surat Rain News : વરસાદી પાણીમાં ધોવાયો ડાંગરનો પાક, ખેડૂતોને ભારે આર્થિક ફટકો

June 2, 2026 1:01 pm

સુરત જિલ્લામાં પડેલા અચાનક વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ભેજવાળું ડાંગર સૂકવવા માટે કેટલાક ખેડૂતો દ્વારા હાઈવેની બાજુમાં ડાંગર પાથરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક વરસેલા વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું હતું. હાઈવે પર સૂકવવા મુકાયેલો ડાંગર વરસાદી પાણીમાં પલળી જતાં પાકની ગુણવત્તા પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ભેજ દૂર કરવા માટે અન્ય કોઈ યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી તેમણે હાઈવેનો સહારો લીધો હતો. જોકે કમોસમી વરસાદના કારણે હવે તેમને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેના કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

Patan Rain News : રાધનપુરમાં પ્રથમ વરસાદે જ દેખાડ્યું રૌદ્ર સ્વરૂપ, 15થી વધુ ઘરોના પતરા ઉડ્યા

June 2, 2026 12:50 pm

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામમાં સીઝનના પ્રથમ જ વરસાદે ભારે તારાજી સર્જી હતી. મોડી સાંજે ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ગામમાં અનેક સ્થળોએ નુકસાન થયું હતું. તોફાની પવનના ઝાપટાથી 15થી વધુ ઘરોના પતરા હવામાં ઊડી જતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઉપરાંત, અનેક લીમડાના વૃક્ષો પણ ધરાશાયી થતાં કેટલાક માર્ગો પર અવરજવર પ્રભાવિત થઈ હતી. અચાનક આવેલા તોફાની વાતાવરણને કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ વરસાદે જ ગામમાં નુકસાનની સ્થિતિ ઊભી કરતાં અસરગ્રસ્ત પરિવારોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

Diyodar Rain News : દિયોદરના લીલાધર ગામે વીજળી પડતાં ચારાના પૂળામાં આગ, ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન

June 2, 2026 12:11 pm

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લીલાધર ગામમાં મોડી રાત્રે આવેલા વાવાઝોડા અને વીજળીના કડાકા દરમિયાન એક ખેતરમાં રાખવામાં આવેલા ચારાના પૂળામાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ખેડૂત ભારમલભાઈ સોલંકીના ખેતરમાં વીજળી પડતાં અંદાજે 2500થી 3000 પૂળાના જથ્થાએ આગ પકડી લીધી હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં થરાદ અને ભાભર ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે આગના કારણે મોટા પ્રમાણમાં ચારો બળી જતાં ખેડૂતને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

Banaskantha News : બનાસકાંઠામાં તોફાની પવન અને વરસાદનો કહેર, 2 લોકોના મોત

June 2, 2026 12:04 pm

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને વરસાદે તબાહી મચાવી હતી, જેમાં અલગ-અલગ સ્થળોએ બનેલી દુર્ઘટનાઓમાં એક મહિલા અને એક પુરુષનું કરુણ મોત થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, વાવ તાલુકાના માડકા ગામમાં 42 વર્ષીય ભગવાનભાઈ પટેલ ભારે પવનના કારણે ઊડી ગયેલા પતરાના શેડ નીચે દબાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી તરફ ભાભર તાલુકાના તનવાડ ગામમાં 60 વર્ષીય કાશુબેન વાઘેલાનું પણ જીવલેણ અકસ્માતમાં મોત થયું હતું. ભારે પવનના ઝાપટાથી એક લીમડાનું વૃક્ષ ધરાશાયી થતાં તે તેની નીચે દબાઈ ગયા હતા. જિલ્લામાં કમોસમી વરસાદ અને તોફાની પવનના કારણે સર્જાયેલી આ દુર્ઘટનાઓએ શોકનો માહોલ સર્જ્યો છે.

Deesa Rain News : ડીસા માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદનો માર, ખુલ્લામાં પડેલો અનાજ પલળતાં ખેડૂતો-વેપારીઓને નુકસાન

June 2, 2026 11:28 am

બનાસકાંઠાના ડીસામાં ગત મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદે ડીસા માર્કેટયાર્ડમાં રાખવામાં આવેલી કૃષિ પેદાશોને ભારે અસર પહોંચાડી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તંત્ર તરફથી માર્કેટયાર્ડ તેમજ ખેડૂતોને માલ સુરક્ષિત રાખવા માટે અગાઉથી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. તેમ છતાં માર્કેટયાર્ડમાં મગફળી, રાયડો અને બાજરી સહિતનો મોટો જથ્થો ખુલ્લામાં જ રાખવામાં આવ્યો હતો. પરિણામે વરસાદ પડતાં અનાજની બોરીઓ અને કૃષિ પેદાશો પલળી ગઈ હતી, જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગાહી અને તંત્રની ચેતવણી હોવા છતાં માલને ઢાંકવા અથવા સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પૂરતી વ્યવસ્થા ન કરાતા વેપારીઓની બેદરકારી પણ સામે આવી છે.

Nadiad Rain News : તોફાની વરસાદથી નડિયાદ પાણીમાં ગરકાવ, કલેક્ટર કચેરી પાસે ભૂવો પડતાં મુશ્કેલી

June 2, 2026 11:21 am

ખેડા (Kheda) જિલ્લાના નડિયાદ (Nadiad) શહેરમાં સોમવારની રાત્રે ભારે પવન, વીજળીના કડાકા અને ગાજવીજ સાથે તોફાની વરસાદ (Heavy Rain) વરસતાં શહેરમાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. અચાનક પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી (Waterlogging) ભરાતા સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવન સાથે આવેલા વરસાદે શહેરના સામાન્ય જનજીવનને પણ પ્રભાવિત કર્યું હતું. બીજી તરફ ડભાણ રોડ પર ચાલી રહેલી ડ્રેનેજ લાઈન (Drainage Line)ની કામગીરી દરમિયાન કલેક્ટર કચેરી (Collector Office)ના મુખ્ય પ્રવેશદ્વાર નજીક ભૂવો પડતાં માર્ગ વ્યવહાર માટે જોખમી સ્થિતિ ઉભી થઈ હતી. આ ભૂવાના કારણે કચેરી ખાતે આવતા નાગરિકો અને અરજદારોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર (Administration) દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને JCBની મદદથી ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં એક તરફ વિકાસના વિવિધ કામો ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ તોફાની વરસાદે પરિસ્થિતિ વધુ પડકારજનક બનાવી છે અને તંત્રની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.

Dahod Rain News : દાહોદમાં વાવાઝોડાએ મચાવી તબાહી, કાર્નિવલ મેળાને ભારે નુકસાન

June 2, 2026 11:13 am

દાહોદ (Dahod) જિલ્લામાં પડાવ નજીક લાગેલા દાહોદ કાર્નિવલ (Carnival Fair) મેળામાં ભારે વાવાઝોડા (Storm) અને તીવ્ર પવનના કારણે મોટી તબાહી સર્જાઈ હતી. મેળો શરૂ થાય તે પહેલાં જ આવેલા આ અચાનક આફતજનક પવનને કારણે સમગ્ર વ્યવસ્થાને ભારે નુકસાન થયું હતું. ભારે પવનના કારણે લાકડાથી બનાવવામાં આવેલ મુખ્ય ગેટ ધરાશાયી થયો હતો, જ્યારે અનેક દુકાનોના પતરા પણ ઉડી ગયા હતા અને માળખું તૂટી પડ્યું હતું. આ કારણે મેળાના સંચાલકોને લાખોની નુકસાની સહન કરવી પડી છે અને સમગ્ર આયોજન ખોરવાઈ ગયું હતું. જોકે સદનસીબે મેળામાં લગાવવામાં આવેલા ઝૂલાઓને કોઈ નુકસાન થયું નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

Junagadh : જૂનાગઢમાં પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું અનાવરણ, 85મી જન્મજયંતિની ઉજવણી

June 2, 2026 10:46 am

જૂનાગઢ (Junagadh) શહેરમાં સ્વર્ગસ્થ પદ્મશ્રી (Padma Shri) લોકગાયિકા દિવાળીબેન ભીલ (Diwaliben Bhil)ની 85મી જન્મજયંતિ નિમિત્તે બસસ્ટેન્ડ સર્કલ ખાતે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત અને સમગ્ર દેશમાં લોકગીત ક્ષેત્રે વિશિષ્ટ ઓળખ ધરાવનાર દિવાળીબેન ભીલ જૂનાગઢમાંથી પદ્મશ્રી એવોર્ડ મેળવનાર પ્રથમ કલાકાર તરીકે જાણીતા રહ્યા છે. તેમના જીવનમાં તેમણે શરૂઆતમાં મનપા બાળમંદિરમાં તેડાગર તરીકે નોકરી કરી હતી, પરંતુ લોકસંગીત પ્રત્યેની તેમની અદભૂત પ્રતિભાના કારણે તેઓ લોકગાયન ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ થયા હતા. મુંબઈના હૂંડિયા પરિવાર દ્વારા આ પ્રતિમા મનપાને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, ત્યારબાદ મનપા દ્વારા તેનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મનપાના ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દિવાળીબેન ભીલના યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Surat Rain News : સુરતમાં પ્રી-મોન્સૂન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

June 2, 2026 10:32 am

સુરત (Surat) શહેરમાં પાલિકા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પ્રી-મોન્સૂન (Pre Monsoon) તૈયારીઓને લઈને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મેયર માયાબેન માવાણીની અધ્યક્ષતામાં તમામ ઝોન વિસ્તારોની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે યોજાયેલી આ બેઠકમાં ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા અને આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી ખાડી સફાઈ (Drain Cleaning) કામગીરીની સમીક્ષા કરવામાં આવી, જેમાં પાણીના નિકાલ માટે પ્રથમ રાઉન્ડમાં 95,508 મીટર અને બીજા રાઉન્ડમાં 85,698 મીટર ખાડી સફાઈ પૂર્ણ થયાની માહિતી આપવામાં આવી. ઉપરાંત ખોદવામાં આવેલા રસ્તાઓની ટ્રેન્ચમાં વોટરિંગ કરી રીસ્ટોરેશન કામગીરી, ફ્લડગેટના ઓવરહોલિંગ અને ચોમાસા પૂર્વ મરામત કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી. પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ડી-વોટરિંગ પંપ (De-watering Pump) માટે અલગ અલગ એજન્સીઓની નિમણૂક અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેથી ચોમાસામાં શહેરમાં કોઈ મોટી સમસ્યા ન સર્જાય.

Rain forecast : આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ યથાવત

June 2, 2026 10:24 am

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા તાજી આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી વાતાવરણ (Rainy Weather) યથાવત રહેશે અને અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે જૂનના બીજા અને ત્રીજા અઠવાડિયા બાદ મોન્સુન એક્ટિવિટી (Monsoon Activity)માં ઘટાડો થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર (Arabian Sea)માં મોન્સુન કરંટ (Monsoon Current) મજબૂત થવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે વરસાદની ગતિમાં અનિયમિતતા જોવા મળી શકે છે. આ વચ્ચે તંત્ર દ્વારા પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Ahmedabad Rain : અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદ, અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી

June 2, 2026 10:17 am

અમદાવાદ (Ahmedabad) શહેરમાં ચોમાસા (Monsoon) પહેલા જ મોડી રાત્રે અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો, જ્યાં ભારે પવન (Strong Winds) સાથે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. પવન સાથે આવેલા વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો (Trees) ધરાશાયી થયા હતા, જેના કારણે લોકોને કેટલાક માર્ગો પર અવરજવર કરવામાં પરેશાની થઇ હતી. ખાસ કરીને એસ.જી. હાઈવે (SG Highway)થી ચાણક્યપુરી બ્રિજ અને ડમરુ સર્કલ તરફ જતા માર્ગ પર 2 મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ બાદ શહેરમાં ઠંડક (Cool Weather) પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી રાહતનો અનુભવ થયો હતો.

Morbi Rain News : ભારે પવન સાથે વરસાદના કારણે હાઈવે જળમગ્ન

June 2, 2026 9:36 am

મોરબી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જ્યાં ભારે પવન સાથે પડેલા વરસાદે અનેક જગ્યાએ હાલત બગાડી નાખી હતી. પવનની તેજી વધતા મોરબી શહેર સહિત અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે સ્થાનિક લોકોને અંધકારમાં સમય પસાર કરવો પડ્યો. બીજી તરફ વાવ-થરાદ, લાખણી, દિયોદર અને થરાદ તાલુકામાં પણ વરસાદ વરસતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. ડીસા-થરાદ હાઈવે તેમજ દિયોદર-જેતડા માર્ગ પર અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ખાસ કરીને લાખણીના ભીમાજી ગોળિયા નજીક હાઈવે જળમગ્ન થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેથી સમગ્ર વિસ્તારમાં જનજીવન પર અસર જોવા મળી હતી.

Sabarkantha Rain News : સાબરકાંઠા અને છોટા ઉદેપુરમાં પવન સાથે વરસાદ, અનેક વિસ્તારોમાં અંધારપટ

June 2, 2026 8:58 am

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જેમાં તેજ પવનના કારણે વીજ પુરવઠાને મોટું નુકસાન થયું અને શહેર તેમજ ગામડાઓમાં વીજળી ગુલ થઈ ગઈ. બીજી તરફ છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી વિસ્તારમાં પણ ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતા પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની હતી, જેના કારણે Visibility ઘટી જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અહીં પણ વીજ લાઈનોમાં ખામી સર્જાતા અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો, જેથી સામાન્ય જનજીવન પર અસર જોવા મળી હતી.

Navsari Rain News : નવસારીમાં પહેલા જ વરસાદે પાલિકાની તૈયારીઓની પોલ ખોલી

June 2, 2026 8:51 am

નવસારી શહેરમાં ગત રાત્રે પવન સાથે પડેલા વરસાદે મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની ખામીઓ બહાર લાવી દીધી છે. કાલીયાવાડી અને દશેરા ટેકરી જેવા વિસ્તારોમાં લાંબા સમયથી ચાલતા અધૂરા વિકાસકામોના કારણે રસ્તાઓ કીચડભર્યા બની ગયા હતા. એ જ રીતે વિરાવળ જકાતનાકા અને વિજલપોર વિસ્તારમાં પણ રસ્તાઓની ખરાબ હાલત સામે આવી, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મૂકાયા. ડ્રેનેજ તેમજ રોડની કામગીરી સમયસર પૂર્ણ ન થતા શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે. મહાનગરપાલિકા બન્યા બાદ પણ વિકાસકામોની ધીમી ગતિને લઈને લોકોમાં નારાજગી વધી રહી છે અને પહેલા જ વરસાદમાં ઉભી થયેલી હાલતને કારણે તંત્રની તૈયારી પર ગંભીર સવાલો ઊભા થયા છે.

Banaskantha Rain News : ડીસા માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદનો માર, ખુલ્લામાં પડેલો અનાજ પલળતાં ખેડૂતો-વેપારીઓને નુકસાન

June 2, 2026 8:27 am

બનાસકાંઠાના ડીસામાં ગત મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદે ડીસા માર્કેટયાર્ડમાં રાખવામાં આવેલી કૃષિ પેદાશોને ભારે અસર પહોંચાડી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તંત્ર તરફથી માર્કેટયાર્ડ તેમજ ખેડૂતોને માલ સુરક્ષિત રાખવા માટે અગાઉથી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. તેમ છતાં માર્કેટયાર્ડમાં મગફળી, રાયડો અને બાજરી સહિતનો મોટો જથ્થો ખુલ્લામાં જ રાખવામાં આવ્યો હતો. પરિણામે વરસાદ પડતાં અનાજની બોરીઓ અને કૃષિ પેદાશો પલળી ગઈ હતી, જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગાહી અને તંત્રની ચેતવણી હોવા છતાં માલને ઢાંકવા અથવા સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પૂરતી વ્યવસ્થા ન કરાતા વેપારીઓની બેદરકારી પણ સામે આવી છે.

Weather Alert : હવામાન વિભાગની ચેતવણી, 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા

June 2, 2026 8:24 am

દેશના વિવિધ વિસ્તારોમાં બદલાતા હવામાન વચ્ચે હવામાન વિભાગે આગામી 48 કલાકને લઈને મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રિ-મોનસુન પ્રવૃત્તિઓ સક્રિય બનતાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, INSAT-3DS સેટેલાઇટમાં નોંધાયેલી આશરે 1600 કિલોમીટર લાંબી થન્ડરસ્ટોર્મ બેલ્ટના કારણે હવામાન વધુ ઉગ્ર બની શકે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સહિતના અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે પવનની ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જ્યારે વીજળી પડવાની ઘટનાઓમાં પણ વધારો થવાની શક્યતા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, ખુલ્લા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને હવામાન વિભાગની તાજી સૂચનાઓ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

Valsad Rain News : વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ, ગરમીમાંથી રાહત તો ખેડૂતોમાં ચિંતા

June 2, 2026 7:42 am

વલસાડ જિલ્લામાં મોડી રાત્રે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. દિવસભરની અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ પડેલા વરસાદથી લોકોને મોટી રાહત મળી હતી અને વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી હતી. જોકે ભારે વરસાદ અને વીજળીના કડાકા-ભડાકા સાથે આવેલા પવનના કારણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ દરમિયાન Visibility ઘટી જતાં માર્ગો પર વાહનચાલકોને સાવચેતી સાથે વાહન હંકારવાની ફરજ પડી હતી. બીજી તરફ આ અચાનક વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે બાગાયત સાથે સંકળાયેલા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ વરસાદે ગરમીથી કંટાળેલા લોકોને રાહત આપી છે તો બીજી તરફ કૃષિ ક્ષેત્ર માટે નવી ચિંતાઓ ઊભી કરી છે.

Banaskantha Rain News : વાવ-થરાદ સહિત અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ, APMCમાં ખુલ્લી જણસી પલળતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન

June 2, 2026 7:42 am

બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, લાખણી, દિયોદર અને રાહ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. વરસાદથી એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, તો બીજી તરફ ખેડૂતો અને વેપારીઓ માટે મુશ્કેલી સર્જાઈ હતી. ખાસ કરીને થરાદ APMCમાં ખુલ્લામાં રાખવામાં આવેલી કૃષિ જણસી વરસાદના કારણે પલળી જતાં મોટા પાયે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. બાજરી, રાયડો, એરંડા સહિતના પાકો અને કૃષિ ઉપજ ખુલ્લામાં પડેલી હોવાથી વરસાદી પાણીથી તેની ગુણવત્તા અને મૂલ્ય પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા અગાઉથી વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં કેટલીક જગ્યાએ જરૂરી સાવચેતી ન રાખવામાં આવતા નુકસાનનું પ્રમાણ વધ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અચાનક આવેલા વરસાદ અને તેજ પવનના કારણે ખેડૂતો તેમજ વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Kheda Rain News : ખેડા જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા

June 2, 2026 7:28 am

ખેડા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ તથા ભારે પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. કપડવંજ, કઠલાલ, મહુધા, નડિયાદ, મહેમદાવાદ, માતર સહિતના વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો છવાઈ જતા વરસાદી માહોલ જામ્યો હતો. વાવાઝોડા જેવા પવન અને વીજળીના કડાકા-ભડાકા વચ્ચે પડેલા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં સરેરાશ અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. દિવસ દરમિયાન પડેલી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી હતી, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જોકે, બીજી તરફ આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે, કારણ કે શાકભાજી, જુવાર અને અન્ય ઉભા પાકોને નુકસાન પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Patan Rain News : પાટણ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની એન્ટ્રી, અનેક તાલુકાઓમાં વરસાદથી ઠંડક પ્રસરી

June 2, 2026 7:23 am

પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. રાધનપુર, સાંતલપુર, પાટણ, ચાણસ્મા, હારીજ અને શંખેશ્વર સહિતના તાલુકાઓમાં વાવાઝોડા જેવા પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. દિવસભરની અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ પડેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને મોટી રાહત મળી હતી. જોકે, વરસાદની સાથે આવેલા તેજ પવન અને બદલાયેલા હવામાનને કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે. ખાસ કરીને ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂન મહિનાની શરૂઆતમાં જ વરસાદી માહોલ સર્જાતા એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો બીજી તરફ કૃષિ ક્ષેત્ર માટે નવી ચિંતાઓ પણ ઉભી થઈ છે.

Navsari Rain News : નવસારીમાં વહેલી સવારે તોફાની પવન સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો

June 2, 2026 7:21 am

નવસારીમાં આજે વહેલી સવારે હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે મળસ્કે લગભગ 3 વાગ્યાના સમયે ગાજવીજ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સોમવારના દિવસે અસહ્ય ગરમી, ઉકળાટ અને બફારાથી પરેશાન રહેલા નાગરિકોને આ વરસાદથી મોટી રાહત મળી હતી. જૂન મહિનાની શરૂઆતમાં જ મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતો અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જોકે બીજી તરફ કેરીના પાકને નુકસાન થવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારે વરસાદ અને પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વિજલપોર, રૂસ્તમવાડી, શાંતાદેવી રોડ, સ્ટેશન રોડ અને મિથિલા નગરી સહિતના વિસ્તારોમાં લગભગ ત્રણ કલાક સુધી અંધારપટ છવાઈ ગયો હતો. રાત્રે અચાનક વીજળી ગુલ થતાં અને બફારાભર્યા વાતાવરણને કારણે અનેક લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ વીજ વિભાગની મેન્ટેનન્સ ટીમ સવારે લગભગ 6 વાગ્યે પહોંચી હતી, જેના કારણે લાંબા સમય સુધી વીજળી વિના રહેવું પડતાં લોકોમાં નારાજગી અને રોષ જોવા મળ્યો હતો.

Gujarat Weather Update : રાજ્યભરમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી સક્રિય, અનેક જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનો કહેર

June 2, 2026 7:00 am

ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટિવિટીની અસર હવે સ્પષ્ટપણે જોવા મળી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ અને તેજ પવન સાથે વાતાવરણમાં મોટો પલટો નોંધાયો હતો. અમદાવાદમાં વાવાઝોડા બાદ મધ્યરાત્રિએ વરસાદ વરસ્યો હતો, જ્યારે ખેડા જિલ્લાના નડિયાદ સહિત 11 તાલુકાઓમાં મૂશળધાર વરસાદ નોંધાતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તાપી અને વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. છોટાઉદેપુર અને જેતપુર પાવી વિસ્તારમાં ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો, જ્યારે દાહોદ જિલ્લામાં ભારે વાવાઝોડાએ તબાહી મચાવી હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. બીજી તરફ અરવલ્લી જિલ્લાના મેઘરજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તોફાની વરસાદ નોંધાયો હતો. ધનસુરા વિસ્તારમાં હાઈવે પર વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહારને અસર પહોંચી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ, પવન અને ગાજવીજના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે, જ્યારે આગામી દિવસોમાં પણ હવામાનમાં અસ્થિરતા યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

This Live Blog has Ended
Advertisement

.

×