Gujarat Latest News: કોડીનારના છારા ગામે દરિયામાં 5 કિશોરો ડૂબ્યા, SDRF, કોસ્ટ ગાર્ડ અને ફાયર ટીમ દ્વારા શોધખોળ
ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
જુનાગઢના વંથલીમાં તંત્રના દરોડા: 10.40 લાખનો શંકાસ્પદ પેટ્રોલિયમ જથ્થો સીઝ
August 4, 2026 11:17 pm
જુનાગઢના વંથલી પંથકમાં પેટ્રોલિયમના શંકાસ્પદ જથ્થા સામે વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વંથલીમાંથી પૂરતા પુરાવા વગર લૉરીમાં ભરીને લઈ જવામાં આવતો અંદાજે 10 હજાર લિટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ઝડપાઇ ગયો છે. તંત્રએ આ કાર્યવાહી દરમિયાન પેટ્રોલિયમ ભરેલું ટેન્કર અને નોઝલ પણ સીઝ કરી લીધા છે. સ્થળ પરથી પદાર્થના સેમ્પલ મેળવીને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ઝડપાયેલા આ કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત 10.40 લાખ રૂપિયા જેટલી થાય છે. સંબંધિત ઈસમો દ્વારા પૂરતા આધાર-પુરાવા રજૂ ન કરવામાં આવતા આ કડક કાર્યવાહી કરાઈ છે, અને સમગ્ર મામલો વધુ તપાસ અર્થે જિલ્લા પુરવઠા અધિકારીને સોંપવામાં આવ્યો છે.
કોડીનારના છારા ગામે દરિયામાં ડૂબવાની ઘટના: 3 કિશોરનો બચાવ, 2 લાપતા
August 4, 2026 10:43 pm
કોડીનારના છારા ગામે દરિયામાં નાહવા પડેલા 5 કિશોરો ભારે કરંટમાં સપડાઈને ડૂબી ગયા હતા. સદનસીબે સ્થાનિક માછીમારોની સમયસૂચકતાથી 3 કિશોરોના જીવ બચાવી લેવાયા છે, જ્યારે ભાવસિંહ ચુડાસમા અને નિર્મળ ચુડાસમા નામના બે કિશોરો લાપતા છે. આ ઘટનાને પગલે SDRF, કોસ્ટ ગાર્ડ અને ફાયર ટીમ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે, દરિયામાં ભારે કરંટ હોવાને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દુર્ઘટનાના પગલે સમગ્ર છારા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ધ્રાંગધ્રા: તારંગા ધામ ખાતે પૂજારી દંપતીના શંકાસ્પદ મોતનો મામલો
August 4, 2026 10:23 pm
ધ્રાંગધ્રાના તારંગા ધામ ખાતે પૂજારી પ્રવિણભાઈ રાઠવા અને તેમના પત્ની વર્ષાબેન રાઠવાના શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આજે બપોરે મળેલી આ ઘટનામાં પત્નીના માથાના ભાગે ઇજાના નિશાન હતા, જ્યારે પતિનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવની ગંભીરતા જોતા FSLની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન ફાંસો ખાધેલા પતિના હાથમાં પત્નીના માથાના વાળ મુઠ્ઠીમાં જકડાયેલા મળી આવ્યા હતા. આ ઉપરાંત ઘટનાસ્થળેથી એક છરી અને લોહીના નિશાનવાળી લાકડી મળી આવી છે, જ્યારે છરી પર લોહીના નિશાન નહોતા મળ્યા. પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળે લોહી સાફ કરવાના પ્રયાસો થયા હોવાનું પણ સામે આવ્યું છે. FSLની પ્રાથમિક કાર્યવાહી બાદ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને આ રહસ્યમય મોત અંગે સઘન તપાસ શરૂ કરી છે.
ચૈતર વસાવા કેસમાં જામીન અરજી પર આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી
August 4, 2026 9:52 pm
ફોરેસ્ટ ઓફિસર પર હુમલો અને હવામાં ફાયરિંગ કેસમાં નર્મદા કોર્ટે ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી. આ સજા સામે સ્ટે અને જામીન મેળવવા ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તેમની જામીન અરજી પર 5 ઓગસ્ટે હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત, 23 ઓગસ્ટે અમદાવાદમાં લેખિત પરીક્ષા
August 4, 2026 9:25 pm
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે મહત્વની જાહેરાત કરી છે. PSI વાયરલેસ, ટેકનિકલ ઓપરેટર, PSI મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક સહિત કુલ 950 જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા 23 ઓગસ્ટે અમદાવાદમાં યોજાશે. ઉમેદવારો 17 ઓગસ્ટે બપોરે 2 વાગ્યાથી સત્તાવાર વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. ભરતી પ્રક્રિયા અંગેની તમામ વિગતો બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે.
ભાવનગરના ટોડી ગામે પશુપાલક પર સિંહનો હુમલો, ગંભીર ઇજા
August 4, 2026 9:24 pm
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટોડી ગામે ગૌચરણ દરમિયાન પશુપાલક વિજયભાઈ બલિયા પર સિંહે હુમલો કર્યો હતો. સિંહે પહેલા દુધાળુ પશુ પર અને ત્યારબાદ વિજયભાઈ પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક પાલિતાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાથી સ્થાનિક પશુપાલકોમાં ભારે ભય ફેલાયો છે અને વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
મંદપસંદ જીમખાના રેડ કેસમાં 178ને જામીન, 9 આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ પર
August 4, 2026 9:23 pm
અમદાવાદના મંદપસંદ જીમખાનામાં પડેલી રેડ કેસમાં તમામ આરોપીઓને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે 178 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે, જ્યારે ગોવિંદ પટેલ સહિત 9 આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. સરકારી વકીલે UPI ટ્રાન્ઝેક્શન, આંગડિયા વ્યવહાર, કોડવર્ડ ચિઠ્ઠીઓ, બેંક ખાતા અને ગુનાહિત ભૂતકાળની તપાસ માટે વધુ રિમાન્ડની માંગ કરી હતી.
ખેડા સામૂહિક દુષ્કર્મ કેસમાં બે આરોપીના જામીન ફગાવાયા
August 4, 2026 8:38 pm
ખેડા સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપી અયાન અને માહિરની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. સરકારી વકીલની દલીલોને આધારે કોર્ટે બંને આરોપીઓને રાહત આપી નથી. 18 એપ્રિલે પોલીસે 9 પૈકી 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ગામમાં સરઘસ પણ કાઢ્યું હતું. ભોગ બનનારાના વાલીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીનો ધ્વજ સ્વીકારી નાયબ મુખ્યમંત્રી આજે મોડી રાત્રે અમદાવાદ પરત ફરશે
August 4, 2026 8:37 pm
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સ્કોટલેન્ડના ગ્લાસગોથી આજે મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. ગ્લાસગોમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહ દરમિયાન તેમણે ભારત અને અમદાવાદ તરફથી 2030ની યજમાની માટે સત્તાવાર ધ્વજ સ્વીકાર્યો હતો. ગ્લાસગોથી સીધા સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું આગમન થવાનું છે.
નડિયાદની માધવ હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ, અકસ્માતગ્રસ્ત યુવકનું મોત
August 4, 2026 8:13 pm
નડિયાદની માધવ હોસ્પિટલના ડો. ભાર્ગવ દેસાઈ પર સારવારમાં બેદરકારીનો ગંભીર આક્ષેપ થયો છે. અકસ્માતમાં પગ અને હાથમાં ગંભીર ઇજાઓ પામેલા ધર્મેશને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઓપરેશન દરમિયાન તબિયત બગડતાં તેને સીટી સ્કેન સેન્ટર ખસેડાયો, જ્યાં મૃત જાહેર કરાયો. ડોક્ટરે મૃત્યુ આકસ્મિક હોવાનું જણાવ્યું છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો અને FSL દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે.
ગાંધીધામમાં પાઇપિંગ સેરેમની યોજાઈ, પૂર્વ કચ્છ પોલીસના 26 કર્મચારીઓને પ્રમોશન
August 4, 2026 8:02 pm
ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પાઇપિંગ સેરેમની યોજાઈ હતી. કુલ 26 પોલીસ કર્મચારીઓને બઢતી અપાઈ, જેમાં 15 કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટેબલ અને 11 હેડ કોન્સ્ટેબલોને એએસઆઈ તરીકે પ્રમોશન મળ્યું. એસપી સાગર બાગમારે કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી પૂર્ણ થઈ. કાર્યક્રમમાં ડીવાયએસપી ડી.આર. ભાટીયા અને એ.વી. રાજગોર હાજર રહ્યા હતા.
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ PM મોદી સાથે મુલાકાત કરી, પોરબંદર મેગાશિપ બિલ્ડિંગ યાર્ડ માટે માન્યો આભાર
August 4, 2026 7:36 pm
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી પોરબંદરમાં મેગાશિપ બિલ્ડિંગ યાર્ડને મંજૂરી મળતાં આભાર વ્યક્ત કર્યો હતો. રૂ. 27,500 કરોડના મૂડીરોકાણથી યાર્ડ તૈયાર થવાનો છે. મોઢવાડિયાએ PM મોદીને પાઘડી પહેરાવી અને સાલ અર્પણ કરી સન્માન કર્યું. મુલાકાત દરમિયાન વિભાગીય કામગીરી, પોરબંદરના વિકાસકાર્યો તથા CM ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની વિકાસયોજનાઓ અંગે ચર્ચા અને માર્ગદર્શન મેળવાયું.
ગાંધીધામ મનપા સામે ઘરવિહોણા પરિવારોનો વિરોધ, આવાસની માંગ સાથે ધરણાં યથાવત
August 4, 2026 7:02 pm
ગાંધીધામ મનપા સામે ઘરવિહોણા પરિવારો દ્વારા આવાસની માંગને લઈ ધરણાં કરવામાં આવી રહ્યા છે. ડિમોલિશન બાદ 6 મહિના વીતી ગયા છતાં ઘર ન મળતા વિરોધ ઉગ્ર બન્યો છે. છેલ્લા એક મહિનાથી 300થી વધુ લોકો ધરણાં પર બેઠા છે. મહિલાઓ, યુવાનો અને વડીલો બહુજન આર્મીના નેજા હેઠળ આંદોલન ચલાવી રહ્યા છે. ઘર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે.
અમરેલીમાં જમકુડી નદી પર વીડિયો શૂટિંગ માટે બાળકો-મહિલાઓના જીવ જોખમમાં મુકાયા
August 4, 2026 6:41 pm
અમરેલી જિલ્લાના મતીરાળા ખાતે જમકુડી નદીમાં નવા નીરના વધામણા દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. ચેકડેમની જોખમી પાળ અને પાણીના પ્રવાહ વચ્ચે બાળકો તથા મહિલાઓને ઉભા રાખી વીડિયો શૂટિંગ કરાયું હોવાનો આક્ષેપ છે. ડેમ અને નદી વિસ્તારમાં પ્રવેશ અંગેના જાહેરનામાનો ભંગ થયો હોવાનું જણાઈ રહ્યું છે. જાગૃત નાગરિકોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે.
કાંકરેજમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 9 વર્ષના બાળકનું મોત, રિપોર્ટની રાહ
August 4, 2026 6:40 pm
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી નજીક થરેચાવાસ ગામમાં 9 વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયાની આશંકા વ્યક્ત થઈ છે. રાત્રે બાળકને ખેંચ આવ્યા બાદ ઉલટી થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. પાટણની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બાળકના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
કોમનવેલ્થ ગેમ્સનું બેટન અને ફ્લેગ મુખ્યમંત્રીને સોંપાશે, 2030 યજમાનીની તૈયારીને મળશે ગતિ
August 4, 2026 6:40 pm
2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને લઈ મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્કોટલેન્ડથી લાવવામાં આવેલ કોમનવેલ્થ ગેમ્સનું બેટન અને ફ્લેગ મુખ્યમંત્રીને સોંપશે. ડેલિગેશન સાથે ગુજરાત પહોંચનારા બેટન અને ફ્લેગ ગેમ્સ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજ્યમાં જ રહેશે. આ પ્રસંગે યજમાની સંબંધિત તૈયારીઓને વધુ વેગ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક આવતીકાલે, વરસાદ અને ચાંદીપુરા વાયરસ મુદ્દે સમીક્ષા
August 4, 2026 6:40 pm
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવતીકાલે સવારે 10 વાગ્યે રાજ્ય કેબિનેટ બેઠક મળશે. બેઠકમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ, સર્વે કામગીરી અને કૃષિ નુકસાનના આકલન અંગે ચર્ચા થશે. કેશડોલ્સની ચૂકવણી અંગે વિગતો રજૂ કરાશે. ઉપરાંત ચાંદીપુરા વાયરસ સામેની કામગીરીની સમીક્ષા તેમજ 15મી ઓગસ્ટના રાજ્યસ્તરીય કાર્યક્રમોની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
આબુરોડ સ્ટેશન ચોકમાં કાર-બાઇક વચ્ચે ભયાનક અકસ્માત, બે યુવકો ઘાયલ
August 4, 2026 6:39 pm
આબુરોડ રેલવે સ્ટેશન ચોક ખાતે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેજ ગતિએ આવી રહેલા બાઈકચાલકે બલેનો કારને ટક્કર મારતાં બંને યુવકો કાર ઉપર ઉછળી પડ્યા હતા. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. કારચાલક ગુજરાતના પાટણ જિલ્લાના હોવાનું અને બાઈકસવાર યુવકો આબુરોડના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
કોડીનારના છારા ગામે દરિયામાં ન્હાવા ગયેલા ચાર યુવકો ડૂબ્યા, બેનો બચાવ, બે લાપતા
August 4, 2026 5:50 pm
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે દરિયામાં ન્હાવા ગયેલા ચાર યુવકો ડૂબી જવાની ઘટના બની છે. સ્થાનિક માછીમારોની નજર પડતાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી બે યુવકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે બે યુવકો દરિયામાં લાપતા બનતાં પોલીસ, માછીમારો અને સ્થાનિક તંત્ર દ્વારા તેમની શોધખોળ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ ચંડોળા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, બાંગ્લાદેશથી લાવવામાં આવેલી સગીરાઓના દેહવેપાર મામલે બે આરોપીઓને કઠોર સજા
August 4, 2026 5:29 pm
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિના કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સાગર માંડલને 16 વર્ષ અને મોહમ્મદ ફારુકને 20 વર્ષની જેલ સજા ફટકારવામાં આવી છે. બંને આરોપીઓ બે સગીરાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે લાવી દેહવેપારમાં ધકેલતા હતા. તપાસ દરમિયાન ઇમિગ્રેશન અને દેહવેપારના મુખ્ય એજન્ટોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો મોટો ભંડાફોડ, બાંગ્લાદેશી નાગરિકો સંડોવાયેલા સગીર શોષણ કેસમાં એક વર્ષમાં સજા
August 4, 2026 5:29 pm
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારના ચંડોળામાં સગીર બાળકોના શોષણના પ્રથમ કેસનો ભંડાફોડ કરી એક વર્ષમાં આરોપીઓને સજા અપાવવામાં સફળતા મેળવી છે. તપાસમાં ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી નાગરિકોની સંડોવણી સામે આવી હતી. કાર્યવાહી દરમિયાન ઇમિગ્રેશન અને વેશ્યાવૃત્તિના મુખ્ય એજન્ટોની ધરપકડ કરી વધુ 6 ગુનાઓ નોંધાયા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા ક્રૂઝનું લોન્ચિંગ, નર્મદા પર્યટનને મળશે નવી ગતિ
August 4, 2026 5:05 pm
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા નવા ક્રૂઝનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જરૂરી મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં સેવા શરૂ થશે. હાલ 200 પ્રવાસીઓની ક્ષમતાનું ક્રૂઝ કાર્યરત છે. નવા ક્રૂઝમાં જન્મદિવસ ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાનગી સમારંભો યોજી શકાશે, જેથી પર્યટનને નવી દિશા મળશે.
સુરતમાં કીર્તિ પટેલ ફરી કાયદાની ઝપેટમાં, લેન્ડ ગ્રેબિંગ કેસમાં પુના પોલીસે કરી ધરપકડ
August 4, 2026 4:37 pm
સોશિયલ મીડિયા સ્ટાર અને વિવાદિત કીર્તિ પટેલની સુરતમાં ફરી ધરપકડ કરવામાં આવી છે. પુના પોલીસે લેન્ડ ગ્રેબિંગ કેસમાં કાર્યવાહી કરી છે. અગાઉ આઇટી એક્ટ અને ખંડણી કેસમાં ધરપકડ બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. પુના વિસ્તારમાં રહેતા મકાન પર ગેરકાયદે કબજો કર્યાની મકાન માલિકની ફરિયાદના આધારે પોલીસે નવી કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણામાં 45 કરોડનો ઓવરબ્રિજ બિસ્માર, કોંક્રિટ ઉખડતા સળિયા દેખાયા
August 4, 2026 3:59 pm
મહેસાણાના પાલાવાસણા સર્કલથી રામપુરા વચ્ચે 45 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો નવો ઓવરબ્રિજ ચોમાસામાં ફરી બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે. સતત ત્રીજા વર્ષે બ્રિજમાંથી કોંક્રિટ ઉખડતા સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે, જેના કારણે વાહનચાલકો માટે જીવલેણ ખતરો ઉભો થયો છે. મોટા ખાડાના કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે. તંત્ર દ્વારા માત્ર થીગડા મારીને કામગીરી પૂર્ણ કરાતી હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ ભ્રષ્ટાચાર અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
બામણબોરમાં કેમિકલ પ્રદૂષણ મુદ્દે પશુપાલકની આપવીતી, ખોટા આરોપનો આક્ષેપ
August 4, 2026 3:45 pm
રાજકોટ જિલ્લાના બામણબોરમાં કેમિકલ પ્રદૂષણ મુદ્દે પશુપાલકે ગંભીર આક્ષેપો કર્યા છે. પશુપાલકનું કહેવું છે કે પ્રદૂષિત પાણીથી પશુઓ અને આસપાસના વિસ્તારમાં સમસ્યા સર્જાતા તેઓ કારખાનાના માલિક સમક્ષ રજૂઆત કરવા ગયા હતા. પરંતુ સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે RR કેમના માલિકે તેમની સામે 2 લાખ રૂપિયાની ખંડણી માંગ્યાના ખોટા આક્ષેપો કરી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પશુપાલકે પોલીસની ધમકી અપાઈ હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
ચુડાના ઝોબાળા ગામે સાપ કરડતા 12 વર્ષની બાળકીનું મોત
August 4, 2026 3:28 pm
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામમાં 12 વર્ષીય બંસી દાહોડીયાનું સાપ કરડતા કરુણ મોત થયું છે. બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે અચાનક સાપે તેને ડંખ માર્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે દોડધામ કરી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નીપજતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે.
તારંગા ધામમાં પૂજારી અને પત્નીના મૃતદેહ મળતા ચકચાર
August 4, 2026 3:09 pm
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હાઈવે નજીક આવેલા જૈન તીર્થસ્થળ તારંગા ધામમાં પૂજારી અને તેમની પત્નીના મૃતદેહ રૂમમાંથી મળતા ચકચાર મચી છે. પ્રાથમિક તપાસ મુજબ પત્નીના માથામાં બોથડ પદાર્થથી ઇજા પહોંચાડવામાં આવી હતી, જ્યારે પૂજારીએ આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. માહિતી મળતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં બેફામ બોલેરોની ટક્કર, મહિલા અને 14 વર્ષની દીકરીનું મોત
August 4, 2026 2:14 pm
મહેસાણા જિલ્લાના બેચરાજી વિસ્તારમાં બેફામ બોલેરો કારે ઘર આંગણે બેઠેલા લોકો પર ચઢી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલા અને તેની 14 વર્ષીય દીકરીનું મોત થયું છે, જ્યારે એક નાની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. માટીમાં ફસાયેલી બોલેરો ગાડી બહાર કાઢવા જતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બેચરાજી પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં RMC આરોગ્ય વિભાગની કાર્યવાહી, 32 કિલો અખાદ્ય જથ્થાનો નાશ
August 4, 2026 2:12 pm
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 41 પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન 32 કિલો અખાદ્ય જથ્થો અને 120 લીટર કોલ્ડ્રિંક્સનો નાશ કરવામાં આવ્યો હતો. ગંદકી, લાયસન્સની ખામી અને અખાદ્ય જથ્થા મુદ્દે 13 પેઢીઓને નોટિસ ફટકારાઈ છે. જય હિન્દ મદ્રાસ કાફેને સીલ કરવામાં આવ્યું છે અને કુલ ₹24 હજારનો વહિવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
ગોંડલના ગુંદાળા ફાટક નજીક અજાણી મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળતા ચકચાર
August 4, 2026 2:12 pm
રાજકોટ જિલ્લાના ગોંડલના ગુંદાળા ફાટકથી આશરે 200 મીટર દૂર અજાણી મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી છે. મૃતદેહ પાસે મહિલાની કપડાંની થેલી, કપડાં અને એક પાકીટ મળી આવ્યું છે. માહિતી મળતા ગોંડલ પોલીસ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાના મોત અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.
દરિયાપુર જુગારધામ કેસમાં 187 આરોપીઓ મેટ્રો કોર્ટમાં રજૂ
August 4, 2026 1:57 pm
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મનપસંદ જીમખાના ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલના મેગા દરોડા બાદ ઝડપાયેલા 187 જુગારીઓ અને મુખ્ય સંચાલકને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ક્લબમાં ‘D કંપની’ની સ્ટાઇલમાં ટેબલ ભાડેથી આપી જુગાર ચલાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. હાર-જીતના નાણાંની લેવડદેવડ માટે અંગડિયા પેઢીઓનો ઉપયોગ થતો હોવાનો પણ આરોપ છે. તમામ આરોપીઓને પાંચ બસમાં ભરી કોર્ટમાં લવાયા હતા.
ભાવનગર અપહરણ કેસનો આરોપી સુરતથી ઝડપાયો
August 4, 2026 1:57 pm
ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ કેસમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસેથી આરોપી કરણ કમીરભાઈ ખખરીયાની ધરપકડ કરી છે. આરોપી મૂળ તળાજા તાલુકાનો રહેવાસી અને ડ્રાઇવર તરીકે કામ કરે છે. તેણે 23 જુલાઈ, 2026ના રોજ સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ, દરિયાકાંઠે પવનની ચેતવણી
August 4, 2026 1:57 pm
ગુજરાતમાં 4 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મોનસૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદી વાતાવરણ યથાવત રહેશે. દરિયાકાંઠે 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ધોરાજીમાં ડમ્પર-બાઇક અકસ્માતમાં દાદી-પૌત્રનું કરુણ મોત
August 4, 2026 1:13 pm
રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ ફાટક પાસે ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં દાદી અને પૌત્રનું ઘટનાસ્થળે મોત થયું છે. પૂરઝડપે આવેલા ડમ્પરે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બાઇકચાલક રાકેશભાઇને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. ધોરાજી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
ડેડિયાપાડામાં બોરિંગમાંથી ફૂટ્યા કુદરતી પાણીના ઝરા, લોકોમાં કુતૂહલ
August 4, 2026 1:12 pm
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામમાં બોરિંગમાંથી કુદરતી રીતે સતત દબાણ સાથે સ્વચ્છ પાણીના ઝરા ફૂટતા અનોખું દ્રશ્ય સર્જાયું છે. ઘટના જોવા આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ચોમાસાના કારણે ભૂગર્ભ જળસ્તર વધતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત થયું છે. કુદરતી પાણીના ઝરાએ ગામમાં આનંદ અને કુતૂહલનો માહોલ સર્જ્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 132 મીટરને પાર, મહત્તમ સપાટીથી માત્ર 6.68 મીટર દૂર
August 4, 2026 12:47 pm
ગુજરાતની જીવનદોરી ગણાતા નર્મદા (Narmada) જિલ્લામાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમમાંથી (Sardar Sarovar Narmada Dam) રાજ્યના નાગરિકો અને ખેડૂતો માટે ખુશીના વાવડ આવ્યા છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં (Narmada Dam) પાણીની આવકમાં સતત અને નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ચાલુ ચોમાસાની (Monsoon) સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની જળસપાટી 132 મીટરનો આંકડો વટાવી ગઈ છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉપરવાસમાંથી 94,444 ક્યુસેક પાણીની પ્રચંડ આવક
મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને નર્મદા નદીના (Narmada River) ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારોમાં થઈ રહેલા સતત વરસાદને કારણે જળાશયમાં પાણીની આવક વધી છે. તાજેતરના આંકડા મુજબ, સરદાર સરોવર ડેમમાં હાલ 94,444 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આ પ્રચંડ આવકના કારણે ડેમની જળસપાટી ઝડપથી વધી રહી છે. સતત થઈ રહેલી આવકના પરિણામે નર્મદા ડેમની વર્તમાન સપાટી 132.05 મીટર પર પહોંચી ગઈ છે.
સુરતમાં મહિલા ડોક્ટરના બાળકનું શાળામાંથી અપહરણ: પતિ સામે આક્ષેપ, મુંબઈમાં ક્રેડિટ કાર્ડ ટ્રેક થતાં પોલીસ રવાના
August 4, 2026 12:44 pm
સુરતમાં મહિલા તબીબ ડૉ. નંદિતા પટેલના બાળકનું શાળાના કમ્પાઉન્ડમાંથી કેર ટેકરના હાથમાંથી ખેંચીને અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. ડૉ. નંદિતાએ તેમના પતિ અને બિલ્ડર ઈશાન પટેલ પર જ બાળકનું અપહરણ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વર્ષ 2024માં લગ્ન બાદ બંને વચ્ચે અણબનાવ થતાં નંદિતા પોતાના પિયરમાં રહેતી હતી અને અગાઉ પણ પતિ સામે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ ઘટના બાદ મુંબઈમાં ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવામાં આવતાં જ પોલીસને લોકેશન અંગે મહત્વની માહિતી મળી હતી. જેના આધારે સુરત પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક મુંબઈ રવાના થઈ ગઈ છે.
રાજકોટના બામણબોરમાં પ્રદૂષણ માફિયાઓ સામે ગ્રામજનોનો રોષ: GPCB ની નિષ્ક્રિયતા સામે પંચાયતમાં ભેગા થશે લોકો
August 4, 2026 12:29 pm
રાજકોટ નજીક આવેલા બામણબોર ગામમાં પ્રદૂષણ માફિયાઓ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદૂષણ માફિયાઓની ત્રાસદાયક પ્રવૃત્તિઓથી છૂટકારો મેળવવા માટે સમગ્ર બામણબોર ગામ એકસાથે આવ્યું છે, જેના સંદર્ભે આજે ગ્રામજનો બામણબોર ગ્રામ પંચાયત ખાતે મોટી સંખ્યામાં ભેગા થશે.
ગામના સરપંચ દ્વારા આ મામલે રાજકોટ અને સુરેન્દ્રનગર GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) ને સત્તાવાર પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. જોકે, વારંવાર પત્ર લખવા છતાં તંત્ર દ્વારા કોઈ જ આકરાં પગલાં કે કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો ગંભીર આરોપ ગ્રામજનો લગાવી રહ્યા છે. હવે આ મામલે ગ્રામજનો આરપારની લડાઈના મૂડમાં છે.
અમદાવાદમાં ભુવા રાજ! પ્રહલાદનગર ગાર્ડન પાસે ફરી રસ્તો બેસી ગયો!
August 4, 2026 12:01 pm
અમદાવાદ શહેરમાં ચાલુ વરસાદી મોસમમાં ઠેર-ઠેર ભુવા પડવાનો અને રસ્તા બેસી જવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા પ્રહલાદનગર ગાર્ડન પાસે ફરી એકવાર મુખ્ય રસ્તો બેસી જતાં તંત્ર દ્વારા સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, માંડ 10 દિવસ પહેલા જ આ જ પ્રહલાદનગર ગાર્ડન પાસેનો રસ્તો બેસી ગયો હતો. ટૂંક જ સમયમાં ફરી એ જ જગ્યાએ રસ્તો બેસી જતાં તંત્રની નબળી કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આ મુખ્ય અને અત્યંત વ્યસ્ત રસ્તા પર સમારકામ માટે ખોદકામ કરવામાં આવતાં વાહનવ્યવહાર પર ભારે અસર પડી છે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે.
રાજકોટની ગારીડા પ્રાથમિક શાળાની હાલત અત્યંત જર્જરિત: માસૂમ બાળકો જીવના જોખમે ભણવા મજબૂર
August 4, 2026 11:55 am
રાજકોટ તાલુકાની ગારીડા પ્રાથમિક શાળાની હાલત હાલ અત્યંત દયનીય અને જર્જરિત બની ગઈ છે. એરપોર્ટ નિર્માણ દરમિયાન કરવામાં આવેલા બ્લાસ્ટિંગને કારણે શાળાના મકાનમાં મોટી તિરાડો પડી ગઈ છે, જેના લીધે બે વર્ગખંડો ભારે ક્ષતિગ્રસ્ત થતાં બંધ કરવાની ફરજ પડી છે. હાલ માત્ર 6 વર્ગખંડોમાં જ 175થી વધુ બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે.
ચોમાસામાં વરસાદ પડતાં જ છત પરથી પાણી ટપકવા લાગે છે. તંત્ર દ્વારા 3 નવા વર્ગખંડો મંજૂર તો કરવામાં આવ્યા છે, પરંતુ શાળાની જગ્યા નાની હોવાના કારણે તેનું બાંધકામ અટકેલું છે. આ મામલે ગામના સરપંચ દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
સુરતમાં મોબાઈલ ચોરને જાહેરમાં મેથીપાક, ખરવરનગર BRTS જંક્શન પર બન્યો બનાવ
August 4, 2026 11:48 am
સુરતમાં મુસાફરોની સતર્કતાના કારણે મોબાઈલ ચોરીનો એક પ્રયાસ નિષ્ફળ બન્યો છે. શહેરના ખરવરનગર BRTS જંક્શન પર મુસાફરોના કિંમતી મોબાઈલ ચોરી કરવાની કોશિશ કરી રહેલા એક શખ્સને મુસાફરોએ રંગેહાથ પકડી પાડ્યો હતો.
ચોરની આ કરતૂતથી રોષે ભરાયેલા લોકોના ટોળાએ તેને સ્થળ પર જ જાહેરમાં બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. મુસાફરોની સમયસૂચકતાને કારણે મોટી ચોરી થતી અટકી ગઈ હતી. ત્યારબાદ લોકોએ આ મોબાઈલ ચોરને પકડી રાખીને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને હવાલે કર્યો હતો.
દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન બંધ થશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પાઠવી નોટિસ!
August 4, 2026 11:47 am
રાજધાની દિલ્હીના પ્રખ્યાત જંતર-મંતર ગ્રાઉન્ડ પર થતાં ધરણાનિદર્શન અને વિરોધ પ્રદર્શનો માટે વૈકલ્પિક જગ્યાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા માટે સંમત થઈ ગઈ છે. અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે જંતર-મંતર પર સતત થતાં પ્રદર્શનોના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને પાણી, વીજળી તેમજ વાહનવ્યવહાર જેવી જરૂરી સેવાઓ પર પણ માઠી અસર પડે છે.
આ મામલાને ગંભીર ગણાવતાં સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે સ્થાનિક નાગરિકોની સમસ્યા એ એક અત્યંત મહત્વપૂર્ણ વિષય છે. આ અંગે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે.
પેપર લીક મામલે બોમ્બે હાઇકોર્ટનો મોટો નિર્ણય: 25 ફાસ્ટ ટ્રેક કોર્ટને આપી મંજૂરી, હવે ઝડપી સજા થશે
August 4, 2026 11:46 am
સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓમાં પેપર લીક કરનારા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે બોમ્બે હાઇકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેપર લીકના કેસોના ઝડપી નિકાલ માટે હાઇકોર્ટે કુલ 25 ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવાની મંજૂરી આપી દીધી છે. હવેથી કોઈપણ પરીક્ષાના પેપર લીકનો કેસ આ ફાસ્ટ ટ્રેક અદાલતોમાં જ ચલાવવામાં આવશે.
આ નિર્ણય હેઠળ મહારાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં 23 નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરવામાં આવશે, જ્યારે ઔરંગાબાદ અને નાગપુરમાં બે ફાસ્ટ ટ્રેક કોર્ટ કાર્યરત કરવામાં આવી છે. હાઇકોર્ટના આ કડક વલણથી પેપર લીકની ઘટનાઓ પર રોક લાગશે અને દોષિતોને ઝડપથી સજા મળશે.
અમદાવાદમાં પૈસાની ઉઘરાણીના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, બે સામે ફરિયાદ
August 4, 2026 11:24 am
અમદાવાદના સરખેજ વિસ્તારમાં વ્યાજખોરો કે ભાગીદારીના પૈસાની ઉઘરાણીથી કંટાળીને એક યુવકે આપઘાત કરી લીધો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, કાળુ પ્રજાપતિ અને રાહુલ પ્રજાપતિ નામના બે શખ્સો દ્વારા ભાગીદારીના રૂપિયાના મામલે સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના ગંભીર આરોપ લાગ્યા છે.
જીવન ટૂંકાવતા પહેલાં યુવકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર એક સ્ટેટસ મૂકીને પોતાની તમામ વેદના વ્યક્ત કરી હતી. આ મામલે મૃતકના પરિજનોની રજૂઆત બાદ પોલીસે કાળુ પ્રજાપતિ અને રાહુલ પ્રજાપતિ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આજે ચૂંટણી: 1450 કરોડના વહીવટનું સુકાન કોને મળશે?
August 4, 2026 10:30 am
વડોદરાની પ્રસિદ્ધ બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે આજે ડેરીના બોર્ડરૂમમાં મહત્વની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેના અધ્યક્ષસ્થાને આ સમગ્ર પ્રોસેસ હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના મેન્ડેટના આધારે પ્રમુખ અને ઉપપ્રમુખના નામો આખરી કરવામાં આવશે.
નોંધનીય છે કે, ડેરીના કુલ 13 માંથી 10 ડિરેક્ટરોને તાજેતરમાં જ જિલ્લા રજિસ્ટ્રારે નોટિસ ફટકારી હોવાથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી ગયો છે. રૂ. 1450 કરોડનું વિશાળ વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ ડેરીનું વહીવટી સુકાન કોના હાથમાં સોંપવામાં આવશે તેના પર સહકારી ક્ષેત્રના તમામ લોકોની નજર મંડાયેલી છે.
સુરતના પૂર્વ મેયર હેમાલી બોઘાવાળાએ ભાંગરો વાટ્યો, સ્ક્રિપ્ટ સામે રાખીને વાંચી છતાં ભૂલ
August 4, 2026 10:16 am
સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર હેમાલી બોઘાવાળાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે પેપર લીક વિરોધી કાયદા અંગે એક જાગૃતિ વીડિયો બનાવીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. જોકે, આ વીડિયોમાં તેઓ કાયદાનું સાચું નામ 'પબ્લિક એક્ઝામ બિલ' બોલવાને બદલે 'એન્ટી ચીટીંગ બિલ' બોલતા નજરે પડે છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તેઓ કેમેરાની સામે રાખેલી લિખિત સ્ક્રિપ્ટ જોઈને વાંચતા પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આમ છતાં, વીડિયોનું ક્રોસ ચેકિંગ કર્યા વગર જ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવામાં આવતાં નેટિઝન્સ દ્વારા તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
બનાસકાંઠામાં વોટ્સએપ પર ત્રિપલ તલાક: પતિએ વોટ્સએપ પર 'તલાક... તલાક... તલાક...' કહી દીધું!
August 4, 2026 9:22 am
બનાસકાંઠા જિલ્લાના છાપીમાંથી ત્રિપલ તલાકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છાપી નજીક આવેલા તેનીવાડા ગામની એક પરિણીતાને તેના પતિએ વોટ્સએપ પર જ 'તલાક... તલાક... તલાક...' નો મેસેજ મોકલીને સંબંધો તોડી નાખ્યા હતા.
આ મામલે પીડિત મહિલાએ ન્યાય માટે છાપી પોલીસ મથકે પતિ સામે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, મહિલાના સસરાને તે પસંદ ન હોવાના કારણે પતિ તેને પોતાના ઘરે બોલાવતો ન હતો અને ત્યારબાદ સીધો વોટ્સએપ દ્વારા ગેરકાયદેસર રીતે ત્રિપલ તલાક આપી દીધા હતા. છાપી પોલીસે આ ગંભીર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ! 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ, કપરાડામાં 3 ઇંચ
August 4, 2026 8:56 am
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાની સાર્વત્રિક હાજરી જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ રાજ્યના કુલ 109 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદી જોર જોવા મળ્યું છે. વલસાડના કપરાડા તાલુકામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે નાનાપોંઢા અને ધરમપુર તાલુકામાં પણ 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય રાજ્યના 10 તાલુકાઓમાં 2 ઇંચ સુધી અને 20 તાલુકાઓમાં અડધાથી 1 ઇંચ સુધીનો નોંધપાત્ર વરસાદ થયો છે. બાકીના અન્ય તાલુકાઓમાં સામાન્યથી હળવા વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
NDA સંસદીય દળની આજે યોજાશે મહત્વપૂર્ણ બેઠક: PM મોદી કરશે સંબોધન
August 4, 2026 8:46 am
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આજે સવારે 9:30 વાગ્યે NDA સંસદીય દળની બેઠક યોજાવા જઈ રહી છે. ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે NDAની આ બીજી મહત્વપૂર્ણ બેઠક ગણવામાં આવી રહી છે. આ મહત્વની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદસભ્યોને ખાસ સંબોધન કરશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંસદની કામગીરી અને ગૃહમાં આગળની વ્યૂહરચના નક્કી કરવાનો છે. સત્ર દરમિયાન સરકારના આગામી એજન્ડા અને મહત્વના બિલ પસાર કરાવવા અંગે ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવશે.
પરસ્પર સમન્વય અને વિપક્ષનો સામનો
આ બેઠકમાં તમામ સાંસદો (MPs) વચ્ચે પરસ્પર સમન્વય વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત, ગૃહમાં વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા વિવિધ મુદ્દાઓ અને હંગામાનો કેવી રીતે મજબૂતીથી સામનો કરવો તે માટેની રણનીતિ પણ આ બેઠકમાં ઘડવામાં આવશે.
ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના બે કેસ દાખલ
August 4, 2026 8:10 am
ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના બે નવા કેસ સામે આવ્યા છે. કુંભારવાડા વિસ્તારની 40 દિવસની બાળકી અને બોટાદના 8 મહિનાના બાળકને હોસ્પિટલના બાળ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.
છાપીના તેનીવાડા ગામે ત્રણ તલાકનો કિસ્સો, પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
August 4, 2026 7:55 am
બનાસકાંઠાના છાપી પોલીસ મથક હસ્તકના તેનીવાડા ગામે ત્રણ તલાકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સસરાને મહિલા પસંદ ન હોવાના કારણે પતિ તેને ઘરે બોલાવતો ન હતો અને આખરે વોટ્સએપ પર ત્રણ તલાક આપી દીધા હતા. પીડિત મહિલાએ આ અંગે છાપી પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજથી NEET-UG કાઉન્સેલિંગ પ્રક્રિયાનો પ્રારંભ
August 4, 2026 7:24 am
દેશભરમાં મેડિકલ અને ડેન્ટલ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા માટે આજથી NEET-UG કાઉન્સેલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. MBBS સહિતના વિવિધ તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઉમેદવારો નોંધણી કરાવી શકશે.
કાઉન્સેલિંગનો પ્રથમ રાઉન્ડ 17 ઓગસ્ટ સુધી ચાલશે, જ્યારે બીજો રાઉન્ડ 24 ઓગસ્ટથી અને ત્રીજો રાઉન્ડ 10 સપ્ટેમ્બરે યોજાશે. સમગ્ર પ્રવેશ પ્રક્રિયા બાદ 8 સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે.
આસારામની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
August 4, 2026 6:47 am
આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. અગાઉ કોર્ટે એઈમ્સ (AIIMS) ને મેડિકલ બોર્ડ રચવા અને આસારામના સ્વાસ્થ્યની તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો, જેના આધારે આજે મહત્વપૂર્ણ કાર્યવાહી થવાની સંભાવના છે.
24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 3 ઇંચ નોંધાયો
August 4, 2026 6:43 am
સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 3 ઇંચ વરસી ગયો છે. આ ઉપરાંત, નાનાપોંઢા અને ધરમપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 10 તાલુકાઓમાં 2 ઇંચ સુધીનો, જ્યારે 20 તાલુકાઓમાં અડધાથી 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. બાકીના અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

