Ahmedabad: ઘાટલોડિયામાં ફેલાયેલા રોગચાળાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ચિંતિત
Ahmedabad Ghatlodia Health Crisis: અમદાવાદના પોશ ગણાતા ઘાટલોડિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિને લઈને સ્થાનિકોમાં ભારે દહેશતનો માહોલ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ મુદ્દે વ્યક્તિગત રસ લીધો છે અને દિલ્હીથી જ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું છે.
CM ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કરી ફોન પર વાત
ગૃહમંત્રીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદના મેયર સાથે ટેલિફોનિક ચર્ચા કરીને સત્વરે પગલાં લેવા આદેશ આપ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહે ખાસ કરીને પાણી પુરવઠા અને સ્વચ્છતા પર વધુ ભાર મૂકવા માટે તંત્રને તાકીદ કરી છે. આ આદેશના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે.
ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો
હેલ્થ વિભાગ દ્વારા 40 ટીમો બનાવીને વિસ્તારમાં ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પીવાના પાણીની લાઈનો અને અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સફાઈની કામગીરી પણ જોરશોરથી શરૂ કરવામાં આવી છે. જ્યા જરૂર છે ત્યાં ટેન્કર દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે.
Ahmedabad: પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું
આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. તંત્ર દ્વારા લેવાયેલા આ આકરા પગલાં પાછળનો મુખ્ય હેતુ રોગચાળાને ફેલાતો અટકાવવાનો છે. જોકે, સ્થાનિક લોકોમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે શું આ રોગચાળો સમયસર પાણીની પાઈપલાઈનમાં થયેલા ભંગાણને કારણે ફેલાયો છે? હાલમાં AMCની ટીમો પાણીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી રહી છે. આવનારા 48 કલાકમાં સ્થિતિ સ્પષ્ટ થશે કે તંત્રના આ પ્રયાસો કેટલા કારગત સાબિત થાય છે. હાલ તો સમગ્ર વિસ્તારમાં મેડિકલ સ્ટાફ અને કોર્પોરેશનના અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે.
આ પણ વાંચોં: Instagram Reels માં નવું મજેદાર ફીચર આવશે, મોટી કમાણીનો માર્ગ ખુલશે


