સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે સ્થિતિ ગંભીર બની છે. પલસાણામાં 18 ઇંચ વરસાદ સાથે સમગ્ર જિલ્લામાં જનજીવન ખોરવાયું છે. કલેક્ટર તેજસ પરમારે 8 જુલાઈએ તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. 1200થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે અને NDRF-SDRFની ટીમો રાહત કામગીરીમાં જોડાઈ છે.
Surat Rain Holiday: સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી વરસી રહેલા અતિ ભારે વરસાદને કારણે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરત શહેરમાં 13-14 ઇંચ, પલસાણામાં 18 ઇંચ અને કામરેજમાં 16 ઇંચ જેટલો વિક્રમી વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે નાગરિકોને અત્યંત સાવધ રહેવા અપીલ કરી છે.
વહીવટી તંત્રના મહત્વના નિર્ણયો
રજા જાહેર: સુરત જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં આવતીકાલે એટલે કે 8 જુલાઈના રોજ રજા જાહેર કરવામાં આવી છે.
રાહત અને બચાવ કામગીરી: વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 1200થી વધુ અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
ટીમોની તૈનાતી: રાહત કાર્ય માટે NDRFની ટીમ પહેલેથી જ તૈનાત છે, જ્યારે વધારાની મદદ માટે SDRFની વધુ ત્રણ ટીમો સુરત તરફ રવાના થઈ ગઈ છે.
ડેમ અને નદીની સ્થિતિ: કલેક્ટર તેજસ પરમારે સ્પષ્ટતા કરી છે કે હાલ ઉકાઈ ડેમ અને તાપી નદી ભયજનક સપાટીએ નથી, તેથી ગભરાવાની જરૂર નથી.
Surat: કલેક્ટરે નાગરિકોને અપીલ કરી
કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે, "અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળો. નીચાણવાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું જોખમ ન લો. કોઈ પણ કટોકટીના સમયે તાત્કાલિક વહીવટી કંટ્રોલ રૂમનો સંપર્ક કરો."
આ પણ વાંચો: Banaskantha: પૈસા માગતો વીડિયો વાયરલ થયા બાદ તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુજી રાજપૂતે આપ્યું રાજીનામું