Gujarat Latest News : જૂનાગઢમાં અતિભારે વરસાદથી ખેતીને મોટું નુકસાન, પાક બરબાદ થતા ખેડૂતો ચિંતિત
ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
જૂનાગઢ: કેશોદના શહીદ હવાલદાર ભરતકુમાર દયાતરને ભાવભીની શ્રદ્ધાંજલિ
July 8, 2026 11:08 pm
કેશોદના પીખોર ગામના વતની અને વડોદરા ખાતે ભારતીય સેનાની ઈએમઈ (EME) સ્કૂલમાં ફરજ બજાવતા હવાલદાર ભરતકુમાર કરણભાઈ દયાતર ફરજ દરમિયાન હાર્ટ એટેક આવવાથી શહીદ થયા છે. તેમના નિધનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.શહીદ ભરતકુમારના પાર્થિવ દેહને પ્રથમ જૂનાગઢ અને ત્યારબાદ તેમના નિવાસસ્થાન કેશોદ લાવવામાં આવ્યો હતો. આ સમયે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કેશોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કેશોદ સ્મશાન ખાતે યોજાયેલી અંતિમવિધિમાં "ભરતભાઈ અમર રહો" અને "શહીદો અમર રહો"ના નારા સાથે વાતાવરણ ગમગીન બન્યું હતું. પ્રોટોકોલ મુજબ શહીદને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સલામી આપવામાં આવી હતી. આ દુઃખદ પ્રસંગે પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ જોવા મળ્યો હતો.
રાજકોટ: પોલીસને પડકાર ફેંકતો ગુંડાગીરીનો વીડિયો વાયરલ
July 8, 2026 11:06 pm
રાજકોટમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલાક શખ્સો ખુલ્લેઆમ ગુંડાગીરી કરતા નજરે પડી રહ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ વીડિયો તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ વીડિયોમાં દેખાતી ગુંડાગીરી પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થા પર સીધા સવાલ ઉઠાવી રહી છે. રાજકોટના લોકોમાં આ પ્રકારના લુખ્ખા તત્વોની વધતી બેફામ હરકતોને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે રાજકોટ પોલીસ આ વીડિયોની ગંભીરતાને ધ્યાનમાં લઈને સામે આવેલા શખ્સો વિરુદ્ધ કયા પ્રકારના કડક પગલાં લે છે અને આવા તત્વો પર ક્યારે અંકુશ આવશે.
પોરબંદર: ગોસાબારા નજીકથી 30.67 લાખનો ચરસનો જથ્થો ઝડપાયો
July 8, 2026 10:49 pm
પોરબંદરના નવી બંદર પોલીસ દ્વારા કરવામાં આવેલા ફૂટ પેટ્રોલિંગ દરમિયાન નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. ગોસાબારાના લેન્ડિંગ પોઈન્ટ પાસેથી પોલીસને શંકાસ્પદ બિનવારસી હાલતમાં એક થેલો મળી આવ્યો હતો. આ થેલાની તપાસ કરતા તેમાંથી 10 પેકેટમાં કુલ 12 કિલો 270 ગ્રામ ચરસ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 30.67 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આટલી મોટી માત્રામાં ચરસનો જથ્થો કોણ મૂકી ગયું અને કોના દ્વારા આ હેરાફેરી કરવામાં આવી હતી, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
અમરેલી: સિંહના હુમલામાં 21 વર્ષીય યુવકનું મોત, વનવિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલો
July 8, 2026 10:20 pm
અમરેલીના લીલીયા તાલુકાના અંટાળીયા નજીક રેવન્યુ અને રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારની બોર્ડર પર સિંહના હુમલામાં એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. સિંહ-સિંહણના મેટિંગ પિરિયડ દરમિયાન સોહીલ મેમણ (ઉંમર 21 વર્ષ) નામનો યુવક અન્ય યુવકો સાથે સિંહ દર્શન કરવા માટે નજીક પહોંચ્યો હતો, ત્યારે સિંહોએ તેના પર હુમલો કરી તેને દૂર સુધી ઢસડી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો.
પોરબંદર: ગોસાબારા પાસેથી રૂ. 30.67 લાખનું ચરસ ઝડપાયું
July 8, 2026 10:19 pm
પોરબંદરના ગોસાબારા વિસ્તારમાં નવી બંદર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ દરમિયાન નશીલા પદાર્થોનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસને લેન્ડિંગ પોઈન્ટ પાસેથી બિનવારસી હાલતમાં એક થેલો મળી આવ્યો હતો, જેની તપાસ કરતા તેમાંથી 10 પેકેટમાં કુલ 12 કિલો 270 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા આ ચરસની બજાર કિંમત અંદાજે 30.67 લાખ રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધીને આ ચરસનો જથ્થો કોણે અને કયા હેતુથી અહીં મૂક્યો હતો, તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
કચ્છ: મુન્દ્રા-પાણીપત IOCL પાઇપલાઇનમાં ડીઝલ ચોરીનો પ્રયાસ નિષ્ફળ, 7 આરોપી ઝડપાયા
July 8, 2026 10:18 pm
કચ્છના મુન્દ્રા-પાણીપત IOCL પાઇપલાઇનમાં ડીઝલ ચોરીના પ્રયાસનો ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ચુડવા સીમ વિસ્તારમાં પાઇપલાઇન ખોદીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એલાર્મ સિસ્ટમ સક્રિય થતાં જ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસે સીસીટીવી, હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે ગાંધીનગરના સાદરા, પાટણ અને ગાંધીધામમાંથી કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનો કબૂલ્યો છે, અને પોલીસે ઘટનાસ્થળેથી ચોરીમાં વપરાયેલા હથોડી, પાવડા અને ત્રિકમ જેવા સાધનો કબજે કર્યા છે. નોંધનીય છે કે પકડાયેલા કેટલાક આરોપીઓ અગાઉ પાઇપલાઇન ચોરી અને જુગારના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
જૂનાગઢ: અતિભારે વરસાદથી ખેતીને મોટું નુકસાન, પાક બરબાદ થતા ખેડૂતો ચિંતિત
July 8, 2026 9:51 pm
જૂનાગઢ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થયા છે. કેશોદ અને માળિયાહાટીના પંથકમાં 15 થી 20 ઈંચ વરસાદ ખાબકતા શેરગઢ અને ગાંગેચા સહિતના ગામોમાં ખેતીની જમીનનું ધોવાણ થયું છે. ખેતરોમાં પાણી ફરી વળતા વાવેલી મગફળીનો પાક પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે. બિયારણ, દવા અને મજૂરી પાછળ કરેલો ખર્ચ પાણીમાં જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક અસરથી નુકસાનનો સર્વે કરાવી સહાય આપવાની માંગ કરી છે.
સુરત: પાંડેસરામાં ફાયરિંગની ઘટના, આરોપીની શોધખોળ શરૂ
July 8, 2026 9:33 pm
સુરતના પાંડેસરા વિસ્તારમાં આજે ફાયરિંગની ઘટના સામે આવી છે. અવધેશ પાંડે નામના શખ્સે રજનીકાંત ઉર્ફે મોનું જ્ઞાન શંકર શર્માને ડરાવવાના ઈરાદે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંને વચ્ચે અગાઉથી ચાલી આવતી માથાકૂટને કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે ભોગ બનનાર રજનીકાંતની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.
અમદાવાદ: ખાનપુરમાં વિશાળ વૃક્ષ ધરાશાયી, 7 વાહનોને નુકસાન
July 8, 2026 8:57 pm
અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રૂપાલી સિનેમા નજીક આજે એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી. વૃક્ષ પડવાને કારણે ત્યાં પાર્ક કરેલા આશરે 7 વાહનોને નુકસાન પહોંચ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વૃક્ષ કાપીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી.
રથયાત્રાની સુરક્ષા માટે હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં હાઈલેવલ બેઠક
July 8, 2026 8:21 pm
અમદાવાદમાં આગામી રથયાત્રાને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે પોલીસ કમિશનર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા અને અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રથયાત્રા દરમિયાન સુરક્ષાના આગોતરા આયોજન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર: નર્મદા કેનાલના કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં
July 8, 2026 8:13 pm
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના જાંબુ અને લક્ષ્મીસર ગામમાં નર્મદા કેનાલમાંથી પાણી આવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. આ ગામોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અંદાજે 150 વીઘાથી વધુ જમીન જળબંબાકાર થઈ ગઈ છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી કપાસ સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.સ્થાનિક ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પાણીના નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની માંગ કરી છે જેથી તેમનો પાક બચાવી શકાય.
અમદાવાદ: રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને ઉચ્ચસ્તરીય રિવ્યુ બેઠક
July 8, 2026 8:13 pm
અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા અંગે એક મહત્વપૂર્ણ રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં શરૂ થયેલી આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા અને અમદાવાદ પોલીસ કમિશ્નર સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં રથયાત્રા દરમિયાન સુરક્ષાના આગોતરા આયોજન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકારનો માછીમારો માટે મોટો નિર્ણય: ડીઝલ વેટ રાહત યોજનામાં મહત્વના સુધારા
July 8, 2026 7:54 pm
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં માછીમારોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા યાંત્રિક બોટના ડીઝલ પર મળતી વેટ રાહત યોજનામાં રહેલી 20 મીટરની લંબાઈની મર્યાદા દૂર કરવામાં આવી છે. હવે ડીપ-સી સહિતની તમામ યાંત્રિક બોટોને આ યોજનાનો લાભ મળશે. આ નિર્ણયથી રાજ્યની 18,000થી વધુ ફિશિંગ બોટોને પ્રતિ લિટર રૂ. 15 સુધીની વેટ રાહતનો લાભ મળશે. સરકારના આ નિર્ણયથી સમગ્ર રાજ્યના માછીમાર સમાજમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
પોરબંદર: એરપોર્ટ નજીકથી ચરસ-ગાંજા સાથે બે ઝડપાયા
July 8, 2026 7:49 pm
પોરબંદર એરપોર્ટ નજીક આવેલી શિવ રેસિડેન્સીના એક ફ્લેટમાં SOGની ટીમે દરોડો પાડીને નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે નાગાજણ ઉર્ફે નાગો અને કેયુર હીરાણી નામના બે શખ્સોને ચરસ અને સૂકા ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.આ કાર્યવાહીમાં પોલીસે કુલ 56,250 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે કમલાબાગ પોલીસ મથકે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ આ નશાના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે.
વડોદરા: તાંત્રિક વિધિના નામે સગીરા પર દુષ્કર્મ આચરનાર પાખંડી ઝડપાયો
July 8, 2026 7:15 pm
વડોદરામાં તાંત્રિક વિધિના નામે એક સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 17 વર્ષની વિદ્યાર્થિનીનો ગુસ્સો શાંત કરવા માટે તેના માતા-પિતાએ નરેન્દ્ર ભટ્ટ નામના તાંત્રિકનો સહારો લીધો હતો. આ દરમિયાન પાખંડી તાંત્રિકે વિધિના બહાને વિદ્યાર્થિની પર બે વખત દુષ્કર્મ આચર્યું હતું.પીડિતાએ હિંમત દાખવી આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ પોતાના માનેલા ભાઈને જાણ કરતા તાંત્રિકના પાપનો ભાંડાફોડ થયો હતો. આ મામલે પીડિતાની માતાએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નરેન્દ્ર ભટ્ટની ધરપકડ કરી છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પૂર બાદ ડીંડોલીમાં હાલાકી, દૂધ મેળવવા લોકોની પડાપડી
July 8, 2026 7:00 pm
સુરતમાં આવેલા પૂર બાદ હાલત કફોડી બની છે. ડીંડોલી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી દૂધ ન મળવાને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન, દૂધનું વાહન આવતા જ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને દૂધ લેવા માટે પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે લોકો દૂધના વાહનનો દરવાજો ખોલીને વાહન પર ચઢી ગયા હતા, જે પૂર પછીની ગંભીર સ્થિતિને સ્પષ્ટ કરે છે.
સુરત: સીમાડા વિસ્તારમાં હજુ પણ પાણીના નિકાલનો અભાવ
July 8, 2026 6:35 pm
સુરતના સીમાડા વિસ્તારમાં વરસાદ બંધ થયા બાદ પણ પરિસ્થિતિ ગંભીર બનેલી છે. વિસ્તારમાં આવેલી ખાડીના કારણે અનેક સોસાયટીઓમાં પાણી હજુ પણ યથાવત છે. ગઈકાલે જે સોસાયટીઓમાં 6 થી 7 ફૂટ પાણી ભરાયેલા હતા, ત્યાં હાલમાં પણ ઘૂંટણ સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.ખાસ કરીને સ્વામિનારાયણ નગર સોસાયટીમાં પાણી ઘૂસી જતાં લોકોની ઘરવખરી અને કિંમતી ઈલેક્ટ્રિક સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે, વિસ્તારમાં આવી ગંભીર સ્થિતિ હોવા છતાં સ્થાનિક પ્રશાસનની ટીમ હજુ સુધી મદદ માટે પહોંચી નથી, જેને લઈને લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 6 હથિયાર અને 21 કારતૂસ સાથે શખ્સ ઝડપાયો
July 8, 2026 6:03 pm
અમદાવાદમાં રથયાત્રા પહેલા શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગેરકાયદે હથિયારો સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસની પકડમાં આવેલા કરણસિંહ નામના આરોપી પાસેથી કુલ 6 હથિયાર અને 21 કારતૂસ મળી આવ્યા છે, જેની અંદાજિત કિંમત 88,300 રૂપિયા છે.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ગ્વાલિયરથી હથિયારો લાવીને અમદાવાદમાં તેનું વેચાણ કરતો હતો. આરોપી કરણસિંહ સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનમાં 7થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. આ હથિયારોના નેટવર્ક અંગે અને તેણે અત્યાર સુધી કોને-કોને હથિયારો વેચ્યા છે, તે દિશામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, કીમ પાસે એક્સપ્રેસ વેનો સાઇડનો ભાગ ધોવાયો
July 8, 2026 5:53 pm
દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. સુરતના કીમ નજીકથી પસાર થતા એક્સપ્રેસ વેનો સાઇડનો ભાગ ધોવાઈ ગયો છે. એક્સપ્રેસ વે બનીને તૈયાર થયા બાદ પ્રથમ વરસાદમાં જ આ નુકસાન થતા તેની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્થળ પરથી મળતી માહિતી મુજબ, વરસાદના પાણીના પ્રવાહને કારણે એક્સપ્રેસ વેની સાઇડમાંથી સિમેન્ટના પોપડા પણ ઉખડી ગયા છે.
સુરત: NDRFની સરાહનીય કામગીરી, મીઠી ખાડીમાંથી 153 લોકોનું સફળ રેસ્ક્યુ
July 8, 2026 5:32 pm
સુરતમાં ભારે વરસાદ અને ખાડીના પૂર વચ્ચે NDRFની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. મીઠી ખાડી વિસ્તારમાંથી 19 બાળકો, 53 મહિલાઓ અને 71 પુરુષો સહિત કુલ 153 નાગરિકોને NDRFના જવાનોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
પોરબંદર: ભારતીય નૌસેનાનું UAV ક્રેશ, સદનસીબે મોટી જાનહાની ટળી
July 8, 2026 5:10 pm
પોરબંદરમાં આજે ભારતીય નૌસેનાનું અનઆર્મ એરિયલ વેહિકલ (UAV) ક્રેશ થયાની ઘટના સામે આવી છે. ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં આ યુએવી તૂટી પડ્યું હતું.ઘટનાની જાણ થતા જ નૌસેનાના અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. હાલ તંત્ર દ્વારા યુએવી કયા કારણોસર ક્રેશ થયું તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
LEEL ઇલેક્ટ્રિકલ્સ કેસ: ED દ્વારા રૂ. 112.90 કરોડની મિલકતો જપ્ત
July 8, 2026 4:53 pm
LEEL ઇલેક્ટ્રિકલ્સ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDની જયપુર ઝોનલ ઓફિસ દ્વારા પ્રમોટર ભારત રાજ પુન્જ અને અન્ય સામે PMLA હેઠળ કાર્યવાહી કરીને ગુજરાત, દિલ્હી સહિત 8 રાજ્યોમાં ફેલાયેલી 22 જંગમ અને સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમેરિકાના ટેક્સાસમાં આવેલું ઘર અને બેંક ખાતામાં રહેલા રોકાણો પણ અટેચ કરાયા છે.CBIની FIRના આધારે તપાસ શરૂ કરાયા બાદ ખુલાસો થયો હતો કે ખોટા નાણાકીય હિસાબો દર્શાવી SBI અને IDBI બેંક સાથે રૂ. 376 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી અને વિદેશી કંપનીઓ મારફતે નાણાં ડાયવર્ટ કરાયા હતા. આ કેસમાં ED દ્વારા વધુ તપાસ ચાલુ છે.
સુરત: ગોડાદરા-પર્વત પાટિયા મુખ્ય માર્ગ ખાડીપૂરના પાણીમાં ગરકાવ
July 8, 2026 4:50 pm
સુરતના ગોડાદરા અને પર્વત પાટિયાને જોડતો મુખ્ય માર્ગ ખાડીના પાણી ભરાઈ જવાને કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. માર્ગ પર ગળાડૂબ પાણી ભરાઈ રહેતા વાહન વ્યવહાર અને સ્થાનિક ધંધા-રોજગાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયા છે.સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં પણ ખાડીના પાણી ઓસર્યા ન હોવાથી લોકોની હાલાકીમાં વધારો થયો છે. પાણી ભરાવાને કારણે અવરજવર માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી: 9.800 કિલો ગાંજા સાથે બે ઝડપાયા
July 8, 2026 4:36 pm
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે નરોડા વિસ્તારમાંથી 9.800 કિલો ગાંજા સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ ગાંજાની અંદાજિત કિંમત 4 લાખ રૂપિયા છે, જ્યારે અન્ય મુદ્દામાલ મળીને કુલ 5.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પ્રાથમિક તપાસમાં આ જથ્થો સપ્લાય માટે લાવવામાં આવ્યો હોવાનું અને મોહસીન નામના શખ્સે કામ સોંપ્યું હોવાનું સામે આવ્યું છે. આ નેટવર્કમાં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કનેક્શનની તપાસ શરૂ કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. રથયાત્રા પહેલા શહેરભરમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ છે.
નવસારીમાં ભારે વરસાદને પગલે કાશીવાડી વિસ્તારમાં પૂરના પાણી ઘૂસ્યા
July 8, 2026 4:03 pm
નવસારીમાં ગત રોજ નોંધાયેલા 16 ઇંચ વરસાદને કારણે પૂર્ણા નદીની સપાટી ભયજનક સપાટી એવા 27 ફૂટ પર પહોંચી ગઈ છે, જેના પરિણામે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને કાશીવાડી વિસ્તારના આશરે 500 ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.સ્થાનિકોમાં વહીવટીતંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મદદ ન મળવાને કારણે અને વર્ષો જૂની આ સમસ્યાનું કોઈ કાયમી સમાધાન ન આવતા લોકોએ તંત્ર સામે પોતાની હૈયાવરાળ ઠાલવી ગંભીર સવાલો ઉઠાવ્યા છે. હાલ આ વિસ્તારમાં સ્થિતિ ગંભીર બનેલી છે.
પાવાગઢમાં રાત્રિ દરમિયાન પગપાળા યાત્રા પર પ્રતિબંધ
July 8, 2026 3:28 pm
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદ અને પહાડ પરથી પથ્થર પડવાની શક્યતાઓને પગલે સુરક્ષાના હેતુથી પાવાગઢમાં રાત્રિ દરમિયાન પગપાળા યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ જાહેરનામું આગામી 6 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે, જેમાં દરરોજ રાત્રે 10:00 થી સવારે 4:00 વાગ્યા સુધી પગપાળા માર્ગ બંધ રહેશે. વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ માત્ર પગપાળા યાત્રા માટે જ છે, જ્યારે રોપ-વે સહિતની અન્ય સુવિધાઓ નિયમ મુજબ કાર્યરત રહેશે.
સુરત ડીંડોલી પોલીસ મથકના પીઆઇ સહિત સ્ટાફની માનવતાભરી કામગીરી
July 8, 2026 3:05 pm
ખાડીપુર માં ફસાયેલા આશરે 200 થી વધુ લોકોનું રેસ્ક્યુ. બાળકને પોતાના ખંભે ઉપાડી પીઆઇ રેલવે ટ્રેક થી તમામને સુરક્ષિત સ્થાને લઈ ગયા, તમામ અસરગ્રસ્તોને પાલિકાની સુમન શાળામાં ખસેડવામાં આવ્યા. ખાડીપુર ના પાણી વચ્ચે સુરતા પોલીસની ઉમદા કામગીરી. પીઆઇ ખડપગે સેવા અને ફરજ બજાવતા જોવા મળ્યા.
પોલીસમાં ભરતીને લઇ મોટી જાહેરાત
July 8, 2026 2:47 pm
પોલીસ વિભાગમાં 50 હજાર જગ્યાઓ પર ભરતી કરાશે, 2033માં નવા 50 હજાર પોલીસકર્મીની ભરતી થશે, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ કરી જાહેરાત.
વલસાડના મધુબન ડેમના 8 દરવાજા ખોલાયા
July 8, 2026 2:43 pm
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે ડેમના 10 પૈકી 8 દરવાજા 4 મીટર સુધી ખોલીને તબક્કાવાર 1,24,764 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડ્યું છે. ડેમની જળસપાટી 73.40 મીટર પર પહોંચી છે.પૂર્ણા બાદ હવે નવસારીના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ગાંડીતુર બની છે. ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર છે.
Headline 03 PM : દેશ વિદેશ અને ગુજરાતના સમાચાર વાંચો
July 8, 2026 2:38 pm
02 - Junagadh : વરસાદે વિરામ લીધો પણ તંત્રની નિષ્ક્રિયતા યથાવત, રસ્તામાં પડ્યા જોખમી ભૂવા
06 - Maharashtra heavy rain: મુંબઈમાં સતત વરસાદ, તુલસી અને વિહાર ઝીલ થઈ ઓવરફ્લો
07 - Petrol- Diesel Price Today: ઈંધણના ભાવમાં શું સ્થિતિ છે? આજે 8 જુલાઈના પેટ્રોલ-ડીઝલના નવા રેટ તપાસો
09 - Asia Cup 2027: એશિયા કપ 2027 ની તૈયારીઓ શરૂ, બાંગ્લાદેશ બની શકે છે યજમાન!
આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દક્ષિણ ગુજરાત જશે
July 8, 2026 2:29 pm
સુરત અને વલસાડની મુલાકાત લેશે મુખ્યમંત્રી, અસરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રી મુલાકાત લેશે, પ્રભારી મંત્રીઓને વિસ્તારમાં જવા માટે અપાઇ સૂચના, રાજ્યમાં 11 લોકોના મોત નીપજ્યાં, કેબિનેટ બેઠકમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી, કેબિનેટ બેઠકમાં વરસાદની સ્થિતિને લઇ સમીક્ષા કરાઇ
વરસાદ ન પડ્યા હોય ત્યાંની સ્થિતિ અંગે વિગતો મેળવાઇ. રાહત અને બચાવ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી.
ગામમાં વર્દી પહેરીને જશો તો વટ પડી જશે : હર્ષભાઇ સંઘવી
July 8, 2026 2:11 pm
નાયબ મુખ્યમંત્રીએ પીએસઆઈઓને ટકોર કરી હતી અને કહ્યું કે, વટ પાડવામાં જમીન સાથે જોડાયેલા રહેવાનું છે અને લોકોના સંપર્કમાં રહેશો તેટલા પોલીસના સોર્સ મજબૂત થશે. સરકારી નોકરી મેળવવી એ એક સપનું હોય છે અને અમુક લોકો સરકારી નોકરી તરીકે લેતા હોય છે. અમુક લોકો કઈ રીતે સામાન્ય નાગરિક ને મદદરૂપ બની શકું તે સંદર્ભે લેતા હોય છે. જેમને રાજ્યના નાગરિકોના હિતમાં કામ કરવું છે તેમને બદલાવ લાવવાનો અવસર પ્રાપ્ત થશે અને સમાજ જીવનમાં જે અડચણ આવે ત્યારે સૌથી પહેલી ફોર્સ પહોંચે તે પોલીસ છે.
સુરતના વરસાદમાં પોલીસની સરાહનીય કામગીરી : હર્ષભાઇ સંઘવી
July 8, 2026 2:11 pm
પોલીસની કામગીરીની નાયબ મુખ્યમંત્રીએ કર્યા વખાણ અને કહ્યું કે, ગઇકાલે સુરતમાં ધોધમાર વરસાદ હતો તેમાં પોલીસે પાણીમાં ઉતરીને લોકોને બચાવ્યા છે. પોલીસે ખભા પર લોકોને બેસાડીને લોકોને બચાવ્યા અને આપદાના સમયમાં પોલીસની કોઇ શિફ્ટ ના હોય, પોલીસની જોબ કોઈ કોર્પોરેટ જોબ નથી એટલે ટાઈમ ટુ ટાઈમ જોબ ના હોય પોલીસમાં લાગ્યા પછી, વધુમાં હર્ષભાઈએ જણાવ્યું કે, ઘણી ચેલેન્જ સાથે જોડાયેલી છે પોલીસની નોકરીમાં અને આપણે જમીનથી પર નીચે રહીને કામ કરવાનું છે.
Gujarat Police : નવનિયુક્ત PSI ને Dycm હર્ષભાઈ સંઘવીની ટકોર, વર્દીનો વટ જાળવવા જમીન સાથે જોડાયેલા રહો
July 8, 2026 2:11 pm
ગાંધીનગરમાં આજે નવનિયુક્ત PSIને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા છે, 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા. ગાંધીનગરના NFSU ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. નિમણૂંક પત્રો એનાયત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ PSIને કરી ટકોર અને કહ્યું કે, કાયદો તોડે તેની શું હાલત કરવી તે ખબર હોવી જોઇએ અને લાંચિયા અધિકારીઓને ગંગાજળ પીવડાવ્યું હોય તો તે CM ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તો વધુમાં હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતુ કે, ગંગાજળ આપણા સુધી ન પહોંચે, જવાબદારી તમારી છે.
એક તરફનો રસ્તો ખુલ્લો કરાયો
July 8, 2026 1:54 pm
અચાનક રસ્તા વચ્ચે પડેલા આ ઊંડા ભુવાને કારણે મોટી દુર્ઘટના સર્જાતા સદનસીબે ટળી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે તુરંત જ ત્યાં બેરીકેટ લગાવી દીધા હતા જેથી કરીને કોઈ અજાણ્યો વાહનચાલક તેમાં ખાબકે નહીં. હાલમાં ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે એક તરફનો રસ્તો ખુલ્લો કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી યાત્રિકોને મુશ્કેલી ન પડે.
Junagadh : વરસાદે વિરામ લીધો પણ તંત્રની નિષ્ક્રિયતા યથાવત, રસ્તામાં પડ્યા જોખમી ભૂવા
July 8, 2026 1:54 pm
Junagadh શહેરમાં માર્ગોની દુર્દશા અને તેમાં પણ ખાસ કરીને મધ્ય ભાગમાં પડતા ભુવાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા બે દિવસથી મેઘરાજાએ શહેર પરથી પોતાની કૃપા દ્રષ્ટિ હટાવી વિરામ લીધો છે, તેમ છતાં રસ્તાઓની હાલત દિન-પ્રતિદિન કફોડી બની રહી છે. તાજેતરમાં મજેવડી દરવાજાથી ગિરનાર તળેટી તરફ જતા મુખ્ય માર્ગ પર એક મસમોટો ભુવો (ગાબડું) પડતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભવનાથ તરફ જતો આ માર્ગ અત્યંત વ્યસ્ત રહેતો હોય છે, જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપરાંત ગિરનારના યાત્રિકો અને પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે.
ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના આકાશી દ્રશ્યો
July 8, 2026 1:37 pm
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીનું જળસ્તર વધી રહ્યું છે. અંબિકા નદી હાલ ભાઈ જનક સપાટીથી ચાર ફૂટ નીચે રહી રહી છે. અંબિકા નદીના જળસ્તર વધતા અહલાદક નજારો જોવા મળ્યો. એક તરફ અંબિકા નદીનું રૌદ્ર રૂપ છે તો બીજી તરફ આકાશમાંથી અંબિકાની સુંદરતા. અંબિકા નદીના જળસ્તર વધતા બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારના લોકોને સચેત રહેવા પાલિકા તંત્રની અપીલ.
ગાંધીનગરમાં PSIને નિમણૂક પત્રો એનાયત, પોલીસ સેવાનો અર્થ સામાન્ય નાગરિકની મદદ'- હર્ષભાઇ સંઘવી
July 8, 2026 1:31 pm
ગાંધીનગર સ્થિત NFSU ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં 449 બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને (PSI) સત્તાવાર રીતે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ અવસરે નવા નિયુક્ત ઉમેદવારોને પોલીસ પરિવારમાં આવકારતા હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, સરકારી નોકરી મેળવવી એ એક સપનું હોય છે, પરંતુ આ માત્ર એક નોકરી નથી. તેમણે ઉમેર્યું કે, જે લોકો સામાન્ય નાગરિકોને મદદરૂપ થવા અને રાજ્યના હિતમાં કામ કરવા માંગે છે, તેમના માટે આ બદલાવ લાવવાની ઉત્તમ તક છે. સમાજ જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી કે અડચણ આવે છે, ત્યારે સૌથી પહેલા પહોંચનારી ફોર્સ પોલીસ જ હોય છે.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓરસંગ નદી ગાંડીતુર બનતા સિઝનમાં પ્રથમવાર તેના નવા નીર ચાંદોદ ખાતે પવિત્ર નર્મદા નદીમાં ભળ્યા છે. સંખેડા-ઈચ્છનદીના પાણીની આવકથી નર્મદાના જળસ્તરમાં મોટો વધારો થયો છે. આ મનમોહક નઝારો જોવા અને પવિત્ર સ્નાન માટે ચાંદોદના ઘાટ પર હજારો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે.
સુરતમાં ખાડી પૂરનો કહેર: નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, તંત્રની ઘોર બેદરકારી
July 8, 2026 1:27 pm
સુરત શહેરમાં ખાડી પૂરના કારણે પરિસ્થિતિ હજુ પણ અત્યંત વિકટ બનેલી છે. ખાડી ઓવરફ્લો થવાને કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયેલા છે, જેના લીધે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. સ્થાનિક રહીશો છેલ્લા ૨૪ કલાકથી પોતાના ઘરોમાં કેદ છે અને તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યંત કપરી સ્થિતિ વચ્ચે પણ લોકોને કેડસમા પાણીમાંથી પસાર થવાની નોબત આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની રાહત કે મદદ પહોંચાડવામાં આવી નથી.
સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી ગાંડીતુર: નર્મદાનું પ્રભાવશાળી સ્વરૂપ જોવા ઉમટી ભીડ
July 8, 2026 1:25 pm
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓરસંગ નદી ગાંડીતુર બનતા સિઝનમાં પ્રથમવાર તેના નવા નીર ચાંદોદ ખાતે પવિત્ર નર્મદા નદીમાં ભળ્યા છે. સંખેડા-ઈચ્છનદીના પાણીની આવકથી નર્મદાના જળસ્તરમાં મોટો વધારો થયો છે. આ મનમોહક નઝારો જોવા અને પવિત્ર સ્નાન માટે ચાંદોદના ઘાટ પર હજારો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે.
સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો
July 8, 2026 12:48 pm
મંદિર ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રસ્ટીઓનું માનવું છે કે આવી પ્રાચીન પરંપરાઓનું જતન કરવું એ આપણી ફરજ છે. બે મંદિરો દ્વારા અલગ-અલગ મામેરા કરવા પાછળનો હેતુ પરંપરાને જીવંત રાખવાનો અને ભક્તોની શ્રદ્ધાને વધુ દ્રઢ કરવાનો છે. સરસપુરના નાગરિકો માટે આ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ એક ભાવનાત્મક પ્રસંગ છે, જેમાં દરેક પરિવાર એક સભ્યની જેમ જોડાઈને ભગવાનનું આતિથ્ય કરશે. મંદિર ટ્રસ્ટે તમામ ભાવિકોને આ સાંસ્કૃતિક વારસાના જતનમાં સહભાગી થવા અને કાર્યક્રમમાં જોડાવા ભાવભીનું આમંત્રણ આપ્યું છે.
પરંપરા અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે સર્વેને સહયોગની અપીલ
July 8, 2026 12:48 pm
સરસપુરના નાગરિકો અને ભાવિકોને કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર મંદિર ટ્રસ્ટે ભાર મૂકયો છે. મામેરા પ્રસંગે સંતો-મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિ રહેશે અને ભાવિકો માટે દર્શન અને મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા કરાશે. રથયાત્રાના ઈતિહાસમાં પ્રથમવાર એવું બનશે કે ભગવાન જગન્નાથજી માટે બે મામેરા કરવામાં આવશે. સરસપુરના નવા અને જૂના બંને રણછોડરાયજી મંદિરો દ્વારા ભગવાનનું મામેરું કરવામાં આવશે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
Ahmedabad Jagannath Rathyatra 2026 : ઐતિહાસિક પુનરાગમન, 25 વર્ષ બાદ સરસપુરના જૂના રણછોડરાયજી મંદિરે ફરી શરૂ થશે મામેરાની પરંપરા
July 8, 2026 12:47 pm
અમદાવાદમાં 149મી શ્રી જગન્નાથજી રથયાત્રામાં આ વર્ષે યોજાશે બે મામેરા, નવું અને જૂનું રણછોડરાયજી મંદિર બંને કરશે મામેરું અને યજમાન દ્વારા કરવામાં આવેલ મમરા બાદ મંદિરનું થશે અલગ મામેરું.25 વર્ષ બાદ ફરી શરૂ થસે સરસપુરના જૂના રણછોડ રાય મંદિરની મામેરાની પ્રથા અને 11 અને 12 જુલાઈએ ઐતિહાસિક મામેરા પરંપરાના દર્શનનું આયોજન ભકતો માટે કરવામાં આવ્યું છે. ભગવાનને ચાંદીની વાંસળી, સુદર્શન ચક્ર, હળ મામેરામાં અર્પણ કરાશે અને સુભદ્રાજીને સોનાચાંદીના આભૂષણ અને શૃંગાળ મામેરામાં કરવામાં આવશે, 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીના સરસપુર આગમન પ્રસંગે મહાપ્રસાદનું આયોજન.
પોલીસે બાતમીના આધારે ઝડપ્યો દારૂ
July 8, 2026 12:30 pm
તપાસ દરમિયાન પોલીસ પણ દંગ રહી ગઈ હતી, કારણ કે આ દંપતીએ પોલીસને થાપ આપવા માટે કારની અંદર ખૂબ જ વ્યવસ્થિત રીતે 'ચોરખાના' બનાવ્યા હતા. કારના દરેક ખૂણે અને સીટોની આસપાસ ગુપ્ત ખાનાઓ બનાવી તેમાં વિદેશી દારૂની 108 બોટલો ખૂબ જ હોશિયારીથી સંતાડવામાં આવી હતી. પોલીસની ટીમે એક પછી એક ખાના ખોલાવીને આ છુપાયેલો દારૂ બહાર કાઢ્યો હતો.
Jamnagar : દારૂનું અનોખું નેટવર્ક, કારમાં ગુપ્ત ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતું દંપતી ઝડપાયું
July 8, 2026 12:30 pm
જામનગરમાં સિટી 'એ' ડિવિઝન પોલીસે દારૂના જથ્થા સાથે દંપતીને ઝડપી પાડયું છે. મહાપ્રભુજી બેઠક નજીકથી કારમાં દારૂના જથ્થા સાથે દંપતી ઝડપાયું છે અને કારના ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂની 108 બોટલો છૂપાવી હતી. વિનોદ દામા અને પત્ની પ્રિયાબેન દામાની પોલીસે ધરપકડ કરી છે.
હત્યા કરી આરોપીઓ ફરાર થયા
July 8, 2026 12:04 pm
આ સામાન્ય લાગતો વિવાદ થોડી જ વારમાં એટલો ઉગ્ર બન્યો કે સામેવાળા શખ્સોએ હિંસક વલણ અપનાવ્યું હતું. આરોપીઓએ એકાએક અબ્દુલાભાઈની રિક્ષા ઉભી રખાવી હતી અને તેમની પર લોખંડના પાઈપ વડે આડેધડ હુમલો કર્યો હતો. લોખંડના પાઈપના ઘા એટલા ગંભીર હતા કે અબ્દુલાભાઈને બચવાની કોઈ તક ન મળી અને ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આટલી ક્રૂરતા આચર્યા બાદ બંને આરોપીઓ તુરંત જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું.
Kutch ના મુન્દ્રામાં ગાડી રોકવા બાબતે થયેલા વિવાદમાં વૃદ્ધની કરપીણ હત્યા, પોલીસની ટીમ આરોપીને શોધવા કામે લાગી
July 8, 2026 12:04 pm
Kutch ના મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વૃદ્ધની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ અબ્દુલા હુસેન પઠાણ તરીકે થઈ છે.
વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર
July 8, 2026 11:31 am
01 - Junagadh : વિસાવદરમાં સહકારી મંડળીના 'ખેલ', બોગસ સભ્યો બનાવી લાખોના ગોટાળાનો આક્ષેપ!
02 - Tapi Rain : મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ,38 માર્ગો બંધ થતા ગ્રામીણ જનજીવન પ્રભાવિત
07 - Petrol- Diesel Price Today: ઈંધણના ભાવમાં શું સ્થિતિ છે? આજે 8 જુલાઈના પેટ્રોલ-ડીઝલના નવા રેટ તપાસો
09 - Asia Cup 2027: એશિયા કપ 2027 ની તૈયારીઓ શરૂ, બાંગ્લાદેશ બની શકે છે યજમાન!
ખેડૂતોએ આંદોલનની ઉચ્ચારી ચિમકી
July 8, 2026 11:22 am
સહકારી મંડળીઓ ખેડૂતોના ઉત્થાન માટે બનાવવામાં આવી હોય છે, પરંતુ જ્યારે તેમાં જ ભ્રષ્ટાચારના આક્ષેપો લાગે ત્યારે તે ગંભીર બાબત ગણાય છે. હાલ સમગ્ર પંથકમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ હવે આ અરજીના આધારે તપાસ શરૂ કરશે કે શું ખરેખર મંડળીમાં બોગસ સભ્યો બનાવીને સરકારી કે સંસ્થાકીય લાભો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય તપાસ નહીં થાય તો તેઓ આંદોલનના માર્ગે પણ આગળ વધશે.
વિસાવદરમાં સહકારી મંડળીના 'ખેલ', બોગસ સભ્યો બનાવી લાખોના ગોટાળાનો આક્ષેપ!
July 8, 2026 11:21 am
Junagadh : વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં આવેલી સહકારી મંડળી હાલ ભારે વિવાદમાં સપડાઈ છે. સ્થાનિક ખેડૂતોએ મંડળીના સંચાલકો સામે ગંભીર પ્રકારના ગોટાળાના આક્ષેપો કર્યા છે. ખેડૂતોના મતે, મંડળીમાં મોટી સંખ્યામાં 'બોગસ સભ્યો' બનાવવામાં આવ્યા છે. જેની પાછળ કોઈ મોટું આર્થિક કૌભાંડ હોવાની શંકા સેવાઈ રહી છે.
જુનાગઢમાં ભારે વરસાદ બાદ ખેડૂતો મુશ્કેલીમાં
July 8, 2026 10:58 am
કેશોદમાં ખેડૂતોમાં પાણી ભરાતા પાકને નુકસાન, ખેતરો તળાવ બન્યા હોય તેવી સ્થિતિ, કેશોદ પંથકના ખેતરોના આકાશી દ્રશ્યો આવ્યા સામે, ખેતરોમાં પાણી નીકળી ન શકતા ભારે નુકસાનની ભીતિ. કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાન થવાની સંભાવના.
આગામી 3 કલાકને લઈને નાઉકાસ્ટ બુલેટિંગ
July 8, 2026 10:36 am
1 વાગ્યા સુધી રાજ્યના એક પણ જિલ્લા રેડ એલર્ટ નહીં, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર દરિયા કાંઠે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, સુરત, તાપી,વલસાડ,નવસારી, નર્મદા,ભરૂચ જિલ્લા ઓરેન્જ એલર્ટ. અમદાવાદ,મહેસાણા, પાટણ,ગાંધીનગર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ
રાજકોટ,જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર,અમરેલી ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું.
ઉધના-લાલીમા વિસ્તારમાં જળસંકટ
July 8, 2026 10:33 am
હોડીઓ અને અન્ય સાધનોની મદદથી અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સામાજિક સંસ્થાઓ પણ ખોરાક અને પીવાના પાણીની વ્યવસ્થા કરી માનવતા દાખવી રહી છે. વરસાદી પાણી અને ખાડીપુરની આ સમસ્યા દર વર્ષે સુરતવાસીઓ માટે માથાનો દુખાવો સાબિત થાય છે. વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે પંપિંગ સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે, પરંતુ પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી તેને ઓસરતા હજુ સમય લાગી શકે તેમ છે.
સુરતમાં લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે
July 8, 2026 10:33 am
ઘરની બહાર નીકળવું પણ જોખમી બન્યું છે, તેમ છતાં રોજિંદી જરૂરિયાતો માટે લોકો કમર સુધીના પાણીમાં ચાલીને પસાર થવા મજબૂર બન્યા છે. જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત વચ્ચે લોકોની દયનીય હાલત જોવા મળી રહી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સતત કાર્યરત છે. ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે.
ઉધના-લાલીમા વિસ્તારમાં જળસંકટ, ઘરોમાં કેદ થયા લોકો, કમર સુધીના પાણીમાં અવરજવર કરવા મજબૂર બન્યા સ્થાનિકો
July 8, 2026 10:32 am
Surat : સુરતમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા તોફાની વરસાદે આજે થોડો વિરામ લીધો છે, જેને કારણે સુરતીઓએ થોડો હાશકારો અનુભવ્યો છે. જોકે, આ રાહત હજુ અપૂર્ણ છે, કારણ કે શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી અને ખાડીપુરના પાણીના ભરાવાને કારણે સ્થિતિ ગંભીર બનેલી છે.
પશુપાલકો અને સ્થાનિક રહીશોમાં પણ આનંદની લાગણી
July 8, 2026 10:02 am
ગઈકાલે રાત્રે વરસેલા અનરાધાર વરસાદને પગલે નદીના વહેણમાં વેગ આવ્યો હતો અને પાણીની આવક સતત ચાલુ રહી હતી. નદીમાં પાણી આવતા જ આસપાસના ગામડાઓના લોકો પણ નજારો જોવા માટે નદી કિનારે ઉમટી પડ્યા હતા. અરવલ્લી જિલ્લામાં ચોમાસાનું ચિત્ર અત્યારે ખૂબ જ આહલાદક બની ગયું છે. ખેતરો હરિયાળા દેખાઈ રહ્યા છે અને જળ સ્ત્રોતો જીવંત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
વહીવટી તંત્ર પણ નદીના જળસ્તર પર નજર રાખી રહ્યું છે.
ચેકડેમ છલકાવાથી સ્થાનિક ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
July 8, 2026 10:02 am
ચોમાસાની શરૂઆતમાં જ નદીમાં પાણીની આવક થવી તે ખેતી માટે અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. નદીના જળસ્તરમાં વધારો થતા ભૂગર્ભ જળ પણ રિચાર્જ થશે, જે આવનારા સમયમાં પિયતની સમસ્યાઓ હળવી કરવામાં મોટી મદદરૂપ સાબિત થશે. ખેડૂતોનું માનવું છે કે જો વરસાદનું આ પ્રમાણ જળવાઈ રહેશે, તો આ વર્ષે પાકનું ઉત્પાદન ખૂબ સારું રહેશે.
Arvalli માં મેઘમહેર, માઝુમ નદીમાં નવા નીરની આવક થતા ચેકડેમ છલકાયા
July 8, 2026 10:01 am
Arvalli જિલ્લામાં મેઘરાજાની મહેરબાનીથી ચોમાસાનો માહોલ પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે. જિલ્લાના રેલ્લાવાડા વિસ્તારમાં આવેલી માઝુમ નદીમાં નવા નીરની આવક થતા સમગ્ર પંથકમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું છે.
નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની જળ સપાટી 24.5 ફૂટ પર સ્થિર
July 8, 2026 9:48 am
પૂર્ણા નદીની બાજુમાં આવેલા વિસ્તારોમાં હજુ પાણી યથાવત, શહેરના ગધેવાન વિસ્તારમાં પૂરના પાણી યથાવત, 3 ફૂટ જેટલા પાણી મચ્છી માર્કેટ વિસ્તારમાં ભરાતા વ્યાપાર ખોરવાયો, આ વિસ્તારમાંથી મોડી રાત્રે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતાં, વિસ્તારમાં રહેતા 200થી વધુ પરિવારો થયા પ્રભાવિત, અનેક દુકાનોમાં પણ પાણી યથાવત.
નવસારી–મરોલ રેલવે સેક્શન વચ્ચે પાણી ભરાવાને કારણે રાજકોટ ડિવિઝનની નીચેની ટ્રેનો પ્રભાવિત થઈ છે
July 8, 2026 9:32 am
01-ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ (08.07.2026 ના રોજ ઉપડનારી) રદ રહેશે.
02-ટ્રેન નંબર 19252 ઓખા–વેરાવળ એક્સપ્રેસ (08.07.2026 ના રોજ ઉપડનારી) રદ રહેશે.
03-ટ્રેન નંબર 19251 વેરાવળ–ઓખા એક્સપ્રેસ (09.07.2026 ના રોજ ઉપડનારી) રદ રહેશે.
04- ટ્રેન નંબર 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ (10.07.2026 ના રોજ ઉપડનારી) રદ રહેશે
સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો
July 8, 2026 9:32 am
01-ટ્રેન નં. 20907 દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ: 08-07-2026) રદ રહેશે.
02-ટ્રેન નં. 12934 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ: 08-07-2026) રદ રહેશે અને ટ્રેન નં. 12933 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ: 08-07-2026) રદ રહેશે.
03-ટ્રેન નં. 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ:08-07-2026) રદ રહેશે અને ટ્રેન નં.12931 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી ડબલ ડેકર એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ: 08-07-2026) રદ રહેશે.
04ટ્રેન નં. 82902 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ: 08-07-2026) રદ કરવામાં આવશે અને ટ્રેન નં. 82902 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ: 08-07-2026) રદ કરવામાં આવશે.
05-ટ્રેન નં. 22926 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ: 08-07-2026) રદ કરવામાં આવશે અને ટ્રેન નં.22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ: 08-07-2026) રદ કરવામાં આવશે.
Train Cancelled : રેલવે ટ્રેક પર જળ ભરાવો થતા પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનો રદ મુસાફરોની મુશ્કેલીમાં વધારો
July 8, 2026 9:31 am
પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના નવસારી-મરોલી સેક્શનમાં ટ્રેકના ઉપર પાણી ભરાઈ જવાથી રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. સલામતીના કારણોસર તંત્ર દ્વારા અનેક લાંબા અંતરની ટ્રેનોને રદ કરવામાં આવી છે અથવા તો તેમના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટ્રેન નં. 20908 ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ:07-07-2026) ને ગાંધીધામ સ્ટેશન પર ટૂંકા ગાળા માટે બંધ કરવામાં આવી છે અને તે ગાંધીધામ અને દાદર વચ્ચે રદ રહેશે.
યોગેશ પટેલના નિધન બાદ બેઠક ખાલી પડી છે
July 8, 2026 9:06 am
ધારાસભ્ય યોગેશ પટેલ વડોદરાના રાજકારણમાં એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા હતા, જેમણે લાંબા સમય સુધી રાવપુરાની જનતાની સેવા કરી અને માંજલપુર સહિત સમગ્ર વડોદરાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. માંજલપુરની આ બેઠક પર તેઓ છેલ્લા 3 ટર્મથી ચૂંટાઈ આવતા હતા. તેઓ કુલ 8 વખત ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતુ. માંજલપુર વિધાનસભા બેઠક માટે 30 જુલાઇએ મતદાન અને 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરવામાં આવશે. આ સાથે જ માંજલપુર બેઠકની પેટા ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.
ભાજપનું મિશન વડોદરા માંજલપુર
July 8, 2026 9:05 am
વડોદરાની હાઈપ્રોફાઈલ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠકની આગામી પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા આ જવાબદારી રાજ્યના વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ મંત્રી પૂર્ણેશભાઈ મોદી, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત તેમજ પ્રદેશ અગ્રણી સીતાબેન નાયકને સોંપવામાં આવી છે. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડવા માટે અનેક સ્થાનિક નેતાઓએ ઉત્સુકતા દર્શાવી છે. માંજલપુર બેઠક પરંપરાગત રીતે ભાજપનો ગઢ ગણાય છે, જેથી આ બેઠક પર ટિકિટ મેળવવા માટે સ્થાનિક સ્તરે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.
Vadodara : માંજલપુર બેઠક પર ભાજપમાં ભારે ઉત્તેજના, ધારાસભ્યની બેઠકને લઈ 105 દાવેદારો સાથે સેન્સ પ્રક્રિયા પૂર્ણ
July 8, 2026 9:05 am
માંજલપુર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ધારાસભ્યની બેઠક માટે કુલ 105 કાર્યકરોએ દાવેદારી નોંધાવી હતી, 96 કાર્યકરોએ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ રૂબરૂ રજૂઆત કરી. અને પ્રદેશ નિરીક્ષકોએ કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક યોજી હતી.
સ્થાનિક રહીશોના મતે આ કોઈ નવી વાત નથી
July 8, 2026 8:49 am
દર વર્ષે ચોમાસા દરમિયાન આ ગરનાળું સ્થાનિકો માટે 'આફતનું ઘર' બની જાય છે. વરસાદ પડે કે તરત જ અહીં પાણી ભરાઈ જાય છે અને તે ઉતરતા અનેક કલાકો કે દિવસો નીકળી જાય છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા દર વર્ષે કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. ગરનાળાની ડ્રેનેજ સિસ્ટમ અને પંપિંગ સુવિધા ક્યાંક ને ક્યાંક વામણી પુરવાર થઈ રહી છે, જેના ભોગ વર્ષોથી સ્થાનિકો બની રહ્યા છે. કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ જુઓ આ સ્થિતિ, તમને લાગે કે આ સમસ્યા દૂર થવી જોઈએ તો ઝડપથી દૂર કરો અને લોકોને રાહત આપો તે જરૂરી બન્યું છે.
આ ગરનાળું સ્થાનિકો માટે અવરજવરનો મુખ્ય માર્ગ છે
July 8, 2026 8:49 am
પરંતુ પાણી ભરાઈ જવાના કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામે, શાળાએ જતા વિદ્યાર્થીઓ, નોકરીએ જતા કર્મચારીઓ અને સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરનાળું બંધ હોવાથી લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે 1 કિલોમીટરથી પણ વધુનો લાંબો ફેરો ફરીને જવું પડે છે. કામના સમયે લોકોનો કિંમતી સમય આ લાંબા રસ્તાઓને કારણે બગડી રહ્યો છે.
Ahmedabad : ચાંદલોડિયા ગરનાળામાં હજુ પણ પાણીનો ભરાવો, કોર્પોરેશન જાણે છે તેમ છત્તા કામગીરીમાં ઉદાસીનતા!
July 8, 2026 8:49 am
ચાંદલોડિયા વિસ્તારમાં રેલવે ગરનાળા પાસે પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે અને ચાંદલોડિયા B રેલવે સ્ટેશન પાસેનું ગરનાળુ હજુ પાણીમાં ગરકાવ છે. ગરનાળામાં પાણી ભરાવાના કારણે રસ્તો બંધ થયો છે અને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે દારૂ ઝડપ્યો
July 8, 2026 8:23 am
આરોપીની પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. આરોપીએ કબૂલાત કરી હતી કે તે રાજસ્થાનના વિવિધ સ્થળોએ ફરીને નાની-નાની માત્રામાં એટલે કે પાંચ-પાંચ બોટલનો જથ્થો ભેગો કરતો હતો અને ત્યારબાદ તે જથ્થાને કારમાં બનાવેલા ચોરખાનામાં ભરીને રાજકોટમાં છૂટક વેચાણ માટે લાવતો હતો. કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે તેણે અનોખી રીત અપનાવી હતી, પરંતુ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની સતર્કતા સામે તેની આ તરકીબ નિષ્ફળ ગઈ હતી.
આરોપી ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલો છે
July 8, 2026 8:23 am
આરોપીની પૂછપરછમાં તે રાજસ્થાનના અલગ-અલગ ઠેકા પરથી પાંચ પાંચ દારૂની બોટલ ભેગી કરી રાજકોટ છૂટકમાં વેચાણ માટે લઈ આવતો હોવાની કબૂલાત આપી હતી. આરોપીએ દારૂની હેરાફેરી માટે કારની આગળની સીટ નીચે ખૂબ જ હોશિયારીથી એક ગુપ્ત 'ચોરખાનું' બનાવ્યું હતું, જેમાં તેણે વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવ્યો હતો. આ ઘટનામાં પોલીસે હિતેશ સવદાસ મોઢવાડીયા નામના 25 વર્ષીય યુવાનની ધરપકડ કરી છે, જે વ્યવસાયે ફર્નિચરનો ધંધાર્થી હોવાનું સામે આવ્યું છે.
Rajkot Crime Branch નો સપાટો, ક્રેટા કારમાં ખાસ ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરનાર ઝડપાયો
July 8, 2026 8:22 am
કુવાડવા જીઆઇડીસી પાસેથી ક્રેટા કારની સીટ નીચે ચોરખાનું બનાવી 3.70 લાખનો દારૂ તેમજ કાર સાથે 13.70 લાખનો મુદામાલ કબ્જે કરી ફર્નિચરના ધંધાર્થીની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં 195 તાલુકામાં મેઘમહેર
July 8, 2026 7:53 am
દક્ષિણ ગુજરાતના તાલુકામાં મૂશળધાર વરસાદ, સુરત જિલ્લા અને શહેરમાં આભ ફાટ્યાની સ્થિતિ, સુરતના પલસાણામાં 18 ઇંચથી વધુ વરસાદ, સુરતમાં કામરેજમાં 17 ઇંચથી વધુ વરસાદ. નવસારી અને સુરત શહેરમાં 15 ઇંચથી વધુ વરસાદ, વલસાડના કપરાડામાં 12 ઇંચથી વધુ વરસાદ, નવસારીના જલાલપોરમાં 11 ઇંચ વરસાદ વરસ્યો, બારડોલી અને અંબિકામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, ડોલવણ અને મહુવામાં 9 ઇંચ સુધીનો વરસાદ, 5 તાલુકામાં 7 થી સાડા 7 ઇંચ વરસાદ વરસ્યો, 7 તાલુકામાં 6 થી સાડા 6 ઇંચ વરસાદ ખાબક્યો, અન્ય તાલુકામાં 1 થી 5 ઇંચ સુધી વરસાદ વરસ્યો.
રેકોર્ડબ્રેક વરસાદ અને જળબંબાકાર સુરત
July 8, 2026 7:38 am
આ કુદરતી આફતમાં અત્યાર સુધી 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો છે, જેનાથી સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાંથી અત્યાર સુધીમાં 2100 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. લોકોની સુરક્ષાને સર્વોપરી રાખીને નવસારી, વલસાડ અને સુરત જિલ્લાની તમામ શાળાઓ તેમજ કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
સલામતીના ભાગરૂપે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી
July 8, 2026 7:38 am
સુરત શહેરમાં તો ધોધમાર વરસાદ વરસ્યો જ. પણ સાથે જિલ્લાના કામરેજ, પલસાણા સહિતના વિસ્તારમાં પણ સાંબેલાધાર વરસાદ પડતા સુરત શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થઈ ગઈ અને ભયજનક સપાટીથી ઉપર વહેવા લાગી. જેના કારણે ખાડીની આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોનું સલામત સ્થળે રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી. શહેરના મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે.
Surat માં વરસાદનો 85 વર્ષનો રેકોર્ડ તૂટયો, 20 ઈંચ વરસાદે શહેરને કર્યું બેહાલ
July 8, 2026 7:38 am
Surat માં 20 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. સુરતમાં વરસાદનો 85 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે અને સુરતમાં પહેલીવાર વરસાદના પૂરથી 11ના મોત થયા છે અને નવસારી, વલસાડ, સુરતમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. સુરત શહેરમાંથી 2100 લોકોનું કરાયું સ્થળાંતર.
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ
July 8, 2026 7:12 am
એક તરફ આકાશી આફત અને બીજી તરફ નદીના પૂરના પાણી વચ્ચે લોકોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. પ્રશાસન સતત નદીના જળસ્તર પર નજર રાખી રહ્યું છે અને લોકોને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા તથા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હાલ નવસારીના દરેક નાગરિકની પ્રાર્થના છે કે જળસ્તર ઝડપથી નીચે ઉતરે અને શહેર ફરી સામાન્ય સ્થિતિમાં આવે.
મુખ્ય માર્ગ પર કમરસમા પાણી ભરાયા
July 8, 2026 7:12 am
નવસારીમાં શહેરના ગ્રીડથી કાળિયાવાડી મુખ્ય માર્ગ પર કમરસમા પાણી ભરાયા છે. ગ્રીડથી નવસારીમાં આવતા હજારો લોકોએ જીવ જોખમમાં મૂકી રસ્તો પાર કર્યો અને મુખ્ય માર્ગ પર પાણીમાંથી આવવાની હિંમત કરનારા ચાલકોના વાહનો પણ પાણીમાં ફસાયા છે. મુખ્ય માર્ગ પરથી પસાર થતા અનેક વાહનો પાણીમાં ફસાયા સ્થાનિકો મદદે આવ્યા અને સ્થાનિક લોકોએ કાર અને બસને મહા મુસીબતે ધક્કો મારી અથવા ટ્રેક્ટરથી ખેંચીને બહાર કાઢ્યા છે.
Navsari Rain : પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ, ભયજનક સપાટી વટાવી નદી વહી રહી છે ગાંડીતૂર
July 8, 2026 7:12 am
નવસારીમાં પુર્ણા નદીના જળ સ્તરમાં સતત વધારો થયો છે અને નદીના જળસ્તરમાં વધારો થતા શહેરના નીચાણવાળા વિસ્તાર શાંતાદેવી વિસ્તારમાંથી લોકોનું કરાયું સ્થળાંતર. નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે લોકોનું કરાયું સ્થળાંતર. એક તરફ વરસાદી આફત અને બીજી તરફ પૂરના પાણી વચ્ચે લોકોની સ્થિતિ બની દયનીય.
નવનિયુક્ત PSIને અપાશે નિમણૂંક પત્રો
July 8, 2026 6:50 am
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનાયત કરાશે, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રહેશે ઉપસ્થિત, 449 નવનિયુક્ત PSIને મળશે નિમણૂંક પત્રો.
PM નરેન્દ્રભાઈ મોદી 2 દિવસના ઓસ્ટ્રેલિયાના પ્રવાસે
July 8, 2026 6:50 am
ઇન્ડોનેશિયાનો પ્રવાસ પૂર્ણ કરીને PM મોદી મેલબોર્ન પહોંચશે, ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ યોજાશે, ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ સેમ મોસ્ટિન સાથે મુલાકાત કરશે, વેપાર-રોકાણ વધારવા ભારત-ઓસ્ટ્રેલિયા CEO ફોરમને સંબોધિત કરશે, મેલબોર્નમાં ભારતીય સમુદાયના વિશાળ સંમેલનમાં હાજરી આપશે, બંને દેશોના રાજદ્વારી અને આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે.
કોમનવેલ્થ ગેમ્સના આયોજન અંગે રીવ્યુ બેઠક
July 8, 2026 6:49 am
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક, બપોરે બે કલાકે રીવ્યુ બેઠકનું આયોજન, રાજ્યમાં રમતગમતના આયોજન અંગે થશે ચર્ચા.
નવસારીમાં પુર્ણા નદીના જળ સ્તરમાં સતત વધારો
July 8, 2026 6:48 am
નદીના જળસ્તરમાં વધારો થતા શહેરના નીચાણવાળા વિસ્તાર શાંતાદેવી વિસ્તારમાંથી લોકોનું કરાયું સ્થળાંતર, નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે લોકોનું કરાયું સ્થળાંતર, એક તરફ વરસાદી આફત અને બીજી તરફ પૂરના પાણી વચ્ચે લોકોની સ્થિતિ બની દયનીય. આશ્રય સ્થાનમાં લોકોને રહેવા, સુવા અને ખાવા-પીવાની મનપા દ્વારા પૂરતી સુવિધા પૂરી પાડવામાં આવી.
ભાવનગરનો માલણ ડેમ ફરી ઓવરફ્લો
July 8, 2026 6:47 am
ઓટોમેટિક ગેટ હોવાથી પાણીનું નિયંત્રણ સ્વયં થાય છે અને જેસર તાલુકા સહિત ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે માલણ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની સતત આવક થતાં જળસ્તર નિર્ધારિત સપાટીએ પહોંચતા ઓટોમેટિક ગેટની વ્યવસ્થા મુજબ ગેટ આપમેળે ખુલે છે અને વધારાનું પાણી બહાર છોડવામાં આવે છે.

