Gandhinagar: સરકારની મોટી જાહેરાત, આદિજાતિ અને બિન-આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધશે
Gandhinagar: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા રાજ્યમાં શિક્ષણના વ્યાપને વધારવા માટે એક મહત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, રાજ્યમાં કુલ 98 જેટલી નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (Secondary and Higher Secondary Schools) શરૂ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આદિજાતિ વિસ્તારમાં શાળાઓ થશે શરૂ
આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય દૂરના અને શૈક્ષણિક સુવિધાથી વંચિત વિસ્તારોમાં વિદ્યાર્થીઓને તેમના ઘરની નજીક જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે. શિક્ષણ વિભાગની યોજના મુજબ, બિન-આદિજાતિ વિસ્તારમાં (Non-Tribal Area) 85 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે, જેનાથી હજારો વિદ્યાર્થીઓને લાભ થશે. આ ઉપરાંત, આદિજાતિ વિસ્તારમાં (Tribal Area) શિક્ષણને વેગ આપવા માટે વધારાની 10 માધ્યમિક શાળાઓને પણ મંજૂરી આપવામાં આવી છે.
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પણ મંજૂરી
માત્ર માધ્યમિક શાળાઓ જ નહીં, પરંતુ ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે 3 નવી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પણ મંજૂરી આપવામાં આવી છે, જે શિક્ષણ ક્ષેત્રે મહત્વનું પગલું માનવામાં આવે છે. શાળાઓના માળખાકીય સુવિધાઓ સાથે, શિક્ષણ વિભાગે આ તમામ શાળાઓ માટે જરૂરી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક મહેકમ (Staffing Approval) પણ મંજૂર કર્યું છે. આનાથી આગામી શૈક્ષણિક સત્રથી શાળાઓના સંચાલનમાં અને શિક્ષકોની ભરતીમાં સરળતા રહેશે.
Gandhinagar: આ નિર્ણયથી ડ્રોપ-આઉટ રેશિયો ઘટશે
રાજ્ય સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓનું ડ્રોપ-આઉટ રેશિયો (Dropout Ratio) ઘટશે અને સાક્ષરતા દરમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગ હવે આ તમામ શાળાઓના બાંધકામ અને અન્ય સુવિધાઓના કામોને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે આયોજન કરી રહ્યું છે. સ્થાનિક સ્તરે આ નિર્ણયથી વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે હવે તેમના બાળકોને શિક્ષણ માટે દૂરના શહેરોમાં જવાની જરૂર નહીં પડે.
આ પણ વાંચો: Char Dham Yatra માં રેકોર્ડ બ્રેક ભીડ ઉમટી, જોશીમઠ પાસે મેગા ટ્રાફીક જામ !


