Gujarat Vidyasahayak Bharti Controversy : ગુજરાતમાં શિક્ષકો અને વિદ્યાસહાયકોની ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં અનામતના નિયમોના કથિત ઉલ્લંઘનને લઈને રાજ્યભરમાં ભારે ગરમાવો આવ્યો છે. આ મામલે OBC, SC અને ST સમાજના યુવાનો અને ઉમેદવારો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
Gujarat Vidyasahayak Bharti Controversy : ગુજરાતમાં શિક્ષકો અને વિદ્યાસહાયકોની ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં અનામતના નિયમોના કથિત ઉલ્લંઘનને લઈને રાજ્યભરમાં ભારે ગરમાવો આવ્યો છે. આ મામલે OBC, SC અને ST સમાજના યુવાનો અને ઉમેદવારો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ઉમેદવારોનો આક્ષેપ છે કે વર્તમાન ભરતીમાં અનામત વર્ગની બેઠકોમાં જાણી જોઈને મોટો કાપ મૂકવામાં આવ્યો છે અને નિયમ મુજબ મળવાપાત્ર પૂરતી જગ્યાઓ ફાળવવામાં આવી નથી, જેના કારણે હજારો ઉમેદવારોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ સર્જાયું છે.
Gujarat માં શિક્ષકોની ભરતીને લઈને મોટો વિવાદ
આ આંદોલનનું મુખ્ય કેન્દ્ર સામાન્ય વહીવટી વિભાગ (GAD) ના ઠરાવના મુદ્દા નંબર-10 નું કરવામાં આવેલું કથિત ખોટું અર્થઘટન છે. ઉમેદવારોનું માનવું છે કે તંત્ર દ્વારા આ નિયમનું ખોટું અર્થઘટન કરીને મેરિટમાં આવતા આરક્ષિત વર્ગના તેજસ્વી ઉમેદવારોને પણ માત્ર અનામતની મર્યાદિત બેઠકોમાં ધકેલી દેવામાં આવ્યા છે, જેના કારણે ઓપન મેરિટ અને અન્ય વર્ગોની બેઠકોનું સમીકરણ ખોરવાયું છે. ભરતીના રોસ્ટર રજિસ્ટરની પુનઃચકાસણી કરવામાં આવે તથા પારદર્શક રીતે બેઠકોની ન્યાયી વહેંચણી કરવામાં આવે તેવી માંગ આંદોલનકારીઓ દ્વારા ઉગ્રતાથી ઉઠાવવામાં આવી રહી છે.
માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
સરકારની આ નીતિઓ સામે ભારે રોષ વ્યક્ત કરતા યુવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વહેલી તકે રોસ્ટર પ્રણાલીમાં સુધારો કરીને ન્યાય નહીં આપવામાં આવે, તો આ વિરોધ પ્રદર્શનને વધુ ઉગ્ર બનાવીને સમગ્ર રાજ્યમાં આંદોલન ફેલાવવામાં આવશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી આ મહત્વપૂર્ણ ભરતીમાં પારદર્શિતાના અભાવ અને કાનૂની અસ્પષ્ટતાને કારણે રાજ્યના લાખો યુવાનોનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે, ત્યારે આગામી દિવસોમાં સરકારી તંત્ર આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો: Gujarat News Today : આજે 07 સપ્ટેમ્બર 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?