Gujarat Heavy Rain Forecast: ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરુપ જોવા મળશે, અનેક જિલ્લામાં રેડ એલર્ટ, શાળાઓ બંધ, NDRF-SDRF તૈનાત
Gujarat Heavy Rain Forecast: ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી હોવાથી હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે ભારે થી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં રાહત કમિશનર ગૌરાંગ મકવાણા, અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવી તેમજ NDRF અને SDRFના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બંગાળ ખાડીની સિસ્ટમથી ગુજરાતમાં વરસાદી માહોલ
રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં સર્જાયેલી હવામાન પ્રણાલી પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને તેની અસર આગામી બે દિવસ દરમિયાન ગુજરાત પર સૌથી વધુ જોવા મળશે. હાલ અરબી સમુદ્ર અને બંગાળ ખાડી બંને તરફથી ભેજ મળતા અનેક સિસ્ટમો સક્રિય બન્યા છે, જેના કારણે રાજ્યમાં વ્યાપક વરસાદી માહોલ સર્જાયો છે. તેમણે જણાવ્યું કે આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં અતિ ભારે વરસાદ પડી શકે છે અને નાગરિકોએ બિનજરૂરી રીતે બહાર ન નીકળવું જોઈએ.
કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી?
હવામાન વિભાગ અનુસાર ભાવનગર, બોટાદ, અમદાવાદ અને આણંદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે વડોદરા, ભરૂચ, ડાંગ, વલસાડ, સુરત, તાપી, નવસારી અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં અસામાન્ય ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રેડ એલર્ટ જિલ્લાઓમાં તંત્ર સંપૂર્ણ સતર્ક
નર્મદા, સુરત, તાપી, નવસારી અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાહત કમિશનરે જણાવ્યું કે આ જિલ્લાઓમાં તમામ વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે અને જરૂરી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રાખવા, નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવા અને જરૂરી હોય તો તાત્કાલિક સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં પણ ભારે વરસાદની ચેતવણી
રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદ માટે પણ આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી મ્યુનિસિપલ તંત્રને પમ્પિંગ સ્ટેશન, ડ્રેનેજ લાઈન અને ઈમરજન્સી ટીમોને સક્રિય રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદ સહિતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરતાં નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.
વડોદરામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા
વડોદરા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદના રેડ એલર્ટને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે 31 જુલાઈના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. આંગણવાડીથી લઈને સરકારી અને ખાનગી શાળા, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. જિલ્લા પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આ આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.
ખેડા જિલ્લામાં બે દિવસ શૈક્ષણિક કાર્ય બંધ
ખેડા જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ એન. વી. ઉપાધ્યાયે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. તેમાં આંગણવાડીઓ, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ITI અને કોલેજોનો સમાવેશ થાય છે. જિલ્લા તંત્રે વાલીઓને બાળકોને ઘરમાં જ રાખવા અને અનિવાર્ય કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરી છે.
સુરત તંત્ર હરકતમાં, જાહેર સ્થળો બે દિવસ બંધ
સુરતમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહીને પગલે મ્યુનિસિપલ તંત્ર સંપૂર્ણ હરકતમાં આવ્યું છે. મનપા કમિશનરે ઝોન અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં વરસાદી પરિસ્થિતિ સામેની પૂર્વ તૈયારીઓની ચર્ચા કરવામાં આવી. સુરક્ષા કારણોસર શહેરના ઓપન ગેમ ઝોન, મેરેજ હોલ અને પાર્ટી પ્લોટને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાની પ્રક્રિયા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.
દાહોદમાં NDRF અને SDRF ટીમો તૈનાત
દાહોદ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લામાં એક NDRF ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે SDRFની ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. દેવગઢબારીયા ખાતે વધારાની NDRF ટીમને પણ તૈયાર રાખવામાં આવી છે જેથી કોઈપણ પૂર, ભૂસ્ખલન અથવા અન્ય આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય.
Gujarat Red Alert: રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી#Gujarat #GujaratRain #RedAlert #HeavyRain #VeryHeavyRain #WeatherAlert #Monsoon2026 #IMD #FloodAlert #GujaratWeather #BreakingNews #WeatherUpdate #EmergencyAlert #DisasterManagement #Ahmedabad #Surat #Vadodara #Navsari… pic.twitter.com/09wm6LqlHf
— Gujarat First (@GujaratFirst) July 30, 2026
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરવામાં આવી. બેઠકમાં કંટ્રોલ રૂમની તૈયારી, બચાવ સાધનોની ઉપલબ્ધતા, આશ્રયસ્થાનોની વ્યવસ્થા, વીજ પુરવઠો અને આરોગ્ય સેવાઓને અવિરત રાખવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે અરબી સમુદ્રમાં પવનની ગતિ વધવાની શક્યતા વ્યક્ત કરતાં આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં બંદરો પર ચેતવણીના સિગ્નલ લગાવવામાં આવ્યા છે અને માછીમારી માટે ગયેલી બોટોને પરત ફરવા સૂચના આપવામાં આવી છે.
જરૂર પડે તો એરફોર્સ અને આર્મીની મદદ
રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. જો વરસાદની સ્થિતિ વધુ ગંભીર બનશે તો એરફોર્સ અને આર્મીની મદદ પણ લેવામાં આવશે. NDRF, SDRF, ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે સતત સંકલન જાળવવામાં આવી રહ્યું છે.
નાગરિકો માટે તંત્રની મહત્વપૂર્ણ અપીલ
રાજ્ય સરકાર અને જિલ્લા તંત્રએ નાગરિકોને નીચેની સાવચેતીઓ રાખવા અપીલ કરી છે:
- બિનજરૂરી મુસાફરી ટાળો
- નદી, તળાવ અને પાણી ભરાયેલા વિસ્તારો પાસે ન જવું
- વીજ તાર અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવું
- બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી રાખવી
- સ્થાનિક તંત્રની સૂચનાઓ અને હવામાન વિભાગના અપડેટ પર સતત નજર રાખવી
આગામી 4 દિવસ રાજ્ય માટે મહત્વપૂર્ણ
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ચાર દિવસ ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વધુ છે, જ્યારે ઉત્તર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ થઈ શકે છે. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓને પૂર્વ તૈયારીઓ પૂર્ણ રાખવા સૂચના આપવામાં આવી છે. હાલની સ્થિતિને જોતા આગામી 48 કલાક રાજ્ય માટે નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે અને તંત્ર કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ થયું છે.
આ પણ વાંચોઃ Gujarat Weather : ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર

