Manjalpur Bypoll Result: વડોદરાના માંજલપુર (Manjalpur) વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલનો (Satish Patel) 30,500 થી વધુ મતોની જંગી લીડથી ભવ્ય વિજય થયો છે. આ શાનદાર જીત બાદ ભાજપના ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે (Dr. Anil Patel) પ્રતિક્રિયા આપતાં માંજલપુરની જનતાનો આભાર માન્યો હતો અને કાર્યકર્તાઓના અથાક પરિશ્રમને બિરદાવ્યો હતો. તેમણે વિપક્ષ કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટીના ષડયંત્રકારી રાજકારણ પર પ્રહારો કર્યા હતા.
વિકાસની રાજનીતિ પર જનતાનો ભરોસો જળવાયો
મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું કે, “માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં વિજય બદલ હું જનતા અને સ્થાનિક કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Narendra Modi) અને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની (Bhupendra Patel) વિકાસની રાજનીતિને જનતાએ ફરી એકવાર પૂર્ણ સમર્થન આપ્યું છે. સ્વ. યોગેશભાઈ પટેલની (Yogesh Patel) દીર્ઘકાલીન સેવાકીય કામગીરી અને ભાજપ ઉમેદવાર સતીશભાઈ પટેલની જાહેર જીવનની છબીના કારણે જ ભાજપને કુલ મતદાનના આશરે 68 થી 70 ટકા મત મળ્યા છે.”
કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ અને નબળી રણનીતિનો પર્દાફાશ
કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં તેમણે ઉમેર્યું હતું કે, “સંસદમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) અને કોંગ્રેસના નેતાઓની વાણી-વર્તણૂક અને નકારાત્મક રાજકારણને દેશની જનતા સતત જાકારો આપી રહી છે. માંજલપુરના 260 બૂથમાંથી અનેક બૂથ પર કોંગ્રેસ પાસે પોલિંગ એજન્ટ કે ટેબલ નાખવા માટે કાર્યકર્તાઓ પણ નહોતા. કોંગ્રેસે મતદાન ઓછું થાય તે માટે અનેક હથકંડા અપનાવ્યા અને ઘર્ષણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મતદારોએ તેમના તમામ ષડયંત્રોનો સણસણતો જવાબ આપ્યો છે.”
‘આપ’ અને કોંગ્રેસના ગઠબંધન છતાં ભૂંડી હાર
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આંતરિક જોડાણ અંગે બોલતા તેમણે કહ્યું કે, “આ ચૂંટણીમાં ‘કભી સાથી, કભી તલાક’ જેવી આપ અને કોંગ્રેસની ષડયંત્રકારી રણનીતિ જોવા મળી હતી. આપ પાર્ટીએ ઉમેદવાર ન ઊભો રાખીને કોંગ્રેસને મદદ કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, જનતાએ ભાજપ પર જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કોંગ્રેસની નાલેશીભરી હાર થઈ છે.”
આ પણ વાંચો: Manjalpur By-Election Result: માંજલપુર પેટાચૂંટણીમાં ભગવો લહેરાયો, ભાજપના ઉમેદવાર સતિષ પટેલની શાનદાર જીત