સરપંચ દ્વારા બહુચરાજી TDOને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી
કરશનપુરા પાસે આવેલ કેટલીક ફાર્મા કંપનીઓ અને અન્ય કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી ખારી અને રૂપેણ નથીમાં છોડતા રૂપેણ નદી પ્રદુષિત બની હોવાનો ગ્રામજનો અને સરપંચનો આક્ષેપ થઈ રહ્યો છે. ગંભીર પરિસ્થિતિને જોતાં દેલવાડા ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા બહુચરાજી TDOને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ પ્રદૂષણ ફેલાવનારાઓ સામે ક્યારે કડક પગલાં ભરે છે!
મહેસાણા જિલ્લામાં જળ પ્રદૂષણની સમસ્યા હવે વિકરાળ રૂપ ધારણ કરી રહી છે.
ગ્રામજનો દ્વારા ન્યાયની માગ કરાઈ
ખારી નદીને પ્રદૂષિત કર્યા બાદ કેમિકલ માફિયાઓએ હવે રૂપેણ નદીને પણ નિશાન બનાવી છે. બહુચરાજી નજીકથી પસાર થતી રૂપેણ નદીમાં મોટા પાયે કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો, દેલવાડા નજીક ખારી નદી રૂપેણ નદીને મળે છે. ખારી નદીમાં છોડવામાં આવેલું આ કેમિકલયુક્ત પાણી સંગમ સ્થળથી આગળ વધીને હવે રૂપેણ નદીના શુદ્ધ પાણીને ઝેરી બનાવી રહ્યું છે. આ પ્રદૂષણની સીધી અસર સ્થાનિક પર્યાવરણ અને જળચર જીવો પર જોવા મળી છે, જ્યાં મોટી સંખ્યામાં માછલીઓ મોતના મુખમાં ધકેલાઈ ગઈ છે.
સ્થાનિક લોકોમાં ચામડીના રોગોનું પ્રમાણ વધ્યું!
આ ઝેરી પાણીની દુર્ગંધ અને અસરોથી સ્થાનિક લોકોમાં ચામડીના રોગોનું પ્રમાણ વધ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. પશુપાલકો પોતાના ઢોર-ઢાંખરને લઈને મજબૂર બન્યા છે કારણ કે નદી સિવાય પાણીનો અન્ય કોઈ મોટો સ્ત્રોત નથી. આ મામલે હવે સ્થાનિકોનો આક્રોશ પણ સામે આવ્યો છે, જેને પગલે દેલવાડા (ખાંટ) ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા બહુચરાજી તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDOને લેખિત ફરિયાદ સોંપીને તાત્કાલિક ન્યાયની માગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat : નાસીર નગર ડિમોલિશન મામલે SMC કમિશનરને દિલ્હીનું તેડું આવતા હડકંપ મચ્યો