બાળકોની ડિજિટલ સુરક્ષા માટે મેટા અને યુએસ રાજ્યો વચ્ચે ઐતિહાસિક સમજૂતી
લાંબા સમયથી ચાલતા કાયદાકીય વિવાદ અને માતા-પિતાઓની ચિંતાઓ બાદ મેટા કંપનીએ પોતાના પ્લેટફોર્મ્સની કાર્યપ્રણાલીમાં મોટા ફેરફારો કરવાનો સ્વીકાર કર્યો છે. અદાલતી મંજૂરી મેળવનાર આ કરાર અનુસાર, સોશિયલ મીડિયા કંપનીઓ બાળકોને પ્લેટફોર્મ પર જકડી રાખવા માટે વાપરવામાં આવતી અલ્ગોરિધમિક ટેકનિક પર અંકુશ લગાવશે. આ ઐતિહાસિક પગલાથી માતા-પિતાઓને પોતાના બાળકોના ઓનલાઈન બિહેવિયર અને સ્ક્રીન ટાઈમ પર સીધું મોનિટરિંગ કરવાની મજબૂત સત્તા મળશે. આ કરાર અંતર્ગત 13 થી 17 વર્ષના ટીનેજર્સ માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ડિફોલ્ટ સુરક્ષા પ્રોટોકોલ સક્રિય કરવામાં આવશે.
નવા નિયમોની મુખ્ય વિશેષતાઓ:
દૈનિક બે કલાકની મર્યાદા: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને મળીને સગીર યૂઝર્સ માટે દિવસમાં વધુમાં વધુ બે કલાકનો સંયુક્ત ઉપયોગ નક્કી કરાશે, જે પેરેન્ટ્સની મંજૂરી વગર વધારી શકાશે નહીં.
ઓટોમેટિક નાઈટ મોડ: મધ્યરાત્રિ 12 વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી ફીડ, રીલ્સ અને સ્ટોરીઝ જોવા પર આપોઆપ પ્રતિબંધ રહેશે.
સ્કૂલ મોડ નોટિફિકેશન: સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા દરમિયાન તમામ સામાન્ય પુશ નોટિફિકેશન્સ સાયલન્ટ રહેશે જેથી અભ્યાસમાં ખલેલ ન પહોંચે.
લાઇક્સ અને ફિલ્ટર્સ પર પ્રતિબંધ: પોસ્ટ પર મળતા લાઇક્સની સંખ્યા છુપાવવામાં આવશે અને પ્લાસ્ટિક સર્જરી કે હાનિકારક બ્યુટી ફિલ્ટર્સ બ્લોક રહેશે.
નોન-અલ્ગોરિધમિક ફીડ: ટીનેજર્સ પાસે રેન્ડમ સજેશન્સને બદલે માત્ર ક્રોનોલોજિકલ (સમયાનુસાર) ફીડ જોવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે.
ખોટી ઉંમરથી લોગિન કરતા સગીરોની ઓળખ માટે અત્યાધુનિક ટેકનોલોજી
ઘણીવાર બાળકો પ્લેટફોર્મ પર પ્રવેશ મેળવવા માટે જન્મતારીખ ખોટી નાખીને 18 વર્ષથી વધુ ઉંમર દર્શાવતા હોય છે.મેટા પોતાની ઓળખ વ્યવસ્થાને અપગ્રેડ કરશે. કંપની એવા એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ્સ તૈયાર કરી રહી છે જે યૂઝરની પ્રોફાઇલ, વર્તણૂક અને નેટવર્ક પેટર્ન પરથી 13 થી 17 વર્ષના ટીનેજર્સને સચોટ રીતે ઓળખી કાઢશે. જો કોઈ ટીનેજરે એડલ્ટ અકાઉન્ટ બનાવ્યું હશે તો પણ સિસ્ટમ તેને શોધીને ટીન પ્રોટેક્શન મોડમાં શિફ્ટ કરી દેશે.
સમગ્ર સોશિયલ મીડિયા ઇન્ડસ્ટ્રી માટે એક સમાન સુરક્ષા માળખાની અનિવાર્યતા
મેટાના ચીફ લીગલ ઓફિસર સી.જે. મહોનીએ જણાવ્યું હતું કે, "આ નિયમો ત્યારે જ સંપૂર્ણ સફળ થશે જ્યારે સમગ્ર ટેક ઇન્ડસ્ટ્રી તેને અપનાવે. ટીનેજર્સ માત્ર એક પ્લેટફોર્મ પર સીમિત નથી રહેતા પરંતુ ડઝનેક એપ્સનો ઉપયોગ કરે છે, તેથી TikTok અને YouTube એ પણ આ પ્રકારના સુરક્ષા નિયમો તાત્કાલિક લાગુ કરવા જોઈએ." આ કરારના પાલનની સમીક્ષા કરવા માટે એક સ્વતંત્ર ઓડિટર અને રિસર્ચ ફાઉન્ડેશનની પણ નિમણૂક કરવામાં આવશે જે નિયમિત તપાસ કરશે.
આ પણ વાંચો : Phone Theft Settings : સ્માર્ટફોન ચોરાશે તો પણ નહીં થાય સ્વિચ ઓફ; Android-iPhone યુઝર્સ તરત ઓન કરો આ સિક્રેટ સેટિંગ