વંદે માતરમ્ સાથે લોકસભાની કાર્યવાહી પૂર્ણ
બુધવારે સવારે 11 વાગ્યે લોકસભાની બેઠક શરૂ થતાં જ અધ્યક્ષે સભ્યોને રાષ્ટ્રગીત વંદે માતરમ્ (Vande Mataram)ના સન્માનમાં ઊભા રહેવા જણાવ્યું હતું. સામાન્ય રીતે સત્રના અંતે વંદે માતરમ્ પહેલાં લોકસભા અધ્યક્ષ સત્રની કાર્ય ઉત્પાદકતા (Productivity) અને મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ આ વખતે સીધું જ વંદે માતરમ્ ગાવામાં આવ્યું અને ત્યારબાદ ગૃહને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત વિવિધ પક્ષોના નેતાઓ અને સાંસદો હાજર રહ્યા હતા. જોકે, રાજ્યસભાની કાર્યવાહી તે સમયે ચાલુ હતી.
2 મુખ્ય મુદ્દાઓ પર સરકાર-વિપક્ષ વચ્ચે ઘર્ષણ
સત્રની શરૂઆતથી જ વિપક્ષે 2 મુખ્ય મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ મુદ્દો દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી (Police Action)હતો. કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા લાઠીચાર્જ અને કથિત પેલેટ ગનના ઉપયોગના આરોપોને લઈને વિપક્ષે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પાસેથી જવાબ માગ્યો હતો. સાથે જ તેમના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી. બીજો મુદ્દો અયોધ્યાના રામ મંદિર (Ram Mandir) માં કથિત ચઢાવાની ચોરીનો હતો. વિપક્ષે આ મામલે પણ સરકાર પાસેથી સ્પષ્ટ જવાબ અને ચર્ચાની માંગ કરી હતી.
પ્રશ્નકાળ અને શૂન્યકાળ પણ થયા પ્રભાવિત
સત્ર દરમિયાન વારંવાર સ્થગન (Adjournment) થવાના કારણે બંને ગૃહોની કામગીરીમાં મોટો વિક્ષેપ પડ્યો. અનેક દિવસો સુધી પ્રશ્નકાળ (Question Hour) અને શૂન્યકાળ (Zero Hour) યોગ્ય રીતે ચાલી શક્યા નહોતા. આ સત્રમાં લોકસભાનું નિર્ધારિત કામકાજ માત્ર આશરે 16 ટકા, જ્યારે રાજ્યસભાનું આશરે 31 ટકા જ થઈ શક્યું. એટલે કે સંસદના કામકાજના અનેક કલાકો હોબાળાના કારણે વેડફાઈ ગયા.
હોબાળા વચ્ચે અનેક મહત્વપૂર્ણ બિલ પાસ
સંસદીય ગતિવિધિઓ ખોરવાઈ હોવા છતાં સરકારે બહુમતીના આધારે અનેક મહત્વપૂર્ણ વિધેયકો (Bills) પસાર કરાવ્યા. તેમાં એન્ટી-પેપર લીક બિલ, ટેક્સેશન એમેન્ડમેન્ટ બિલ, સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારતું બિલ, MSME એમેન્ડમેન્ટ બિલ અને ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ બિલ સહિતના મહત્વપૂર્ણ કાયદાકીય પ્રસ્તાવો સામેલ હતા. આ પૈકી મોટાભાગના બિલો પર વિસ્તૃત ચર્ચા થયા વિના ધ્વનિમત (Voice Vote) થી મંજૂરી આપવામાં આવી. બીજી તરફ FCRA એમેન્ડમેન્ટ બિલ અને પરિસીમન (Delimitation) સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ બિલો પેન્ડિંગ રહ્યા.
અમિતભાઈ શાહે ચર્ચાની ઓફર કરી, છતાં ગતિરોધ યથાવત
સરકારનું સતત કહેવું હતું કે, તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિપક્ષ સંસદની કાર્યવાહી આગળ વધવા દેતું નથી. બીજી તરફ વિપક્ષનો આરોપ હતો કે સરકાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જવાબદારીથી બચી રહી છે. સત્ર પૂર્ણ થવાના એક દિવસ પહેલાં ગૃહમંત્રી અમિતભાઈ શાહે ચર્ચા કરવાની ઓફર પણ કરી હતી, છતાં સરકાર અને વિપક્ષ વચ્ચેનો ગતિરોધ (Deadlock) દૂર થયો નહોતો.
અંતિમ દિવસે પણ હોબાળો ચાલુ રહ્યો અને અંતે લોકસભાને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી. આ સાથે મોન્સૂન સત્ર પૂર્ણ થયું. તાજેતરના વર્ષોમાં આ સત્ર સૌથી વધુ પ્રભાવિત સત્રોમાંનું એક બની રહ્યું, જેમાં અનેક મહત્વપૂર્ણ કાયદાઓ પસાર થયા હોવા છતાં સંસદીય ચર્ચા, જવાબદારી અને રચનાત્મક સંવાદ માટે પૂરતું વાતાવરણ ઊભું થઈ શક્યું નહોતું.
આ પણ વાંચો : Union Home Minister Amit Shah : સંસદમાં વિપક્ષના હોબાળા મુદ્દે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહનું નિવેદન! બપોરે 3 વાગ્યે ચર્ચા માટે તૈયાર