પહેલા જ વરસાદમાં પૂરના દ્રશ્યો સામે આવ્યા છે. ડેડીયાપાડાના ડુમખલ નજીક તારવ નદીમાં આવ્યા નવા નીર અને ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા રસ્તા ઉપર ફરી વળ્યાં પાણી. ડેડીયાપાડાના દાબકા ગામમાં વીજળી પડતા ભેંસનું મોત થયું છે.
ખેતરોમાં વરસાદી પાણી ભરાયા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં મધરાત્રીથી ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ચારેકોર પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે જંગલ વિસ્તારની નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા હતા, અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સેલંબાથી મહારાષ્ટ્રના નવાપાડા તરફ જતો મુખ્ય માર્ગ પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયો હતો, જેનાથી વાહન વ્યવહાર ખોરવાયો હતો.
નર્મદાના સાગબારામાં સૌથી વધારે વરસાદ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 85 મીમી એટલે કે 3.35 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સાગબારા તાલુકામાં ખાસ કરીને 6થી 8 વાગ્યાના સમયગાળામાં 45 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો. તે બાદ દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ ચાલુ રહ્યો.
નર્મદા જિલ્લાના ચીકડા તાલુકામાં પણ 5 મીમી જેટલો વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુબિર તાલુકામાં 54 મીમી (2.13 ઇંચ) અને આહવા તાલુકામાં 46 મીમી એટલે 1.81 ઇંચ જેટલો વરસાદ વરસ્યો જ્યારે વઘઈ તાલુકામાં 20 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : Jamnagar ના સેકશન રોડ પર વૃદ્ધની હત્યા, અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકયા