Navsari માં કરૂણ ઘટના, બંધ ગાડીમાં રમતા બે માસુમ બાળકોના શંકાસ્પદ મોત
Navsari Children Death: નવસારી નજીક આવેલા ધારાગીરી ગામમાં આજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં બે માસુમ બાળકોના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યા છે. આ બનાવને પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત માહિતી મુજબ, કૈરવ જોગી (4 વર્ષ) અને અભિમન્યુ જોગી (3 વર્ષ) નામના બે બાળકો પોતાના ઘરની નજીક રમી રહ્યા હતા. આ દરમિયાન તેઓ ત્યાં પાર્ક કરેલી અને બંધ હાલતમાં પડેલી એક કારમાં રમવા માટે અંદર ગયા હતા. કાર બંધ હોવાને કારણે અંદર હવાચુસ્ત થઈ ગઈ હોય તેવું પ્રાથમિક અનુમાન છે. રમતા-રમતા બંને બાળકો અંદર બેભાન થઈ ગયા હતા.
Navsari: તબીબે મૃત જાહેર કર્યા
એક મહિલાએ બાળકોને ગાડીમાં બેભાન હાલતમાં જોતા તાત્કાલિક સ્થાનિક ગ્રામજનોને જાણ કરી હતી. ગ્રામજનોએ સમય સૂચકતા વાપરી બંને બાળકોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા તબીબે બંને બાળકોને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસને થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં બાળકોના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. આ અકસ્માતે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે.
આ પણ વાંચો: એરલાઇન સેક્ટર માટે મોટી રાહત, મોદી સરકારે ATF ના ભાવ ઘટાડવા ફાળવ્યા ₹10,000 કરોડ


