ચીફ ઓફિસર સામે ફરિયાદ
પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સ્થાનિક નાગરિકો અને રજૂઆતકર્તાઓ પોતાની સમસ્યાઓ લઈને નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. કચેરીની અંદર રજૂઆત દરમિયાન અધિકારીઓ અને નાગરિકો વચ્ચે બોલાચાલી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ દરમિયાન રજૂઆતકર્તાઓ દ્વારા સમગ્ર વાતચીત અને ઘટનાક્રમનું વીડિયો રેકોર્ડિંગ (Video Recording) મોબાઈલ ફોનમાં કરવામાં આવી રહ્યું હતું. કચેરીમાં વીડિયો ઉતરી રહ્યો છે તે વાતથી ઉશ્કેરાયેલા ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા કથિત રીતે ઉતાવળમાં રજૂઆતકર્તાના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લેવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
Patan: નાગરિક સાથે અયોગ્ય વર્તન કરવા બદલ કાર્યવાહી
સત્તાવાર ફરજ બજાવતા અધિકારી દ્વારા આમ નાગરિક સાથે અયોગ્ય વર્તન કરવા અને પુરાવા તરીકે વીડિયો ઉતારતી વેળાએ બળજબરીથી ફોન છીનવી લેવાની આ ઘટનાને લઈને સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ મામલે ભોગ બનનાર પક્ષ દ્વારા પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી અને ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગળની તપાસ શરૂ કરી છે. પાલિકા વડા સામે જ ફોજદારી ફરિયાદ નોંધાતા પાટણ નગરપાલિકાનું આંતરિક રાજકારણ ગરમાયું છે અને આગામી દિવસોમાં આ મામલે વહીવટી સ્તરે પણ મોટા પગલાં લેવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
પાટણ ચીફ ઓફિસર હિરલ ઠાકરના આક્ષેપો ફગાવ્યા, MLA કિરીટ પટેલ પર સાધ્યું નિશાનપાટણ ચીફ ઓફિસર હિરલ ઠાકરે તેમની સામેના આક્ષેપો ફગાવતા જણાવ્યું છે કે આ તેમને દબાણમાં લાવવા માટેનું કાવતરું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની સામે કોઈ ફરિયાદ નહીં પરંતુ માત્ર એન.સી. નોંધાઈ છે અને મોબાઇલ તોડવા કે ધમકી આપવાના આક્ષેપો પાયાવિહોણા છે. તેમણે ધારાસભ્ય કિરીટ પટેલ સામે પ્રહાર કરતા કહ્યું કે 24 જૂને માનહાનિનો કેસ કર્યા બાદથી તેઓ દર 4 દિવસે અડચણ ઊભી કરે છે. સરકારી કામમાં રૂકાવટ ઊભી કરવા અંગે પોલીસમાં લેખિત ફરિયાદ પણ આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: Ahmedabad: ધોલેરા નજીક ગમખ્વાર અકસ્માત, કારમાં આગ લાગતા મહિલા અને બાળકનું કરુણ મોત