1470 વ્યક્તિઓમાં 852 મહિલાઓ, 342 પુરુષો, 42 સગીર છોકરાઓ અને 234 સગીર છોકરીઓનો સમાવેશ થાય છે. સુરત શહેર પોલીસે સૌથી વધુ 341 વ્યક્તિઓને શોધી કાઢ્યા “ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટેનું વિશેષ અભિયાન પૂર્ણ થયું હોવા છતાં અમારા પ્રયાસો અહીં અટકવાના નથી. પોલીસ અધિકારીઓને નિયમિત પોલીસ કામગીરીની સાથે ગુમ થયેલા વ્યક્તિઓના કેસોમાં સતત કામગીરી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. ”
રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક. નાગરિકોની સુરક્ષા અને ગુમ થયેલા વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે પુન:મિલન કરાવવાનાં ઉદ્દેશ્ય સાથે ગુજરાત પોલીસે એક મહિના માટે રાજ્યવ્યાપી વિશેષ અભિયાન ‘ઓપરેશન મિલાપ’ લોન્ચ કર્યુ હતું. આ અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસે 1470 ગુમ થયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક શોધી કાઢ્યાં હતાં. 7 મેના રોજ સમગ્ર રાજ્યમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, આ અભિયાન હેઠળ વર્ષો જુના કેસો ફરી ખોલવામાં આવ્યાં હતા. પોલીસના રેકોર્ડ અનુસાર વર્ષ 2007થી અત્યાર સુધી ગુજરાતમાં કુલ 24,767 લોકો ગુમ થયેલા હોવાનું નોંધાયું છે.
કાલુપુર રેલવે સ્ટેશનની નજીક આવેલા આ પોલીસ સ્ટેશનમાં "જાની" સાહેબની મોજ કે શું!
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં અને વેપારીઓની દુકાનોની વચ્ચે આવેલું એક પોલીસ સ્ટેશન કે, જે રોડ પરનું ધમધમતું પોલીસ સ્ટેશન માનવામાં આવે છે, શહેરમાં અધિકારીઓ બદલાય છે પણ પોલીસ સ્ટેશનમાં વહીવટકર્તાઓ બદલાતા નથી ત્યારે ચોખા બજાર અને કાલુપુર રેલવે સ્ટેશનથી નજીક આવેલ એક પોલીસ સ્ટેશનમાં જાની સાહેબ અને સિરાઝ ભાઈની જુગલબંદી ચર્ચામાં છે.
કહેવાય છે કે, પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારીને સાચવવામાં જાની સાહેબજ નહી પણ સિરાઝ ભાઈનો પણ દબદબો વિસ્તારમાં યથાવત છે. ત્યારે જોવાનું એ રહ્યું કે એવું તો શું હશે વિસ્તારમાં કે પીઆઈએ બે-બે વહીવટદારોને રાખવા પડયા છે. તો જાની સાહેબની નોકરી પણ એજ પોલીસ સ્ટેશનમાં છે તો શું પોલીસ સ્ટેશનના અન્ય લોકોની નોકરી જાની સાહેબ અને સિરાઝ સાહેબ નક્કી કરે છે તેવી વાત પોલીસબેડામાં ચર્ચાઈ રહી છે. આ મુદ્દો નવા વરાયેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
PI સાહેબ હવે તમારી આળસ ખંખેરજો, દરરોજ 2 કલાક નાગરિકોને સાંભળવા પડશે તેવો રાજયના પોલીસ વડાનો કડક આદેશ
રાજયના પોલીસ વડા જી.એસ. મલિકનો પ્રજાલક્ષી આદેશ સામે આવ્યો છે જેમાં સામાન્ય અરજીઓનો મહત્તમ 15 દિવસમાં નિકાલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરથી PI સુધીના અધિકારીઓ દરરોજ 2 કલાક નાગરિકોને સાંભળશે અને સ્થાનિક કક્ષાએ જ ફરિયાદો અને રજૂઆતોનો થશે નિકાલ.
આર્થિક ગુનાઓ, પારિવારિક વિવાદ અને ભ્રષ્ટાચાર સંબંધિત અરજીઓનો 6 અઠવાડિયામાં નિકાલ કરવા સૂચના અપાઈ છે. ઉચ્ચ અધિકારીઓ સવારે 12થી 2 વાગ્યા સુધી મુલાકાતીઓને સાંભળશે. PI અને થાણા અમલદારો સાંજે 4 થી 6 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં રહેશે હાજર અને અરજદારોને ગાંધીનગર કે ઉચ્ચ કચેરીઓ સુધી ધક્કા ન ખાવા પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
અરજીની તપાસમાં સંજ્ઞેય ગુનો જણાય તો તાત્કાલિક FIR નોંધવાનો આદેશ આપ્યો છે અને દરેક કચેરીમાં અરજદારોની વિગતો માટે રજિસ્ટર રાખવાની સૂચના અપાઈ છે. પોલીસ કામગીરીને વધુ પ્રજાલક્ષી અને જવાબદાર બનાવવા DGPનો મહત્વપૂર્ણ નિર્ણય.
ગુજરાતમાં એક મહિનાની રાજયવ્યાપી હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ
ગુજરાત ટ્રાફિક પોલીસે છેલ્લા એક મહિનામાં હેલ્મેટ નિયમભંગ કરનાર 5123 સરકારી અધિકારી-કર્મચારીઓ પાસેથી રૂ.16.58 લાખનો દંડ વસૂલ્યો છે. રાજયભરમાં નિયમ ભંગ કરનાર 1.88 લાખથી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરીને રૂ.5.21 કરોડનો દંડ વસૂલ કર્યો છે.
માર્ગ અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના તા.1 થી 31 મે દરમિયાન એક મહિનાની વિશેષ “હેલ્મેટ ડ્રાઇવ” યોજવામાં આવી હતી.
ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ નહીં પણ દરેક માટે સમાન છે તે આ ડ્રાઈવ દરમિયાન સાબિત કરવામાં આવ્યું છે. સરકારી કચેરીઓના પ્રવેશદ્વારે જ ટ્રાફિક પોલીસ તૈનાત કરીને નિયમભંગ કરનારા 5123 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ રૂ.16.58 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.
વતનમાં બદલી કરવા માટે અરજી કરાઈ પણ હજી પોસ્ટિંગ બાકી!
ગુજરાત પોલીસમાં લાગી તો ગયા ઘણા પણ વતનથી દૂર ઘણા વર્ષો સુધી નોકરી કરી ત્યારે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા ઘણા પોલીસ કોન્સ્ટેબલ તેમજ હેડ કોન્સ્ટેબલોએ તેમના વતનમાં પોસ્ટિંગ મળે તે માટે ઉચ્ચ વડાની કચેરીએ અરજીઓ કરી છે પણ કોઈ કારણોસર આ અરજીઓ પેન્ડિંગ હોવાની વાત સૂત્રો તરફથી મળી છે.
હાલમાં અમદાવાદ શહેરમાં ફરજ બજાવતી ઘણી પોલીસે તેમના વતનમાં નોકરીનું પોસ્ટિંગ થાય તે માટે અરજી કરી છે પણ આ અરજીનો લાંબા સમયથી કોઈ નિકાલ આવ્યો નથી અને ના તો આ અરજી પર કોઈની બદલી લાંબા સમયથી થઈ હોય. ત્યારે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને તેમના વતનમાં હવે પોસ્ટિંગ મળે તે માટે કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.
આ પણ વાંચો : પોલીસની પંચાત : ગુજરાત પોલીસ એટલે ખાખીમાં ધબકતું હૃદય, નિકોલ પોલીસના નાક નીચે PCB દરોડા પાડી ગઈ