Rajkot શહેરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા સતત ધીમીધારના વરસાદ વચ્ચે બેડીપરા વિસ્તારમાં એક ગંભીર અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. બેડીપરા વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં રામજી મંદિર ચોક પાસે આવેલું એક અત્યંત જર્જરિત મકાન મોડી રાત્રે અચાનક ધરાશાયી થઈ ગયું હતું.
Rajkot : આ અકસ્માતમાં મકાનની અંદર રહેતા એક નિદોર્ષ શ્રમજીવી વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ જર્જરિત મકાનમાં અજયભાઈ કુરજીભાઈ બેલદાર (ઉંમર અંદાજે 48 વર્ષ) છેલ્લા 40 લાંબા સમયથી પરિવાર સાથે રહેતા હતા. મોડી રાત્રે અચાનક મકાનનો મોટો ભાગ તૂટી પડતા તેઓ ગંભીર રીતે કાટમાળ નીચે ફસાઈ ગયા હતા.
તંત્રની ચેતવણી બેઅસર?
ઘટનાની ગંભીરતા જોતા આસપાસના લોકો દ્વારા તરત જ સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગ અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. જો કે, ભારે જહેમત બાદ અજયભાઈને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ ઇજાઓ ગંભીર હોવાથી તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા તરત જ જેસીબી મશીન મંગાવીને ધરાશાયી થયેલા મકાનનો કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.
બેડીપરામાં જર્જરિત મકાન ધરાશાયી
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને અગાઉ પણ તંત્ર દ્વારા આવા જોખમી તથા જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સુરક્ષાના ભાગરૂપે મકાન ખાલી કરી દેવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં સમયસર આ બાબતે નક્કર પગલાં ન લેવાયા હોવાને કારણે આજે એક નિર્દોષ શ્રમજીવીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ દુર્ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં તંત્ર સામે પણ ભારે રોષ અને વેદના જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Narmada ના સાગબારામાં રાજકારણ ગરમાયું, સાંસદ મનસુખ વસાવા અને ફોરેસ્ટ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ