પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારે દુબઈથી મુંબઈ માટે રવાના થયેલી આ ફ્લાઇટમાં કુલ 194 મુસાફરો સવાર હતા, જેમાં 7 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. ફ્લાઇટ હવામાં હતી ત્યારે અચાનક સ્મોક એલર્ટ વાગતા ક્રૂ મેમ્બરોએ ત્વરિત નિર્ણય લઈને નજીકના એરપોર્ટ પર સંપર્ક સાધ્યો હતો.
રાજકોટમાં મોટી દુર્ઘટના ટળી હતી
રાજકોટના હીરાસર એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થતાં તમામ મુસાફરો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ ટેકનિકલ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે વિમાનની તપાસ શરૂ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસ અને ટેકનિકલ વિશ્લેષણના તારણ મુજબ, વિમાનના કાર્ગો સેક્શનમાં રાખવામાં આવેલા ઓક્સિજન સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયો હોવાને કારણે સ્મોક સેન્સર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું.
ઇન્ડિગોની ફ્લાઇટનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતુ
આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને જરૂર પડ્યે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) ની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
તંત્ર દ્વારા વિમાનની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે અને જ્યાં સુધી એજન્સીઓ તરફથી સંપૂર્ણ ક્લીનચિટ નહીં મળે, ત્યાં સુધી આ ઇન્ડિગો ફ્લાઇટ રાજકોટથી આગળની ઉડાન ભરશે નહીં. મુસાફરોની સુરક્ષાને સર્વોપરી રાખીને તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની ટેકનિકલ ખામીઓથી બચી શકાય.
આ પણ વાંચો : Mehsana : બહુચરાજીના કાલરી ફાટક પર ગંભીર બેદરકારી, ટ્રાફિક જામમાં ફસાયેલી એમ્બ્યુલન્સમાં દર્દીને તાત્કાલિક આપવું પડ્યું CPR