ડિમોલિશનમાં થયેલ ખર્ચાનો વિવાદ વકર્યો
રાજકોટના જંગલેશ્વરના મેગા ડિમોલીશનમાં ગરીબ લોકોના આશરા પર બૂલડોઝર ફેરવવામાં આવ્યા એ સમયે મહાપાલિકાએ ખાણીપીણી પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કર્યાની વિગતો સામે આવ્યા બાદ ડિમોલીશનની કામગીરી વખતે કરવામાં આવેલી વીડિયોગ્રાફી પાછળ પણ રૂ.27.70 લાખ જેવી જંગી રકમના બિલ ચૂકવાયાનું સામે આવ્યું છે.
RMCના સૂત્રોએ જણાવ્યું કે, મેગા ડિમોલીશન વખતે તા.21 થી 27 ફેબ્રુઆરી સુધી વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે 45, બીજા દિવસે 90 વીડિયોગ્રાફર રાખવામાં આવ્યા હતા.
પુરૂષોત્તમ પીપળીયાએ કર્યો મોટો ખુલાસો
પુરૂષોત્તમ પીપળીયાએ પોતાના એકાઉન્ટ પર હરિસિંહ સુચરીયા (Harisinh Suchariya) નામના વ્યક્તિ સાથેની ટેલિફોનિક વાતચીતની એક સળગતી ઓડિયો ક્લિપ (Viral Audio Clip) પોસ્ટ કરી છે. આ ઓડિયો સંવાદમાં દાવો કરવામાં આવ્યો છે કે, હરિસિંહ સુચરીયાએ જાતે ડિમોલેશનના સ્થળે 5,000 જેટલી પાણીની બોટલોનું વિતરણ કર્યું હતું.
હરિસિંહભાઈના જણાવ્યા મુજબ, RMC ની 200 ML ની સ્ક્વેર પાણીની બોટલ 2 રૂપિયા કરતાં પણ સસ્તી પડે છે, જ્યારે તેમણે વિતરણ કરેલી પ્રીમિયમ રાઉન્ડ બોટલની કિંમત માત્ર 3 રૂપિયા છે. તેમણે ઓડિયોમાં ખુલ્લું આહ્વાન આપ્યું છે કે તંત્રને જોઈએ એટલી બોટલો તેઓ પોતે 2 રૂપિયાના ભાવે આપવા તૈયાર છે.
અધિકારીઓ ડિમોલિશનના સમયે મીજબાની માણી
7 લાખના બિલમાં ડિમોલિશનના સ્ટાફ માટે સમોસા, કાજુકતરી, ખજૂર રોલ, જલેબી, ગાંઠિયા, ભોજનની થાળી, લીંબુ શરબત અને છાશ વગેરેનો સમાવેશ કરાયો છે. નવાઈની વાત એ છે કે આટ-આટલી વાનગીઓ આરોગ્યા પછી અધિકારીઓ પાણી પીવાનું ભૂલી ગયા હોય તેમ દરખાસ્તમાં 12 લાખના મિનરલ વોટરનું કોઈ બિલ જ સામેલ કર્યુ ન હતુ.
કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ આક્ષેપ કર્યો હતો કે, ગરીબોના મકાન તોડતી વખતે રાજકોટના ભ્રષ્ટ અધિકારીઓ ત્યાં પિકનિક મનાવવા ગયા હોય તેવું લાગી રહ્યું હતું.
આ પણ વાંચો : Surat : કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના હસ્તે 25,000 થી વધુ ઓક્સિજનયુક્ત વૃક્ષોનું વાવેતર, દરેક ઝોનમાં ઓકસિજન પાર્ક માટે પાલિકાનું આયોજન