Rajkot: ખાદ્ય સુરક્ષા સામે ગંભીર સવાલો, જસદણમાં ચવાણાના પેકેટમાંથી નીકળી ગરોળી
Rajkot Food Safety: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે પેકેજ્ડ ફૂડ (Packaged Food) આઈટમ્સની ગુણવત્તા અને તેની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. એક સ્થાનિક ગ્રાહકે જાણીતી 'ગોકુલ' કંપનીનું ચવાણાનું પેકેટ ખરીદ્યું હતું, પરંતુ જ્યારે તેમણે ઘરે જઈને આ પેકેટ ખોલ્યું ત્યારે અંદરથી ગરોળી (Lizard) જોવા મળતા તેમના હોશ ઉડી ગયા હતા.
ચવાણાની સાથે મૃત અવસ્થામાં ગરોળી મળી
ગ્રાહકે જણાવ્યું હતું કે, તેઓએ આટકોટની સ્થાનિક દુકાનેથી સીલબંધ પેકેટ ખરીદ્યું હતું. પેકેટ ખોલતા જ તેમાં ચવાણાની સાથે મૃત અવસ્થામાં ગરોળી જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને પરિવારમાં ભારે રોષ અને આઘાતની લાગણી ફેલાઈ ગઈ હતી. પેકિંગ જેવી મહત્વની પ્રક્રિયામાં આવી બેદરકારી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે સીધો ખતરો છે.
Rajkot: આ મામલે તપાસનો ધમધમાટ શરૂ
આ ઘટના બાદ ગ્રાહકે જાગૃતતા બતાવીને તાત્કાલિક સ્થાનિક તંત્રમાં ફરિયાદ નોંધાવી છે. ગ્રાહકે ગોકુલ કંપનીના સંચાલકો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના નિયમો મુજબ, ખાદ્ય પદાર્થોમાં આવી અશુદ્ધિઓ મળવી એ ગંભીર ગુનો બને છે. હવે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે કે શું આ કોઈ એક પેકેટની ખામી છે કે પછી આખી બેચમાં આવી બેદરકારી રાખવામાં આવી છે. ગ્રાહકો હવે પેકેજ્ડ ફૂડ ખરીદતા પહેલા દસ વાર વિચારવા મજબૂર બન્યા છે.


