ત્રણ આરોપીઓને દબોચી લેવાયા હતા
શાપર ગામે રહેતા જીતેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધના ઘરમાં ઘૂસીને હથિયારધારી લૂંટારૂઓએ કરોડોની મતા પર હાથ સાફ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં રાજકોટ ગ્રામ્ય પોલીસ વડાની સૂચનાથી અલગ-અલગ ટીમો તપાસમાં જોતરાઈ હતી.
તપાસ દરમિયાન પોલીસને કડી મળી હતી કે લૂંટારૂઓ ગુનો આચરીને મધ્યપ્રદેશ તરફ ભાગી ગયા છે, જેના આધારે એક વિશેષ ટીમ એમપી રવાના કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસની મદદથી ઓપરેશન પાર પાડી ત્રણ આરોપીઓને દબોચી લેવાયા હતા.
ત્રણેય આરોપીઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરાઈ
પોલીસ પૂછપરછમાં આ સમગ્ર ધાડ પાછળ એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં ફરી એકવાર 'ઘરના જ ભેદુએ લંકા ઢાડી' હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓના સગા અગાઉ ભોગ બનનાર જીતેન્દ્રસિંહ જાડેજાને ત્યાં જ કામ કરતા હતા.
આ સગાએ જ એમપીની ગેંગને પાકી બાતમી આપી હતી કે વૃદ્ધ જીતેન્દ્રસિંહ ઘરમાં એકલા જ રહે છે અને તેમની પાસે મોટી માત્રામાં રોકડ અને કિંમતી સામાન ઉપલબ્ધ છે. આ ટીપ મળતા જ લૂંટારૂઓએ ચોક્કસ પ્લાનિંગ કરીને ધાડ પાડી હતી. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી લૂંટનો અન્ય મુદ્દામાલ રિકવર કરવા અને આ ગુનામાં સામેલ અન્ય સ્થાનિક મદદગારોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
19 જૂન 2026ના રોજ બની હતી લૂંટની ઘટના
77 વર્ષના વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરમાં એકલા હતા ત્યારે દરવાજો તોડીને ઘૂસેલા બુકાનીધારીઓએ તેમને બંધક બનાવી રોકડ, દાગીના મળી રૂ. 2 કરોડ 50 લાખની માલમત્તાની લૂંટ ચલાવી હતી.
ફરિયાદી વેપારી છે અને વેપારના રૂપિયા ઘરે પડયા હતા અને લૂંટ થઈ હોવાની વાત સામે આવી છે. રૂરલ પોલીસની ટીમોએ સીસીટીવી ફૂટેજ ચકાસવાનું અને લૂંટારૂઓનું પગેરૂ શોધવા મહેનત આદરી હતી. પારડી નજીક કેટલાક શકમંદ કેમેરામાં કેદ થયાની માહિતી મળતાં તે તરફ તપાસ આગળ વધારાઈ હતી. લૂંટારા રાતે એકાદ વાગ્યા પછી ચાલીને આવ્યા હતાં અને લૂંટ કરીને ભાગી ગયા હતાં.
આ પણ વાંચો : Surat : ઇન્ડિગોની ફ્લાઇટ પર ગ્રીન લેઝર લાઇટ ફેંકાતા મચ્યો હડકંપ, મોટી દુર્ઘટના ટળી