આ ઘટનાને કારણે લેન્ડિંગ કરાવી રહેલા પાયલટની આંખો સામે અચાનક તીવ્ર પ્રકાશ આવી જતાં થોડી ક્ષણો માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, પાયલટની સતર્કતા અને સૂઝબૂઝના કારણે એક મોટી આકાશી દુર્ઘટના ટળી ગઈ છે.
એરપોર્ટના ટેકનિકલ ડેટાના આધારે લોકેશન ટ્રેસ કરાયું
દિલ્હીથી મુસાફરોને લઈને સુરત આવેલી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E-6511 જ્યારે સુરત એરપોર્ટના રનવે પર ટચ-ડાઉન કરવાની તૈયારીમાં હતી, ત્યારે આ ઘટના બની હતી.
પાયલટનું સંપૂર્ણ ફોકસ લેન્ડિંગ પર હતું તે જ સમયે અચાનક નીચે ગ્રાઉન્ડ પરથી કોઈકે પ્લેનના કોકપિટ (કાચની કેબિન) તરફ સતત ગ્રીન લેઝર લાઇટ મારી હતી. પાયલટની આંખો સામે આ તીવ્ર પ્રકાશ આવતા જ તેમણે તાત્કાલિક અસરથી એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને આ ગંભીર બાબતની તાકીદની જાણ કરી હતી.
સુરક્ષા વ્યવસ્થા સામે પણ મોટા સવાલો ઉભા કર્યા
એવિએશન નિયમો અનુસાર, વિમાનના ટેક-ઓફ કે લેન્ડિંગ સમયે આવી કોઈ પણ પ્રકારની લાઇટ ફેંકવી એ કાયદાકીય ગુનો છે અને તે વિમાનના સંતુલનને જોખમાવી શકે છે.
પાયલટની ફરિયાદ બાદ એરપોર્ટ ઓથોરિટી સફાળી જાગી છે. આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને સીઆઈએસએફ (CISF) અને સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. હાલમાં એરપોર્ટ આસપાસના રહેણાંક વિસ્તારો અને ઓપન ગ્રાઉન્ડ્સ પર તપાસ કેન્દ્રીત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Vadodara Vibrant Gujarat Regional Conference : મધ્ય ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર થશે, પ્રાદેશિક વિકાસ, રોકાણ પ્રોત્સાહન અને વૈશ્વિક ભાગીદારીનું મંચ મળશે