સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં પાણી ઘૂસી જતાં અંદાજે 800 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. 10 હજારથી વધુ દુકાનોમાં પાણી ફરી વળતા લાખોની સંખ્યામાં સાડીઓ અને કાપડનો જથ્થો બગડી ગયો છે.
64 જેટલી રેસ્ક્યુ બોટની મદદ લેવાઈ
એટલું જ નહીં, પૂરના પાણીમાં 3 હજારથી વધુ વાહનો ગરકાવ થઈ ગયા છે. તહેવારોની સીઝન નજીક હોવાથી વેપારીઓ માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. આ ભયાનક સ્થિતિમાં તંત્રની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
NDRF, SDRF, ફાયર વિભાગ અને પોલીસની ટીમો છેલ્લા બે દિવસથી ખડેપગે રહીને કામ કરી રહી છે. 64 જેટલી રેસ્ક્યુ બોટની મદદથી 5 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા હજુ પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
રેસ્ક્યુ કરાયેલા લોકોને શહેરની શાળા-કોલેજો, કોમ્યુનિટી હોલ અને શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો છે. સુરતમાં વીજળીની સ્થિતિ પણ ગંભીર છે. અકસ્માત ટાળવા માટે 600 ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવ્યા છે, પરિણામે 74 હજાર ગ્રાહકો અંધારામાં જીવન વિતાવવા મજબૂર બન્યા છે.
રાજ્ય સરકાર પણ આ મામલે સતર્ક છે. સુરતની કપરી સ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરત આવી રહ્યા છે. બપોરે 12 વાગ્યે તેઓ સિટી લાઈટ સ્થિત પાલિકાના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)ની મુલાકાત લેશે.
અહીં તેઓ અધિકારીઓ અને ધારાસભ્યો સાથે બે તબક્કામાં બેઠક કરી રાહત કામગીરી અંગે માર્ગદર્શન અને સૂચનાઓ આપશે. આ મુલાકાત બાદ મુખ્યમંત્રી પૂરગ્રસ્ત નવસારી જિલ્લાની મુલાકાત માટે રવાના થશે.
આ પણ વાંચો : Ahmedabad : જીવરાજ પાર્કમાં ડબલ આફત, એકસાથે બે 'ટ્વિન્સ' ભૂવા પડતા વાહન વ્યવહાર ઠપ્પ