Vadodara શહેરના ગીચ ગણાતા વાડી વિસ્તારમાં આજે સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. એક જર્જરિત જૂના મકાનની છત અચાનક ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં મકાનની અંદર રહેલા બે વ્યક્તિઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેમને ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરીને સહિસલામત બહાર કાઢ્યા હતા.
Vadodara ના વાડી વિસ્તારમાં આવેલ જૂનું મકાન ખૂબ જ જર્જરિત હાલતમાં હતું. વહેલી સવારે જ્યારે આ લોકો પોતાના ઘરની અંદર હતા, ત્યારે અચાનક ધડાકાભેર છતનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો અને જોતજોતામાં કાટમાળ નીચે બે લોકો દબાઈ ગયા હતા. આજુબાજુના સ્થાનિકોએ આ ઘટના જોઈને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા
ઘટના બનતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ખૂબ જ સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. મકાનની છત કાચી હોવાથી કાટમાળ હટાવવો પડકારજનક હતો, પરંતુ ફાયર બ્રિગેડના જવાનોએ કુશળતાપૂર્વક કાટમાળ ખસેડીને અંદર ફસાયેલા બંને વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
ચોમાસાની સીઝન દરમિયાન જૂના અને જર્જરિત મકાનો પડવાની ઘટનાઓ ચિંતાનો વિષય
ઘટનાની જાણ થતાં જ વાડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો જેથી અન્ય કોઈને ઈજા ન થાય. પ્રાથમિક તપાસમાં મકાન જૂનું અને જર્જરિત હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોએ અને પોલીસે આ મામલે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને પણ જાણ કરી છે.
આ પણ વાંચો : Junagadh Rain : માળિયાહાટીનામાં 7 ઈંચ વરસાદથી ગામમાં વહી નદી, કૃષિ પાક માટે વરસાદ બન્યો આશીર્વાદરૂપ