મચ્છર કરડ્યા પછી ખંજવાળવાથી શા માટે વધે છે બળતરા? જાણો નવું સંશોધન
Mosquito Bite Care: યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગના (University of Pittsburgh) રિસર્ચ મુજબ મચ્છર કરડ્યા પછી ખંજવાળવાથી માસ્ટ સેલ્સ (Mast Cells) વધુ સક્રિય થઈ હિસ્ટામિન અને સબસ્ટન્સ પી (Substance P) કેમિકલ છોડે છે. જેનાથી ત્વચા પર સોજો અને બળતરા વધે છે. ખંજવાળવાના બદલે આઇસ પેક (Ice Pack) કે કેલામાઇન લોશનનો (Calamine) ઉપયોગ કરવો હિતાવહ છે.
Advertisement
Mosquito Bite Care: મચ્છર (Mosquito) અથવા કોઈ ઝીણા કીડાના કરડ્યા પછી ત્વચા પર અસહ્ય ખંજવાળ આવવી એક સામાન્ય બાબત છે. સામાન્ય રીતે લોકો ખંજવાળીને તે સમયે રાહત મેળવવાનો પ્રયાસ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે ખંજવાળવાથી તમારી સમસ્યા અને ત્વચાનું નુકસાન બમણું થઈ જાય છે?
હાલમાં જ અમેરિકાની પ્રખ્યાત યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગના (University of Pittsburgh) વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે મચ્છરના કરડવા પર ખંજવાળવાથી શરીરમાં એવી જૈવિક પ્રક્રિયાઓ શરૂ થાય છે, જેનાથી ત્વચામાં સોજો અને લાલાશ ઝડપથી વધી જાય છે.
ઉંદર પર કરાયું રિસર્ચ: 'કોન ઓફ શેમ'થી થયો ખુલાસો
ડર્મોલોજિસ્ટ ડૉ. ડેનિયલ કેપ્લન (Dr. Daniel Kaplan) અને તેમની રિસર્ચ ટીમે સૌપ્રથમ આ પ્રયોગ ઉંદરો પર કર્યો હતો. ઉંદરોની ત્વચા પર ખંજવાળ ઉત્પન્ન કરતું ખાસ રસાયણ લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કેટલાક સામાન્ય ઉંદરોને ખંજવાળવા દેવામાં આવ્યા, જ્યારે અન્ય કેટલાક ઉંદરોને ખાસ પ્રકારનો કલર એટલે કે 'કોન ઓફ શેમ' પહેરાવવામાં આવ્યો જેથી તેઓ ખંજવાળી ન શકે. સંશોધનના અંતે બહાર આવ્યું કે જે ઉંદરો ખંજવાળી શક્યા નહોતા, તેમની ત્વચા પર સોજો અને લાલાશ ખૂબ જ ઓછી હતી.
ખંજવાળવાથી ત્વચામાં શું થાય છે?
ડૉ. કેપ્લનના જણાવ્યા મુજબ, આપણી ત્વચામાં માસ્ટ સેલ્સ નામની રોગપ્રતિકારક કોશિકાઓ હોય છે. જ્યારે કોઈ કીડો કરડે છે ત્યારે આ કોશિકાઓ હિસ્ટામિન નામનું કેમિકલ છોડે છે. જ્યારે આપણે તે જગ્યાએ ખંજવાળીએ છીએ ત્યારે મગજ સુધી પહોંચતા હળવા દર્દને કારણે ચેતાતંત્રમાંથી 'સબસ્ટન્સ પી' નામનો કેમિકલ મેસેન્જર મુક્ત થાય છે. આ કેમિકલ માસ્ટ સેલ્સને વધુ સક્રિય બનાવે છે, જેનાથી ત્વચા પર સોજો (Swelling) વધે છે, ખંજવાળ વધુ તીવ્ર બને છે.
આ ઉપરાંત લાલાશ અને બળતરા થાય છે અને ત્વચામાં ચેપ (Infection) લાગવાનું જોખમ રહે છે. જો મચ્છર કરડ્યા પછી શરૂઆતની 5 થી 10 મિનિટ સુધી ખંજવાળવામાં ન આવે, તો ખંજવાળ આપોઆપ ઓછી થઈ જાય છે.
ખંજવાળથી બચવાના સરળ અને અસરકારક ઉપાયો
ડોક્ટરોના મતે જો તમને ત્વચા પર બળતરા કે ખંજવાળ આવતી હોય તો નીચે મુજબના ઉપાયો અજમાવી શકાય છે:
આઇસ પેક : અસરગ્રસ્ત જગ્યા પર બરફનો ટુકડો ઘસવો.
કેલામાઇન લોશન કે મેન્થોલ ક્રીમ: ત્વચાને ઠંડક આપવા માટે ઉપયોગ કરવો.
હાઇડ્રોકોર્ટિઝોન ક્રીમ : ડોક્ટરની સલાહ મુજબ ક્રીમ લગાવવી.
ઓટમીલ બાથ : શરીરને શાતા આપવા માટે ઓટમીલના પાણીથી સ્નાન કરવું.
Disclaimer: (આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જ્ઞાન અને સંશોધન આધારિત છે. કોઈપણ ત્વચા સંબંધી ગંભીર સમસ્યા માટે નિષ્ણાત તબીબની સલાહ લેવી જરૂરી છે.)

