Yusuf Pathan: શું છે સમગ્ર મામલો?
વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલો 978 ચોરસ મીટરનો આ પ્લોટ વર્ષોથી વિવાદના કેન્દ્રમાં રહ્યો છે. વડોદરા મનપાનો આરોપ છે કે આ જમીન સરકારી છે અને તેના પર યુસુફ પઠાણ દ્વારા ગેરકાયદે રીતે કબજો કરવામાં આવ્યો છે. આ મામલો વર્ષ 2012થી કાયદાકીય પ્રક્રિયામાં અટવાયેલો છે. હાલમાં આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં વિચારાધીન છે. હાઈકોર્ટે તાજેતરમાં જ પૂર્વ ક્રિકેટરને તેમની તરફેણમાં દલીલો રજૂ કરવા માટે ચોક્કસ સમયમર્યાદા આપી છે, સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો જમીન પર દબાણ સાબિત થશે, તો તેમણે ભારે દંડ ભરવો પડશે.
કોર્ટમાં કેસ છતાં મનપા શા માટે ઉતાવળમાં છે?
સામાન્ય રીતે કોઈ પણ જમીનનો મામલો કોર્ટમાં હોય ત્યારે હરાજી જેવી પ્રક્રિયા ટાળવામાં આવે છે. પરંતુ વડોદરા મનપાના અધિકારીઓનું કહેવું છે કે, સિંગલ જજની બેન્ચના અગાઉના આદેશમાં આ જમીનને સરકારી ગણાવવામાં આવી છે અને પઠાણને દબાણકર્તા તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના મતે, આ જમીનોનો નિકાલ કરીને પાલિકા પોતાની આવક વધારવા માંગે છે. પાલિકાએ આ તમામ 7 પ્લોટના વેલ્યુએશન માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે, જેમાં આ વિવાદિત પ્લોટની કિંમત અંદાજે 2.10 લાખ પ્રતિ ચોરસ મીટર જેટલી ઊંચી આંકવામાં આવી રહી છે.
રાજકીય અને વહીવટી ગરમાવો
આ નિર્ણય બાદ શહેરના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. એક તરફ મનપા હરાજીની તૈયારીઓ કરી રહી છે, તો બીજી તરફ કોર્ટની પ્રક્રિયા ચાલુ હોવાથી આ હરાજી કાયદાકીય રીતે કેટલી માન્ય ગણાશે તે અંગે કાયદાકીય નિષ્ણાતોમાં ચર્ચા જાગી છે. શું વડોદરા મનપા કોર્ટના અંતિમ ચુકાદા પહેલા જ પ્લોટ વેચવાની હિંમત કરશે કે પછી આ માત્ર એક દબાણ કરવાની રણનીતિ છે, તે તો આવનારો સમય જ બતાવશે. જોકે, પાલિકાના આ નિર્ણયથી સ્થાનિક સ્તરે અને વહીવટી વર્તુળોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: Good News: સાબરડેરીના પશુપાલકો માટે ખુશખબર, બોર્ડ મિટિંગમાં ભાવફેરની રકમ નક્કી થશે