Adani Enterprises NCD Issue : બેંક FD ભૂલી જશો! મેળવો વાર્ષિક 8.90% વ્યાજ, જાણો વિગતો.
- અદાણી ગ્રુપનો રૂ.1000 કરોડનો ધમાકેદાર ઇશ્યૂ લોન્ચ (Adani Enterprises NCD Issue)
- બેંક FD કરતા વધુ 8.90% સુધીના વ્યાજની ઓફર
- રિટેલ રોકાણકારો માટે 35% હિસ્સો અનામત રખાયો
- 6 થી 19 જાન્યુઆરી સુધી રોકાણ કરવાની મોટી તક
- માત્ર રૂ.10,000 થી શરૂ કરી શકાશે સુરક્ષિત રોકાણ
Adani Enterprises NCD Issue : જો તમે તમારા રોકાણ પર બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરતા વધુ અને સ્થિર વળતર મેળવવા ઈચ્છો છો, તો અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) એક શાનદાર તક લઈને આવી છે. કંપનીએ રૂ.1,000 કરોડનો નોન-કન્વર્ટિબલ ડિબન્ચર (NCD) પબ્લિક ઇશ્યૂ લોન્ચ કર્યો છે, જે આજથી એટલે કે 6 જાન્યુઆરી 2026 થી રોકાણ માટે ખુલી ગયો છે. આ ઇશ્યૂમાં રોકાણકારોને વાર્ષિક 8.90% સુધીનું આકર્ષક વ્યાજ મેળવવાની તક મળી રહી છે.
અદાણી એન્ટરપ્રાઇઝ NCD ઇશ્યૂ વિગતો
અદાણી એન્ટરપ્રાઇઝનો આ ત્રીજો પબ્લિક બોન્ડ ઇશ્યૂ છે. જેમાં રૂ.500 કરોડનો બેઝ ઇશ્યૂ અને રૂ.500 કરોડ સુધીનો ગ્રીન શૂ ઓપ્શન રાખવામાં આવ્યો છે. જો રોકાણકારો તરફથી વધુ પ્રતિસાદ મળશે, તો કંપની કુલ રૂ.1,000 કરોડ એકત્ર કરશે. આ ઇશ્યૂ 19 જાન્યુઆરી 2026 સુધી ખુલ્લો રહેશે, પરંતુ ‘વહેલા તે પહેલા’ના ધોરણે ફાળવણી થતી હોવાથી તે નિર્ધારિત સમય કરતા વહેલો પણ બંધ થઈ શકે છે. અગાઉના ઇશ્યૂને મળેલા જબરદસ્ત પ્રતિસાદને જોતા આ વખતે પણ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Adani Enterprises NCD Issue : રિટેલ રોકાણકારો માટે ફાયદાકારક તક
આ ઇશ્યૂમાં 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે, જેથી સામાન્ય રોકાણકારોને વધુ લાભ મળી શકે. અદાણી ગ્રુપના CFO જુગેશિંદર ‘રબી’ સિંઘે જણાવ્યું હતું કે, આ ઇશ્યૂ રોકાણકારોને ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથનો હિસ્સો બનવાની તક આપે છે. એરપોર્ટ, ડેટા સેન્ટર્સ અને ગ્રીન હાઇડ્રોજન જેવા ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં કંપની મજબૂત પકડ ધરાવે છે.
Adani Enterprises
ક્રેડિટ રેટિંગ અને સુરક્ષા
રોકાણકારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ NCD ને ICRA અને CARE Ratings દ્વારા 'AA-' સ્ટેબલ રેટિંગ આપવામાં આવ્યું છે. આ રેટિંગ દર્શાવે છે કે કંપની આર્થિક રીતે સક્ષમ છે અને સમયસર વ્યાજ તથા મુદ્દલ ચૂકવવાની ક્ષમતા ધરાવે છે. રોકાણકારો ઓછામાં ઓછા રૂ.10,000 થી રોકાણ શરૂ કરી શકે છે અને 24, 36 કે 60 મહિનાના સમયગાળા માટેના વિકલ્પો પસંદ કરી શકે છે.
વ્યાજ દરોનું માળખું
કંપનીએ વ્યાજ ચૂકવણી માટે કુલ 8 અલગ-અલગ સિરીઝ રાખી છે. 24 મહિનાના રોકાણ પર 8.60%, 36 મહિના પર 8.75% અને 60 મહિનાના લાંબા ગાળાના રોકાણ પર વાર્ષિક 8.90% સુધીનું મહત્તમ વ્યાજ મળશે. આ વ્યાજ દર હાલમાં મુખ્ય સરકારી બેંકો દ્વારા અપાતા 7% થી 7.50% વ્યાજ દર કરતા ઘણો વધારે છે.
ભવિષ્યના લક્ષ્યો અને જોખમો
ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલી રકમનો 75% હિસ્સો દેવું ચૂકવવા માટે અને બાકીનો 25% હિસ્સો કોર્પોરેટ જરૂરિયાતો માટે વપરાશે. જોકે, રોકાણ કરતા પહેલા એ વાત ધ્યાનમાં લેવી જરૂરી છે કે ભવિષ્યમાં રેટિંગમાં ફેરફાર કે બજારની વધઘટ બોન્ડની કિંમત પર અસર કરી શકે છે. તેમ છતાં, પાછલા 5 વર્ષમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં થયેલો 354% નો વધારો કંપનીની મજબૂતી સાબિત કરે છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. ગુજરાત ફર્સ્ટ તેની સંપૂર્ણતા કે સચોટતાની ખાતરી આપતા નથી. કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
આ પણ વાંચો : Zomato ના CEO ને મહામાનવ બનવાના અભરખા, લમણે લગાવેલું ડિવાઇસ ચર્ચામાં


