Bank Holiday 2026: દિવાળી અને ધનતેરસના તહેવારો નજીક આવતાં લોકો ખરીદી અને નાણાકીય વ્યવહારોની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. આ દરમિયાન 6 નવેમ્બરે ધનતેરસના દિવસે બેંકો ખુલ્લી રહેશે કે બંધ, તે અંગે લોકોમાં સવાલો ઊભા થયા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના રજાના કેલેન્ડર મુજબ, ધનતેરસના દિવસે મોટાભાગનાં રાજ્યોમાં બેંકોમાં સામાન્ય કામગીરી ચાલુ રહેશે. જોકે, દિવાળી બાદ અલગ-અલગ રાજ્યોમાં બેંક રજાઓ જાહેર કરવામાં આવી છે.
6 નવેમ્બરે ધનતેરસે બેંકો ખુલ્લી રહેશે?
આ વર્ષે ધનતેરસ 6 નવેમ્બર, શુક્રવારે ઉજવાશે. આ દિવસે દિલ્હી અને ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં બેંકો ખુલ્લી રહેવાની છે. ગ્રાહકો રોકડ જમા કરાવવા (Cash Deposit), ચેક સંબંધિત કામગીરી (Cheque Clearing) અને પાસબુક અપડેટ સહિતનાં કામ કરી શકશે. જોકે, કોઈ સ્થાનિક રજા અથવા શાખા સંબંધિત ફેરફાર હોય તો બેંકની મુલાકાત પહેલાં માહિતી મેળવી લેવી જરૂરી છે.
દિવાળીના દિવસે બેંકો બંધ રહેશે
આ વર્ષે દિવાળી 8 નવેમ્બર, રવિવારે છે. રવિવાર હોવાથી દેશભરની બેંક શાખાઓમાં નિયમિત રજા રહેશે. ઉપરાંત 9, 10 અને 11 નવેમ્બરે વિવિધ રાજ્યોમાં ગોવર્ધન પૂજા (Govardhan Puja), બાલી પ્રતિપદા (Bali Pratipada), વિક્રમ સંવત નવવર્ષ અને ભાઈબીજ (Bhai Dooj) નિમિત્તે રજા રહેશે.
ગુજરાતમાં ક્યારે બેંક રજા રહેશે?
ગુજરાતના બેંક ગ્રાહકો માટે ખાસ મહત્વની તારીખ 10 નવેમ્બર છે. રાજ્ય સરકારની જાહેર બેંક રજાઓની યાદી મુજબ, 10 નવેમ્બર, મંગળવારે વિક્રમ સંવત નવવર્ષ નિમિત્તે બેંકો બંધ રહેશે. જ્યારે 8 નવેમ્બરે દિવાળી રવિવારે હોવાથી બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે. 6 નવેમ્બરે ધનતેરસ માટે ગુજરાતની જાહેર બેંક રજાઓની યાદીમાં અલગ રજા દર્શાવવામાં આવી નથી.
9થી 11 નવેમ્બર દરમિયાન ક્યાં બેંકો બંધ?
રાજ્યવાર રજાઓ અનુસાર 9 નવેમ્બરે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત કેટલાક વિસ્તારોમાં બેંકો બંધ રહેશે. 10 નવેમ્બરે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને અન્ય પસંદગીના રાજ્યોમાં રજા રહેશે. જ્યારે 11 નવેમ્બરે ભાઈબીજ અને અન્ય તહેવારોના કારણે ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ સહિતનાં વિસ્તારોમાં બેંક રજા રહેશે. બેંક રજાઓ રાજ્ય પ્રમાણે અલગ હોવાથી ગ્રાહકોએ સ્થાનિક યાદી તપાસવી જોઈએ.
બેંક બંધ હોય તો પણ આ સેવાઓ ચાલુ રહેશે
તહેવારો દરમિયાન બેંક શાખાઓ બંધ હોવા છતાં ડિજિટલ બેંકિંગ (Digital Banking) સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે. ગ્રાહકો યુપીઆઈ (UPI), મોબાઇલ બેંકિંગ (Mobile Banking), નેટ બેંકિંગ (Net Banking) અને એટીએમ (ATM) મારફતે નાણાકીય વ્યવહારો કરી શકશે. જોકે, રોકડ ઉપાડવાની મર્યાદા અથવા ટેક્નિકલ સમસ્યાને કારણે મુશ્કેલી ન પડે તે માટે જરૂરી બેંકિંગ કામ સમયસર પૂર્ણ કરવાં હિતાવહ છે.
નવેમ્બર 2026ની મુખ્ય બેંક રજાઓ
- 6 નવેમ્બર શુક્રવાર ધનતેરસ – મોટાભાગે બેંકો ખુલ્લી
- 8 નવેમ્બર રવિવાર દિવાળી – દેશભરમાં સાપ્તાહિક રજા
- 9 નવેમ્બર સોમવાર દિવાળી અને ગોવર્ધન પૂજા – પસંદગીનાં રાજ્યો
- 10 નવેમ્બર મંગળવાર ગુજરાતી નવવર્ષ અને બાલી પ્રતિપદા – ગુજરાત સહિત કેટલાંક રાજ્યો
- 11 નવેમ્બર બુધવાર ભાઈબીજ તથા અન્ય તહેવારો – પસંદગીનાં રાજ્યો
આ પણ વાંચો : Share Market Today: શેરબજારમાં તેજીનો ધમાકો! સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,550ને પાર