Billionaire Overnight : કેરળમાંથી એક એવી આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો. સામાન્ય રીતે લોકો કરોડપતિ બનવા માટે વર્ષો સુધી મહેનત કરતા હોય છે, પરંતુ કેરળનો એક વેપારી અચાનક અબજોપતિ બની ગયો હતો. વેપારીએ સવારે પોતાનું બેંક ખાતું ચેક કર્યું ત્યારે તેમાં ₹3,500 કરોડથી વધુનું બેલેન્સ દેખાતાં તેના હોશ ઊડી ગયા હતા. જોકે, આ ખુશી લાંબો સમય ટકી નહોતી. તપાસ દરમિયાન સમગ્ર ઘટનાનું કારણ કંઈક અલગ જ સામે આવ્યું હતું.
બેંક બેલેન્સ જોઈ વેપારીને લાગ્યો મોટો આંચકો
કેરળના કોચી નજીક આવેલા ત્રિપુણિતુરામાં દર્શન સુપરમાર્કેટ ચલાવતા સુમેશ કુમાર સાથે આ અનોખી ઘટના બની હતી. રોજિંદા વ્યવહારની જેમ તેમણે સવારે પોતાના બેંક ખાતાનું બેલેન્સ (Bank Balance) તપાસ્યું હતું. પરંતુ સ્ક્રીન પર દેખાતી રકમ જોઈ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમના ખાતામાં અચાનક ₹3,500 કરોડથી વધુની રકમ દેખાઈ રહી હતી. આટલી મોટી રકમ ક્યાંથી આવી તે અંગે તેઓ મૂંઝવણમાં મુકાયા હતા.
₹7 કરોડના મેસેજ અને ખાતામાં ₹3,500 કરોડ!
અહેવાલ પ્રમાણે, સુમેશ કુમારને તેમના બેંક ખાતામાં કાર્ડ સ્વાઇપિંગ ટ્રાન્ઝેક્શન (Card Swipe Transaction) મારફતે 3.5 કરોડ રૂપિયા બે વખત જમા થયાના મેસેજ મળ્યા હતા. એટલે કે કુલ 7 કરોડ રૂપિયાની ક્રેડિટ અંગે સૂચના મળી હતી. પરંતુ ખાતામાં દેખાતું બેલેન્સ તેનાથી અનેકગણું વધારે હતું. આ અસામાન્ય બાબત ધ્યાનમાં આવતાં તેમણે વિલંબ કર્યા વિના બેંકનો સંપર્ક કર્યો હતો.
બેંકની ટેક્નિકલ ખામીથી સર્જાયો ગોટાળો
વેપારીની જાણ બાદ બેંક અધિકારીઓએ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે બેંકિંગ સિસ્ટમમાં સર્જાયેલી ટેક્નિકલ ખામી (Bank Technical Glitch)ને કારણે ખાતામાં ખોટું બેલેન્સ દેખાતું હતું. બેંકની ટેક્નિકલ ટીમે સમસ્યાનું નિરાકરણ લાવતાં સાંજ સુધીમાં ખાતાનું બેલેન્સ સામાન્ય થઈ ગયું હતું.
સવારે અબજોપતિ, સાંજે ફરી સામાન્ય વેપારી!
આ ઘટના સુમેશ કુમાર માટે આશ્ચર્યજનક અનુભવ બની રહી હતી. થોડા કલાકો માટે તેમના ખાતામાં અબજો રૂપિયાની રકમ દેખાઈ, પરંતુ હકીકતમાં આ નાણાં તેમની માલિકીનાં નહોતાં. સમગ્ર ઘટનાએ ડિજિટલ બેંકિંગ (Digital Banking)માં ટેક્નિકલ ભૂલના કારણે કેવી અસામાન્ય પરિસ્થિતિ સર્જાઈ શકે છે તે દર્શાવ્યું છે. બેંકની સમયસરની કાર્યવાહીને કારણે ગોટાળાનો અંત આવ્યો હતો.
આ પણ વાંચો : Virat Kohli Controversy: 5 કરોડના દાવા પર ફલાહારી બાબાનો યુ-ટર્ન, ફલાહારી બાબાએ પ્રેમાનંદ મહારાજની માગી માફી