CIBIL ની ઝંઝટમાંથી છુટકારો, RBI એ કરી મોટી સ્પષ્ટતા, લોન ઇચ્છુકોને રાહત
- RBI દ્વારા પ્રથમ વખત લોન લેનારાઓ માટે મોટી રાહત અપાઇ
- સીબીલ સ્કોરના આધારે લોન નકારવી યોગ્ય નથી
- દરેક વ્યક્તિ વર્ષમાં એક વખત ઇલેક્ટ્રોનિક ફોરમેટમાં ક્રેડિટ રિપોર્ટ મેળવી શકે
CIBIL For Loan Approval : જો તમે પહેલી વાર બેંકમાંથી લોન (First Time Bank Loan) લેવાનું વિચારી રહ્યા છો અને તમારી પાસે CIBIL સ્કોર (CIBIL Score) નથી અથવા તે ખૂબ ઓછો છે, તો હવે તમારી ચિંતાઓ દૂર થઈ શકે છે. સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સ્પષ્ટતા કરી છે કે, પહેલી વાર લોન લેનારાઓ માટે હવે ન્યૂનતમ CIBIL સ્કોર ફરજિયાત રહેશે નહીં. આનો અર્થ એ છે કે, કોઈ પણ બેંક ફક્ત એટલા માટે લોન નકારી શકે નહીં, કારણ કે તમારી પાસે ક્રેડિટનો રેકોર્ડ નથી.
લાખો લોકો માટે આવકારદાયક રાહત
6 જાન્યુઆરી, 2025 ના રોજ જારી કરાયેલા માસ્ટર ડાયરેક્શનમાં, RBI એ બેંકોને સલાહ આપી હતી કે, પહેલી વાર લોન લેનારા અરજદારોને ફક્ત એટલા માટે નકારી ના કાઢો કારણ કે, તેમની પાસે ક્રેડિટ રેકોર્ડ નથી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ પગલું પહેલી વાર ઘર, કાર અથવા વ્યક્તિગત લોન મેળવવા માંગતા લાખો લોકો માટે આવકારદાયક રાહત છે.
ફી અને મફત રિપોર્ટ્સ
ઘણા લોકોએ CIBIL રિપોર્ટ મેળવવા માટે લેવામાં આવતી ઊંચી ફી અંગે ફરિયાદ કરી હતી. નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ ક્રેડિટ રેકોર્ડ કંપની રૂ. 100 થી વધુ ચાર્જ કરી શકતી નથી. વધુમાં, RBI એ ફરજિયાત બનાવ્યું છે કે, દરેક વ્યક્તિ વર્ષમાં એકવાર ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં તેમનો સંપૂર્ણ ક્રેડિટ રિપોર્ટ મફતમાં મેળવી શકે છે. આ નિયમ 1 સપ્ટેમ્બર, 2016 થી અમલમાં આવ્યો છે.
CIBIL સ્કોર શું છે ?
CIBIL સ્કોર, અથવા ક્રેડિટ સ્કોર, 300 થી 900 સુધીનો ત્રણ-અંકનો નંબર છે. આ આંકડો જેટલો ઊંચો હશે, તમારી ક્રેડિટ યોગ્યતા એટલી જ મજબૂત હશે અને લોન મંજૂરીની શક્યતા એટલી જ વધારે હશે. ક્રેડિટ રિપોર્ટ એ તમારી બેંક લોન અથવા ક્રેડિટ કાર્ડ સાથે સંકળાયેલ ચુકવણી રેકોર્ડ છે.
લોનની ઉપલબ્ધતા, પરંતુ ચકાસણી જરૂરી
પ્રથમ વખત લોન લેનારાઓ માટે CIBIL સ્કોર જરૂરી નથી, પરંતુ બેંકોએ ડ્યુ ડિલિજન્સ કરવાની જરૂર પડશે. આમાં અરજદારનું નાણાકીય વર્તન, પાછલા હપ્તાના રેકોર્ડ, લોન સેટલમેન્ટ અથવા રિસ્ટ્રક્ચરિંગની વિગતો, અને મોડી ચુકવણી અથવા બાકી લોન જેવી માહિતી શામેલ છે. જેનો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે, ક્રેડિટ ઇતિહાસ વિનાના લોકો પણ લોનનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે.
આ પણ વાંચો ----- સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! 24 કેરેટ ગોલ્ડ 1,24,090, જાણો તમારા શહેરનો રેટ