રશિયા વિરુદ્ધ મોરચાબંધી: યુરોપિયન યુનિયનના પ્રતિબંધોની સીધી અસર ગુજરાતની રિફાઈનરી પર, ભારતનો વિરોધ
- રશિયા વિરુદ્ધ મોરચાબંધી: યુરોપિયન યુનિયનના પ્રતિબંધોની સીધી અસર ગુજરાતની રિફાઈનરી પર, ભારતનો વિરોધ
- રશિયા ઉપર અનેક પ્રતિબંધો લાદવામાં આવતા ભારતીય ઉર્જા ક્ષેત્રે મુશ્કેલી ઉભી થવાનો ડર
નવી દિલ્હી: યુરોપિયન યુનિયન (EU)એ શુક્રવારે રશિયાના તેલ નિકાસ પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી. આનાથી ગુજરાતના વડીનારમાં આવેલી નાયરા એનર્જીની રિફાઈનરી ભારતમાં પ્રથમ વખત પશ્ચિમી પ્રતિબંધો (Western Sanctions)ના દાયરામાં આવી છે. આ પ્રતિબંધોનો હેતુ રશિયાના યુદ્ધ પ્રયાસો માટે નાણાકીય પુરવઠો રોકવાનો છે. યુરોપિયન યુનિયનના વિદેશ નીતિ વડા કાજા કૈલાસે જણાવ્યું, “પ્રથમ વખત, અમે ફ્લેગ રજિસ્ટ્રી અને ભારતમાં રોસનફ્ટની સૌથી મોટી રિફાઈનરીને નિશાન બનાવી રહ્યા છીએ.”
ભારત-રશિયા સંબંધો હંમેશા ઉત્તમ રહ્યા છે. વેપારની દ્રષ્ટિએ પણ બંને દેશો નજીક છે. જ્યારે અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદ્યા ત્યારે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું શરૂ કર્યું. ભારતની તેલની જરૂરિયાતને રશિયા ઘણી હદે પૂરી કરી રહ્યું હતું. પરંતુ ત્યારબાદ અમેરિકાએ દબાણ કર્યું અને ભારત હવે અમેરિકી તેલ કંપનીઓ દ્વારા પણ તેલ ખરીદે છે. માત્ર યુરોપિયન યુનિયન જ નહીં, પરંતુ અમેરિકા પણ હવે રશિયા વિરુદ્ધ આર્થિક મોરચાબંધીમાં જોડાયું છે. રશિયાની સાથે હવે ચીન, ઉત્તર કોરિયા અને ઈરાન ખુલ્લેઆમ ઊભા છે. પરંતુ આ EU અને નાટો દેશો દ્વારા રશિયાની ઘેરાબંધી સિવાય બીજું કશું નથી.
ભારતે આ પ્રતિબંધોનો કડક વિરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું, “ભારત કોઈપણ એકતરફી પ્રતિબંધોના પગલાંને સ્વીકારતું નથી. અમે એક જવાબદાર દેશ છીએ અને અમારી કાયદેસર જવાબદારીઓ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.” તેમણે ઊર્જા સુરક્ષાને ભારતના નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવાની સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી અને ઊર્જા વેપારમાં બેવડા માપદંડોની ટીકા કરી છે.
રિફાઈનરી અને રોસનફ્ટની હિસ્સેદારી
નાયરા એનર્જીની વડીનાર રિફાઈનરી જેની વાર્ષિક ક્ષમતા 20 મિલિયન ટન છે, રશિયાની તેલ કંપની રોસનફ્ટે 2017માં ટ્રાફિગુરા અને રશિયન રોકાણ ફર્મ UCP સાથે મળીને $12.9 બિલિયનમાં ખરીદી હતી. રોસનફ્ટ પાસે આ ઉદ્યોગમાં 49.1% હિસ્સો છે. આ રિફાઈનરી મુખ્યત્વે યુરોપ અને આફ્રિકામાં નિકાસ પર નિર્ભર છે, કારણ કે તેનું ઘરેલું નેટવર્ક માત્ર 6,750 ઈંધણ સ્ટેશનોનું છે. રશિયન તેલથી બનેલા ઉત્પાદનો પરના પ્રતિબંધો નિકાસને અસર કરી શકે છે, જેનાથી સંચાલન અને રોજગારી-નોકરીઓ પર જોખમ ઊભું થઈ શકે છે.
પ્રતિબંધોની અસર
યુરોપિયન યુનિયને રશિયન તેલ પરની કિંમત મર્યાદા $60 પ્રતિ બેરલથી ઘટાડીને બજાર કિંમતથી 15% નીચે નક્કી કરી છે. આનાથી ભારત જે રશિયન તેલનો બીજો સૌથી મોટો ખરીદદાર છે, તેને સસ્તા દરે તેલ ખરીદવાનો લાભ મળી શકે છે. જોકે, આ પ્રતિબંધો નાયરાની નિકાસ ક્ષમતાને અસર કરી શકે છે, જેનાથી રોસનફ્ટની આ ઉદ્યોગમાંથી બહાર નીકળવાની યોજના પણ અટકી શકે છે. અગાઉ સમાચાર હતા કે રોસનફ્ટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે તેનો હિસ્સો વેચવા માટે વાતચીત શરૂ કરી હતી, પરંતુ $20 બિલિયનની માંગણીની કિંમત એક અડચણ હતી.
ભારતની સ્થિતિ શું છે?
ભારતે હંમેશા રશિયા સાથેના તેના ઊર્જા સંબંધોનો બચાવ કર્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભારત વૈશ્વિક ઊર્જા પુરવઠા શૃંખલાની વાસ્તવિકતાઓને સમજે છે અને રાહતદરે તેલની ખરીદીથી વૈશ્વિક બજારોને સ્થિર કરવામાં મદદ કરી છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે રશિયાથી તેલ આયાતે વિશ્વભરમાં તેલની કિંમતોને $120-130 પ્રતિ બેરલ સુધી વધતી અટકાવી છે.
આ પ્રતિબંધ યૂરોપીયન સંઘ દ્વારા રશિયા વિરૂદ્ધ 18મું આર્થિક કાર્યવાહીનો ભાગ છે, જે 2022માં યૂક્રેન પર રશિયાના આક્રમણ પછી લાગું કરવામાં આવ્યું છે. આ ઉપાયોમાં રશિયન બેંકો પર લેવડદેવડનું પ્રતિબંધ, યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા સમાન ઉપર નિકાસ પર પ્રતિબંધ અને રશિયાના શેડ ફ્લીટના 400થી વધારે જહાજો પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.
ભારતે આ પ્રતિબંધોને અયોગ્ય ગણાવતા કહ્યુ કે તેઓ પોતાની ઉર્જા સુરક્ષાને પ્રાથમિકતા આપે છે અને વૈશ્વિક શાંતિ અને સ્થિપતા માટે પ્રતિબંદ્ધ છે. આ ઘટના ભારત-રશિયા સંબંધો અને વૈશ્વિક ઉર્જા વ્યાપારની જટિલતાઓને વધારે ગંભીર બનાવવા જઈ રહી છે.
આ પણ વાંચો- માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની આવકમાં 223%નો ઉછાળો: ADRનો ચોંકાવનારો રિપોર્ટ