India GDP Growth Forecast 2026: ક્રૂડ ઓઈલના ભાવ ઘટતાં બદલાયા સમીકરણો
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી શાંતિ વાર્તાના પરિણામે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ સ્થિતિના કારણે સપ્લાય ચેન સાથે જોડાયેલી તમામ મુશ્કેલીઓ પણ ઘણી ઓછી થઈ ગઈ છે. આ સકારાત્મક સંકેતો વચ્ચે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સેશે વર્ષ 2026 માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટ 6.8% રહેવાની આશા વ્યક્ત કરી છે. અગાઉ આ જ એજન્સીએ ભારતનો વિકાસ દર 6.5% રહેવાનું અનુમાન લગાવ્યું હતું. તે સિવાય નાણાકીય વર્ષ 2027 માટે પણ ભારતના જીડીપી ગ્રોથ રેટનું અનુમાન 40 બેસિસ પોઈન્ટ વધારીને 6.5% કરવામાં આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે કાચા તેલના ભાવમાં થયેલા ઘટાડાથી ભારતીય અર્થતંત્ર પરનું જોખમ ઘણું ઓછું થયું છે.
India GDP Growth Forecast 2026: ભારતમાં મોંઘવારી દરમાં પણ ઘટાડો
વૈશ્વિક બેંકે ભારતમાં મુખ્ય મોંઘવારી દરના અનુમાનમાં પણ 0.2% નો ઘટાડો કરીને તેને 4.4% કર્યો છે. તેની સાથે જ દેશની ચાલુ ખાતાની ખાધનું અનુમાન પણ 0.2% ઘટાડીને જીડીપીના 1.1% સુધી સીમિત રાખવામાં આવ્યું છે. આ વર્ષે બેલેન્સ ઓફ પેમેન્ટ્સ જીડીપીના 0.7% સરપ્લસ પર રહેવાની સંભાવના છે. વર્ષ 2026 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતાં વધુ સારી આર્થિક પ્રવૃત્તિઓ જોવા મળી હતી. મજબૂત રોકાણ અને સર્વિસ સેક્ટરમાં શાનદાર તેજીના લીધે પ્રથમ ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક જીડીપી ગ્રોથ વાર્ષિક ધોરણે 7.8% નોંધાયો હતો.
સબસિડીના બોજમાંથી સરકારને મુક્તિ
અગાઉ ઇંધણના ભાવમાં થયેલા વધારાના લીધે બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં વપરાશની ગતિ થોડી ધીમી પડી શકે છે. જો કે ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાની જરૂરિયાત હવે નહિવત રહી છે. આ બદલાવ ત્રીજા ક્વાર્ટર પછી સ્થાનિક ખર્ચ પરનું દબાણ ઘણું ઓછું કરશે. વૈશ્વિક સ્તરે કોમોડિટીની કિંમતો નરમ પડવાથી ખાતર અને પેટ્રોલિયમ પેદાશો પર સરકારના સબસિડી બિલમાં મોટો ઘટાડો થશે. ઓઈલના નીચા ભાવના કારણે પેટ્રોકેમિકલ ઉત્પાદનો પરનું દબાણ પણ ઘટ્યું છે.
આર્થિક રિકવરી સામે સામાન્ય અડચણો
તેલની ઓછી કિંમતો અને વિદેશથી આવતા નાણાંના પ્રવાહે ભારતના બાહ્ય ક્ષેત્રના આઉટલુકને મજબૂત બનાવ્યો છે. આમ છતાં હવામાન સંબંધિત અનિશ્ચિતતાઓ અર્થતંત્ર માટે થોડો સમય ચિંતા ઊભી કરી શકે છે. ભૂતકાળમાં વધેલા ઇંધણના ભાવની અસર બજારમાં હજુ પણ થોડી જોવા મળી રહી છે. આ પરિબળો વર્ષના અંતમાં અર્થતંત્ર ફરી તેજી પકડે તે પહેલાં વપરાશની પ્રક્રિયામાં થોડા સમય માટે અવરોધ પેદા કરી શકે છે.
આ પણ વાંચો--- 8th Pay Commission News : આઠમું પગાર પંચ લાગુ થાય તે પહેલા વધી શકે છે પગાર, DAમાં થઈ શકે છે વધારો