Pregabalin દવા પર સરકારની સખ્તી, કડક નિયમો લદાયા, જાણો કારણ !
Pregabalin : શુક્રવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડ્રગ્સ રૂલ્સ 1945 હેઠળ શિડ્યુલ H1 માં દવા 'પ્રેગાબાલિન' નો સમાવેશ કરવા માટે એક સૂચના જારી કરી છે. ઘણા રાજ્યોમાંથી યુવાનોમાં પ્રેગાબાલિન દવાનો દુરુપયોગ અને ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે તેવા અહેવાલો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Pregabalin, દંડનીય કાર્યવાહી કરાશે
સરકારે સ્પષ્ટતા કરી છે કે, નિયમોનું ઉલ્લંઘન અથવા પાલન ન કરવા પર ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, 1940 અને સંબંધિત નિયમો હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. પ્રેગાબાલિન દવાનો ઉપયોગ સામાન્ય રીતે ક્રોનિક પીડા, ન્યુરોપથી, ફાઈબ્રોમીઆલ્ગીઆ અને અમુક ન્યુરોલોજીકલ વિકૃતિઓની સારવાર માટે કરવામાં આવે છે.
Pregabalin, દવાઓનો દુરઉપયોગ
જોકે, મંત્રાલય અનુસાર, તેની શામક, ઉત્સાહપૂર્ણ અને મનોવૈજ્ઞાનિક અસરોને કારણે પણ દવાનો દુરુપયોગ થઈ રહ્યો હતો. દેશના ઘણા ભાગોમાંથી પ્રેગાબાલિનના ગેરકાયદેસર સંગ્રહ અને અનધિકૃત વેચાણના કિસ્સાઓ પણ નોંધાયા છે.
માન્ય પ્રિસ્ક્રિપ્શન પર જ વેચાશે
નવા નોટિફિકેશન પછી, આ દવા હવે શેડ્યૂલ H ને બદલે શેડ્યૂલ H1 ના કડક નિયમો હેઠળ નિયંત્રિત કરવામાં આવશે. આ હેઠળ, પ્રેગાબાલિન ફક્ત રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (RMP) ના માન્ય પ્રિસ્ક્રિપ્શન પર જ વેચવામાં આવશે.
અલગથી રેકોર્ડ રાખવો પડશે
દવા વેચનારને વેચાણ અને પ્રિસ્ક્રિપ્શનનો અલગ રેકોર્ડ રાખવાનો રહેશે, જ્યારે ઉત્પાદકોએ દવાના પેકેજિંગ પર "શેડ્યૂલ H1 ડ્રગ ચેતવણી" નો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે.
એક મહત્વપૂર્ણ પગલું
સરકારે જણાવ્યું હતું કે, આ પગલાનો હેતુ સપ્લાય ચેઇનમાં જવાબદારી વધારવા, અમાન્ય દવાઓની ઉપલબ્ધતાને રોકવા, પ્રિસ્ક્રિપ્શન મોનિટરિંગને મજબૂત બનાવવા અને ગેરકાયદેસર દવાના વેપારને રોકવાનો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નિર્ણય જાહેર આરોગ્યના રક્ષણ અને યુવાનોમાં વધતા ડ્રગના દુરુપયોગને રોકવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
આ પણ વાંચો - Sensex Reshuffle : મોટા શેરને તગેડવાની તજવીજ, જાણો કોણ લેશે નિર્ણય


