Rajiv Kumar: ભારતની અગ્રણી ખાનગી બેંક, એચડીએફસી બેંક (HDFC Bank) દ્વારા એક મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે દેશના જાણીતા પબ્લિક પોલિસી લીડર અને પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમારને બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન (Part-time Chairman) અને એડિશનલ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ નિર્ણય 29 જૂન, 2026ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં લેવાયો હતો.
નિમણૂકનો સમયગાળો અને શરતો
બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી અનુસાર, રાજીવ કુમારની એડિશનલ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે 4 વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે, જે 30 જૂન, 2026થી અમલમાં આવશે. આ નિમણૂક આગામી શેરધારકોની મંજૂરીને આધીન રહેશે. આ ઉપરાંત, તેમને 3 વર્ષના સમયગાળા માટે પાર્ટ-ટાઇમ ચેરમેન તરીકે પણ નિયુક્ત કરાયા છે, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India - RBI)ની મંજૂરી મળ્યા બાદ અમલી બનશે. તેઓ નિવૃત્તિના રોટેશન નિયમોથી મુક્ત રહેશે.
બેંકિંગ સેક્ટરના તારણહાર તરીકેની સફર
66 વર્ષીય રાજીવ કુમાર 1984 બેચના પૂર્વ આઈએએસ (IAS) અધિકારી છે. વર્ષ 2017થી 2020 દરમિયાન નાણાકીય સેવાઓ વિભાગના સચિવ તરીકે તેમના કાર્યકાળને ભારતીય બેંકિંગ ક્ષેત્રના પુનરુત્થાન માટે સુવર્ણકાળ માનવામાં આવે છે. તે સમયે બેંકો ઊંચા એનપીએ (NPA), મૂડીની અછત અને પોન્ઝી સ્કીમો જેવા ગંભીર પડકારોનો સામનો કરી રહી હતી.
તેમણે બેંકિંગ ક્ષેત્રને બેઠું કરવા માટે '4R Strategy' અમલમાં મૂકી હતી. આ વ્યૂહરચના હેઠળ સરકારી બેંકોમાં 3 લાખ કરોડથી વધુની મૂડીનું રોકાણ (Recapitalization) કરવામાં આવ્યું અને 27 સરકારી બેંકોનું વિલીનીકરણ કરીને 12 મજબૂત બેંકો બનાવવામાં આવી હતી. તેમણે જ જનધન યોજના (Jan Dhan Framework) અને ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કવરેજને 1 લાખથી વધારીને 5 લાખ કરવાનું ઐતિહાસિક કામ કર્યું હતું.
મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે આપી ચૂક્યા છે સેવા
રાજીવ કુમાર (Mr. Rajiv Kumar) ભારતના 25મા મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) તરીકે સેવા આપી ચૂક્યા છે, જેમના નેતૃત્વમાં 2024ની લોકસભા ચૂંટણીમાં રેકોર્ડ 642 મિલિયન મતદારોએ ભાગ લીધો હતો. તેઓ આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડ અને નીતિ આયોની પુનર્ગઠન સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. બેંક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેઓ બેંકના અન્ય કોઈ ડિરેક્ટર સાથે સંબંધ ધરાવતા નથી. આ નિમણૂક અંગે આગામી 5 ઓગસ્ટ, 2026ના રોજ યોજાનારી 32મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં અંતિમ ઠરાવ પસાર કરવામાં આવશે.
આ પણ વાંચો: RBI Digital Payment Rules : ₹10,000 થી વધુના ટ્રાન્સફર પર લાગશે 1 કલાકનો હોલ્ડ!, જાણો કેમ લેવાયો આ નિર્ણય?