Indian Currency: 2000ની ગુલાબી નોટો હજુ પણ ફરી રહી બજારમાં!, RBIએ જાહેર કર્યા આંકડા
- Indian Currency: 2000ની નોટો પર RBIનો ખુલાસો
- બે મહિનામાં ફક્ત ₹148 કરોડ પરત આવ્યા
- હજુ સંપૂર્ણ પરત નથી આવી 2000ની નોટો
Indian Currency: વર્ષ 2023માં ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) રદ કરેલી 2 હજારની ગુલાબી નોટોનું 100 ટકા વળતર હજુ સુધી પ્રાપ્ત થયું નથી. RBI એ વર્ષ 2025 ના છેલ્લા દિવસનો ડેટા બહાર પાડ્યો છે. આરબીઆઈએ જણાવ્યું છે કે 5 હજાર કરોડથી વધુ કિંમત ધરાવતી ગુલાબી નોટો હજુ પણ પરત નથી આવી. આનો અર્થ એ થયો કે નોટબંધી કરાયેલી આટલી મોટી કિંમતની નોટો હજુ પણ જનતા પાસે છે. નોંધપાત્ર વાત એ છે કે, પરત કરવાની સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં, નાગરિકો નોટો પરત કરવામાં ઉદાસીન વલણ દાખવી રહ્યા છે.
Indian Currency: અત્યાર સુધી 98.41% નોટો પરત આવી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની જાણકારી મુજબ, 19 મે 2023ના રોજ બે હજારની ચલણી નોટોને પ્રતિબંધિત કરવામાં આવી હતી. જો કે, સમગ્ર દેશમાંથી બે હજારની નોટોનું સંપૂર્ણ રિફંડ (Refund) થયું નથી. પ્રતિબંધ સમયે ભારતીય માર્કેટમાં 3.56 લાખ કરોડની નોટો ચલણમાં હતી. અને 31 ડિસેમ્બર (December 31) 2025 સુધીમાં 98.41 ટકા નોટો પરત આવી ગઈ છે. તેમ છતા 5 હજાર 669 કરોડની નોટો હજુ જમા થઈ નથી.
Indian Currency: 2 મહિનામાં માત્ર 148 કરોડ પાછા આવ્યા
RBI એ જનતાને આ નોટો જમા કરાવવાની સુવિધા પૂરી પાડી હતી. શરૂઆતના તબક્કામાં નોટો પરત કરવાની ગતિ ઘણી ઝડપી હતી. પરંતુ હવે તે ઘણી પડી ગઈ છે. છેલ્લા બે મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો, 31 ઓક્ટોબરે 5 હજાર 817 કરોડ રૂપિયા બજારમાં હતા. નોંધનીય છે કે RBI એ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે, 2 હજાર રૂપિયાની નોટો સંપૂર્ણ રીતે પાછી ખેંચાય ત્યાં સુધી કાયદેસર રહેશે.
કેમ બંધ કરવામાં આવી હતી 2 હજારની નોટો?
નવેમ્બર 2016 માં જ્યારે 500 અને 1000 રૂપિયાની નોટોની નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ સેન્ટ્રલ બેંકે (Central Bank) આ મોટી ચલણી નોટો રજૂ કરી હતી. નોટબંધીની અસર ઓછી થયા પછી સેન્ટ્રલ બેંકે 19 મે, 2023 ના રોજ ક્લીન નોટ પોલિસી હેઠળ 2 હજારની મોટી ચલણી નોટોને પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.
હજુ પણ બદલી શકાય છે 2 હજારની નોટો
2000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કાઢ્યા પછી, ભારતીય રિઝર્વ બેંકે લોકોને 7 ઓક્ટોબર 2023 સુધી તમામ બેંકની શાખાઓ (Branches) ને નોટો બદલવાની સુવિધા આપી હતી. બજારમાં નોટોની સંખ્યા ઘટ્યા પછી, કેન્દ્રીય બેંકે ઉપાડ પ્રક્રિયા 19 ઓફિસો સુધી મર્યાદિત કરી હતી. જ્યાં આ નોટો હજુ પણ બદલી શકાય છે.
આ સ્થળોએ નોટો બદલવાની સુવિધા હજુ યથાવત
અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં રિઝર્વ બેંકની ઓફિસોનો સમાવેશ થાય છે. જાહેર સુવિધા માટે, RBI એ ઇન્ડિયા પોસ્ટ દ્વારા 2,000 રૂપિયાની નોટ મોકલવાની સુવિધા પણ પૂરી પાડી છે.
આ પણ વાંચો-----ચૂંટણી પંચે ECINet એપને વધુ સુધારવા માટે નાગરિકો પાસેથી માગ્યા સૂચનો
આ પણ વાંચો-----Indian Currency: ફરી આવશે નોટબંધી જેવી સ્થિતિ? સરકાર હવે 500ની ચલણી નોટ બંધ કરશે?


