ભારતીય શેરબજારમાં યુદ્વની અસર ,એક જ દિવસમાં સેન્સેક્સ 2,743 પોઈન્ટ તૂટતા રોકાણકારોને ભારે નુકસાન
- સેન્સેક્સ 2,743 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ 519 પોઈન્ટનો મોટો કડાકો (Stock Market Crash)
- રોકાણકારોએ એક જ દિવસમાં ₹6 લાખ કરોડ ગુમાવ્યા.
- બજારમાં હાહાકાર વચ્ચે 162 શેરોમાં લોઅર સર્કિટ
ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના વધતા સૈન્ય તણાવની સીધી અસર હવે નાણાકીય બજાર પર જોવા મળી રહી છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે ભારતીય શેરબજાર (Indian Share Market) માં આજે મોટું ગાબડું પડ્યું છે, જેના લીધે રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે.
Stock Market Crash : શેરબજારમાં જોરદાર કડાકો
સપ્તાહના પ્રારંભે જ ભારતીય શેરબજારમાં રક્તપાત જેવી સ્થિતિ જોવા મળી હતી. સેન્સેક્સ (Sensex) 2,743 પોઈન્ટ અથવા 3.38% ના તોતિંગ ઘટાડા સાથે 78,543 પર ખુલ્યો હતો. બીજી તરફ, નિફ્ટી (Nifty 50) માં પણ 519 પોઈન્ટનો ઘટાડો નોંધાયો અને તે 24,659 પર બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) માં પણ 1,300 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. જોકે, ટ્રેડિંગના થોડા સમય બાદ બજારમાં રિકવરીના સંકેત મળ્યા હતા, જેમાં સેન્સેક્સ 1,000 પોઈન્ટના ઘટાડા સાથે 80,282 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા
બજારમાં આવેલા આ ભયાનક ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં મોટું નુકસાન થયું છે. બીએસઈ (BSE) ના માર્કેટ કેપમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે જે માર્કેટ કેપ ₹463.50 લાખ કરોડ હતું, તે સોમવારે ઘટીને ₹457.50 લાખ કરોડ થઈ ગયું હતું. આમ, માત્ર એક જ દિવસમાં રોકાણકારોને આશરે ₹6 લાખ કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા
મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ (Crude Oil) ના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. હાલમાં કિંમતોમાં 10% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ બજારના નિષ્ણાતો માને છે કે જો ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ લાંબુ ખેંચાશે, તો સ્થિતિ ગંભીર બની શકે છે. ભવિષ્યમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $100 સુધી પહોંચવાની પણ શક્યતા સેવાઈ રહી છે.
162 શેરોમાં લોઅર સર્કિટ
ઈરાન (Iran) પરના હુમલાની નકારાત્મક અસર શેરબજાર પર સ્પષ્ટ દેખાઈ રહી છે. બીએસઈ (BSE) પર ટ્રેડ થતા કુલ 3,660 સક્રિય શેરોમાંથી 2,985 શેરોમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે માત્ર 510 શેરો વધ્યા હતા. આંકડા મુજબ, 663 શેરો તેમના 52-અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યા હતા અને 162 શેરોમાં લોઅર સર્કિટ (Lower Circuit) લાગી હતી.
આ પણ વાંચો: Iran Israel War Impact: ઈરાન-ઈઝરાયલ યુદ્વની વૈશ્વિક અર્થતંત્ર પર સીધી અસર, કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો


