Plane Crash દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની મદદ માટે આગળ આવ્યું LIC
Ahmedabad Air India Plane Crash : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે (12 જૂન) એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા 242 લોકો સહિત 265 લોકોના મોત થયા છે, ત્યારે આ દુઃખ ઘટનાને ધ્યાને રાખી દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ આજે મહત્ત્વની જાહેરાત કરી છે. એલઆઈસીએ કહ્યું છે કે, ‘અમે વિમાન અકસ્માતમાં સામેલ પીડિતોના સંબંધીઓને દાવાની પતાવટ પ્રક્રિયામાં રાહત આપી છે અને આ પ્રક્રિયાને ઝડપી કરી દીધી છે. કંપનીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી કહ્યું છે કે, અમે વિમાન દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
વિમાન અકસ્માતના મૃતકોના ડેથ સર્ટિફિકેટની જરૂર નથી : LIC
એલઆઈસીએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘અમે પૉલિસીના દાવેદારોની સમસ્યાનું નિવારણ લાવવા માટે રાહતની જાહેરાત કરી છે. જો વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓનું ડેથ સર્ટિફિકેટ ન હોય તો, તેના બદલે સરકારી રેકોર્ડમાં સામેલ કોઈપણ પુરાવા અથવા કેન્દ્ર-રાજ્ય સરકાર-એરલાઈન્સ અધિકારીઓ દ્વારા ચૂકવવામાં આવેલ કોઈપણ વળતર ‘પ્રૂફ ઑફ ડેથ’ તરીકે સ્વિકારવામાં આવશે.
LIC announces relaxations for victims of Air India AI 171 plane crash in Ahmedabad on 12th June, 2025.#LIC #AirIndia #AhmedabadCrash #FlightTragedy #AI171@airindia @GovernmentIndia @GujaratGovtInd pic.twitter.com/ugLRGrApZG
— LIC India Forever (@LICIndiaForever) June 13, 2025
‘ક્લેમની ઝડપી પતાવટ કરવામાં આવશે’
વીમા કંપનીએ એમ પણ કહ્યું છે કે, ‘અમે વિમાન દુર્ઘટના સંબંધીત દાવેદારો સુધી પહોંચવા તેમજ તેમના ક્લેમની ઝડપી પતાવટ માટે તમામ પ્રયાસો કરીશું. દાવેદારો વધુ મદદ મેળવવા માટે નજીકના એલઆઈસી બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત દાવેદારો એલઆઈસીના કૉલ સેન્ટર 022-68276827 પર પણ કૉલ કરી શકે છે.
આ પણ વાંચો - Ahmedabad plane crash: 15 જૂનથી ઉડાન પહેલા જ તમામ વિમાનની થશે તપાસ
પ્લેન ક્રેશમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા
અમદાવાદમાં ગઈકાલે થયેલા પ્લેન ક્રેશમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 241 લોકો પ્લેનમાં સવાર હતા, જ્યારે અન્ય 24 સ્થાનિકો ક્રેશનો ભોગ બન્યા હતાં. એર ઈન્ડિયાનું આ વિમાન 11 વર્ષ જૂનુ હતું. જે ટૅકઑફની બે મિનિટમાં જ ધડાકાભેર બીજે મેડિકલની હોસ્ટેલમાં અથડાયું હતું. તેની આસપાસની ઈમારતોમાં પણ નુકસાન થયુ હતું. વિમાનનું બ્લેક બોક્સ કાટમાળમાંથી મળી આવ્યું છે. જેના પરથી દુર્ઘટનાનું કારણ જાણવામાં મદદ મળશે.